Rahul Gandhi interviews Satyapal Malik : પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો સ્ફોટક ઇન્ટરવ્યૂ 'હું લેખિતમાં આપી રહ્યો છું, હવે મોદી સરકાર નહીં આવે'
રાહુલ ગાંધી ગાંધી સાથેની વાતચીતનો ઇન્ટરવ્યૂ ધૂમ મચાવી રહ્યો છે, સત્યપાલ મલિક હજુ પણ ભાજપમાં જ છે.

WND Network.New Delhi : મણિપુરમાં હિંસા, પુલવામા હુમલો, ખેડૂતોનું આંદોલન અને જાતિગણતરી સહિત અનેક મુદ્દાઓ પર ભાજપમાં રહીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કરનારા જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો એક ઇન્ટરવ્યૂ સોસીયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. માલિકનો આ સાક્ષાત્કાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 14 ઓક્ટોબરે કર્યો હતો. 28 મિનિટની આ વાતચીતમાં રાહુલે સત્યપાલ મલિક સાથે ચર્ચા કરી હતી. અને એવો દાવો કર્યો હતો કે, ચૂંટણીમાં માત્ર 6 મહિના બાકી છે. હું લેખિતમાં આપું છું કે હવે મોદી સરકાર નહીં આવે. રાહુલે મલિક સાથે ભારતીય રાજનીતિને સ્પર્શતા 6 મુદ્દા પર વાત કરી છે.
રાહુલ ગાંધી સાથેની ચર્ચા દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે નરેન્દ્ર મોદી સરકારની કાશ્મીર અંગેની પોલિસી અંગે ટીકા કરતા કહ્યું હતું કે, ના લોકો જબરદસ્તી કે બળથી સારા થઈ શકતા નથી. તમે જમ્મુ-કાશ્મીરના લોકો પર જીત મેળવીને કંઈપણ કરી શકો છો. કાશ્મીરમાંથી કલમ 370 પાછી ખેંચી લીધી અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી તો ઉલટાની હિંસક ઘટનાઓ વધી છે તેમ મલિકે ઉમેર્યું હતું. રાજૌરી અને કાશ્મીર ઘાટીમાં દરરોજ હિંસા થઈ રહી છે.
પુલવામામાં હુમલા અંગે તેમનો અભિપ્રાય આપતા પૂર્વ રાજ્યપાલ મલિકે કહ્યું કે, હું એમ નથી કહેતો કે હુમલો ભાજપે કરાવ્યો છે, પરંતુ પાર્ટીએ આ હુમલાનો રાજકીય ઉપયોગ કર્યો છે. વડાપ્રધાન મોદીએ લોકોને કહ્યું હતું કે જ્યારે તેઓ મતદાન કરવા જાય ત્યારે પુલવામાની કુરબાનીને યાદ રાખે. જે દિવસે આ હુમલો થયો એ દિવસે PM મોદી નેશનલ કોર્બેટ પાર્કમાં શૂટિંગ કરી રહ્યા હતા. મેં તેમને ઘણીવાર ફોન કર્યો, પરંતુ સંપર્ક થયો નહીં. થોડા સમય પછી જ્યારે તેમણે ફોન કર્યો તો મેં તેમને કહ્યું કે અમારા ઘણા સૈનિકો શહીદ થયા છે અને આ બધું અમારી ભૂલને કારણે થયું છે, તો તેમણે તરત જ મને ચૂપ રહેવા અને આ અંગે કંઈ ન બોલવાનું કહ્યું. મને લાગ્યું કે આ મામલાની તપાસ થશે, પરંતુ આજ સુધી કંઈ થયું નથી.
મલિકે રાહુલ સાથેના ઇન્ટરવ્યૂમાં એવો પણ દાવો કર્યો કે, શહીદ થયેલા જવાનોએ ગૃહ મંત્રાલય પાસે 5 એરક્રાફ્ટની માગણી કરી હતી, પરંતુ તેમની માગને પૂરી ન કરવામાં આવી. ત્યાર પછી તેમને રોડ પર ચાલવાની ફરજ પડી અને દુર્ઘટનાના શિકાર થયા. તમામ વિસ્ફોટક પાકિસ્તાનથી આવ્યો હતો. વિસ્ફોટકો સાથેનું વાહન દસ દિવસ સુધી ફરતું હતું, પરંતુ તંત્રએ ધ્યાન આપ્યું નહીં. આટલું જ નહીં, જે માર્ગ પરથી સૈનિકો પસાર થઈ રહ્યા હતા એ માર્ગ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો નહોતો. સેનાના કાફલાની સાથે ટ્રાફિક ચાલતો હતો.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ની વિચારધારા, દેશના વિવિધ મુદ્દાઓ, જાતિ આધારિત વસ્તી ગણતરી તેમજ મણિપુર હિંસા જેવા વિવિધ મામલે મલિકે રાહુલ સાથે વિસ્તૃત ચર્ચા કરીને એવો દાવો કરી દીધો હતો કે, લોકસભા ચૂંટણીને હવે માત્ર 6 મહિના બાકી છે. ત્યારે હું લખિતમાં આપું છું કે હવે મોદી સરકાર નહીં આવે.