Adani Coal Scam : તમારું વીજળીનું બિલ વધવા પાછળ શું અદાણી જવાબદાર છે ? કોલસાની કાળી કમાણીથી અદાણી ગ્રુપને ઘી-કેળા થયાના આક્ષેપથી મોદી સરકારની શાખ સામે સવાલ...

ઇન્ડોનેશિયાથી સસ્તો કોલસો ભારતમાં લાવી બમણી કિંમત વસૂલી કાર્યનો સનસનીખેજ આક્ષેપ, 32 મહિનામાં 30 શિપમેન્ટમાં આયાતી કોલસાના ભાવ બમણો થઇ ગયો હોવાનો ઇંગ્લેન્ડના ન્યૂઝ પેપરનો અહેવાલ

Adani Coal Scam : તમારું વીજળીનું બિલ વધવા પાછળ શું અદાણી જવાબદાર છે ? કોલસાની કાળી કમાણીથી અદાણી ગ્રુપને ઘી-કેળા થયાના આક્ષેપથી મોદી સરકારની શાખ સામે સવાલ...

WND Network.Delhi : રાજ્ય સરકારના ઉર્જા વિભાગની કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (Gujarat Urja Vikash Nigam Limited-GUVNL) સામે છેલ્લા કેટલાય સમયથી અદાણી ગ્રુપને કોલસાના ભાવ વધવાને બહાને કરોડો રૂપિયા વધુ ચૂકવી દીધાના આક્ષેપ થઇ રહ્યા છે. દરમિયાન  ઇંગ્લેન્ડના એક જાણીતા અખબાર ફાયનાન્સિયલ ટાઈમ્સના એક રિપોર્ટમાં અદાણી ગ્રુપ ઉપરના ઇન્ડોનેશિયાથી સસ્તો કોલસો ભારતમાં લાવી બમણી કિંમત વસૂલના આક્ષેપ થયો છે.  ત્યારે ગુજરાત સરકાર સામે ભૂતકાળમાં કરવામાં આવેલા ઉપરોક્ત આક્ષેપને વધુ બળ મળ્યું છે. કોલસાની કાળી કમાણીથી અદાણી ગ્રુપને ઘી-કેળા થયાના હોવાના આ અખબારી રિપોર્ટ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા પણ આ મામલે આક્ષેપ કરવાને પગલે ગુજરાતની ભાજપ સરકારની સાથે સાથે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની શાખ સામે સવાલ થઇ રહ્યા છે. ફાયનાન્સિયલ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, 32 મહિનામાં 30 શિપમેન્ટમાં આયાતી કોલસાના ભાવ બમણો થઇ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ તો એવું પણ કહ્યું છે કે, અદાણીનું કોલસા આયાતનું રૂ.32,000 કરોડનું કૌભાંડ કોઇપણ સરકારને ઉથલાવી શકે તેવું છે. અદાણી સમૂહ અને કેન્દ્રની મોદી સરકાર ઉપર કરવામાં આવેલા આ 'ફ્રેશ' આક્ષેપની અસર રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના પાંચ રાજ્યની વિધાનસભાની આગામી ચૂંટણી ઉપર વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં થાય તો નવાઈ નહિ.   

ગત સપ્તાહે લંડનથી પ્રકાશિત થતા અગ્રણી બિઝનેસ દૈનિક ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં એક એવો અહેવાલ આવ્યો હતો કે કોલસાની આયાત સામે અદાણી જૂથ દ્વારા ઇન્ડોનેશિયાથી કાર્ગો જહાજમાં ભારત પહોચે તેમાં ભાવ ફેરફાર કરવાની, ઇન્ડોનેશિયાના સસ્તા કોલસાની ભારતમાં ઊંચા ભાવે આયાત કરવાની ગેરરીતિ કરી રહ્યું છે. આ મામલે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અદાણી ઊંચા ભાવે આયાત બતાવી રહ્યા હોવાથી ભારતમાં વીજળી મોંઘી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના મેમ્બર શક્તિસિંહ ગોહિલ (Congres MP Shaktisinh Gohil) દ્વારા પણ થોડા સમય પહેલા કઈંક આવો જ આક્ષેપ ગુજરાતની ભાજપ સરકાર ઉપર કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યની ભાજપ સરકારના ઉર્જા વિભાગ હસ્તકની કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (Gujarat Urja Vikash Nigam Limited-GUVNL) દ્વારા અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ કંપનીને ચૂકવવાપાત્ર રૂ. ૯,૯૦૨ કરોડની સામે રૂ. ૧૩,૮૦૨ કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા. એટલે કે વગર બિલો મેળવ્યે અને ARGUSના ભાવ કરતાં વધારે રકમ  રૂ. ૩,૯૦૦ કરોડ વધારે ચૂકવી દેવામાં આવ્યા હતા. 

ઇન્ડોનેશિયાથી સસ્તો કોલસો ભારતમાં આવીને મોંઘો કેવી રીતે બની ગયો ? : ગત સપ્તાહે લંડનથી પ્રકાશિત થતા અગ્રણી બિઝનેસ દૈનિક ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં એક એવો અહેવાલ આવ્યો હતો કે, કોલસાની આયાત સામે અદાણી જૂથ દ્વારા ઇન્ડોનેશિયાથી કાર્ગો જહાજમાં ભારત પહોચે તેમાં ભાવ ફેરફાર કરવાની, ઇન્ડોનેશિયાના સસ્તા કોલસાની ભારતમાં ઊંચા ભાવે આયાત કરવાની ગેરરીતિ કરી રહ્યું છે. જેને પગલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ તેમની પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો હતો કે, અદાણી ઊંચા ભાવે આયાત બતાવી રહ્યા હોવાથી ભારતમાં વીજળી મોંઘી થઇ રહી છે. અખબારનો અહેવાલ ટાંકતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાથી ભારત કોલસો પહોચે ત્યારે ભાવ બમણો થઇ જાય છે. આ પ્રક્રિયામાં અદાણીએ ગરીબોના ખિસ્સામાંથી રૂ.૧૨,૦૦૦ કરોડ એકત્ર કરી લીધા છે. ઊંચા ભાવના કોલસાના કારણે ભારતમાં વીજળી મોંઘી થઇ રહી છે. ભારતીય પ્રસાર માધ્યમમાં આ અહેવાલ આવ્યા નથી. આ અહેવાલ કોઇપણ સરકારને સત્તા ઉપરથી ઉથલાવી શકે એમ છે.

ગૌતમ અદાણીની માલિકીની અદાણી એન્ટરપ્રાઈસ દ્વારા ઇન્ડોનેશિયાથી કોલસાની નિકાસ વખતે જાહેર કરવામાં આવેલા ભાવ, જથ્થો અને તેની ભારતમાં આયાત સમયે બંદર ઉપર જાહેર કરવામાં આવેલા ભાવ અને જથ્થાના આંકડાની સરખામણી કરી  ફાઈનાન્સિયલ ટાઈમ્સનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવ્યો છે. 

ફાઈનાન્સિયલ ટાઈમ્સે ૩૨ મહિનાના સમયગાળામાં ૩૦ જેટલા કોલસાના શિપમેન્ટની તપાસ કરી જણાવ્યું હતું કે ત્યાંથી નિકાસ અને ભારતમાં આયાત સમયે ભાવમાં ૭ કરોડ ડોલર એટલે કે રૂ.૫૮૧ કરોડનો તફાવત જોવા મળે છે. અહેવાલમાં ઉદાહરણ ટાંકતા અખબાર જણાવે છે કે ઇન્ડોનેશિયાના કાલિયોરાંગ બંદરથી ૭૪,૮૨૦ ટન કોલસો લઇને એક જહાજ ભારત નીકળે છે. આ સમયે કોલસાની કિંમત ૧૯ લાખ ડોલર અને સ્થાનિક્ ખર્ચ ૪૨,૦૦૦ ડોલર દર્શાવવામાં આવી છે. જયારે આ જહાજ મુન્દ્રા બંદર પહોચે છે ત્યારે તેનો ભાવ ૪૩ લાખ ડોલર થઇ જાય છે એવી કસ્ટમના દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે. આવા કુલ ૩૦ શિપમેન્ટ ભારતમાં અદાણીએ આયાત કર્યા હતા જેમાં ૩૧ લાખ ટન કોલસાની આયાત થઇ છે. નિકાસ સમે તેનો ભાવ ૧૩.૯ કરોડ ડોલર અને અન્ય ખર્ચા ૩૧ લાખ ડોલર દર્શાવેલા છે. ભારતમાં આયાત સમયે કસ્ટમ સમક્ષ તેનું મૂલ્ય ૨૧.૫ કરોડ ડોલર બતાવવામાં આવ્યું છે અને આમ અદાણીએ ૭.૩ કરોડ ડોલરનું ઓવર ઇન્વોઇસિંગ (મૂળ કિંમત કરતા ઊંચા ભાવ દર્શાવ્યા છે) કર્યું છે. અહેવાલ વધુમાં નોંધે છે કે ગુજરાત સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડે પણ ઊંચા કોલસાના ભાવ બતાવનાર અદાણી પાસે નાણા પરત માંગતી નોટીસ પાઠવી છે.  અગાઉ, DRIએ અદાણી જૂથ સામે કોલસાની આયાતના ઊંચા ભાવ દર્શાવવાનો એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેમાં અદાણીની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો. 

અદાણીને માલામાલ કરવા માટે ગુજરાતની જનતાની તિજોરીની ખુલ્લી લૂંટ ભાજપના શાસનમાં ચાલી રહી છે - કોંગ્રેસ : ફાયનાન્સિયલ ટાઈમ્સનો રિપોર્ટ આવ્યો તે અગાઉ ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા થોડા સમય પહેલા રાજ્યની ભાજપ સરકાર સામે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, અદાણીને માલામાલ કરવા માટે ગુજરાતની જનતાની તિજોરીની ખુલ્લી લૂંટ ભાજપના શાસનમાં ચાલી રહી છે. તેમણે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા વીજળી ખરીદી માટે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ સાથે કરવામાં આવ્યો હતો. આ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ મુજબ જે એનર્જી ચાર્જીસ એટલે કોલસાની ખરીદીની કિંમત પર અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને પૈસા આપવા માટેની સ્કીમ બની હતી તે મુજબ અદાણી પાવર દ્વારા ખરીદાયેલા કોલસાના બીલો સ્પર્ધાત્મક રીતે ખરીદ્યા છે તેના ડોક્યુમેન્ટ્સ અને પારદર્શિતા દર્શાવતા તમામ પેપર રજુ કરવામાં આવે અને ત્યારબાદ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ તેની ચકાસણી કરે અને તેની સરખામણી ARGUS (કોલસાનો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ નક્કી કરતી સંસ્થા)નો જે ભાવ હોય તેની સરખામણી બાદ જો અદાણીએ ખરીદેલ કોલસો ઓછી કિંમતનો હોય તો તેને ધ્યાને લેવાનું અને જો ARGUSના ભાવ ઓછા હોય તો તેને ધ્યાને લઈને જ અદાણીને પૈસા મળે એવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં વર્ષ ૨૦૧૮ થી લઈ વર્ષ ૨૦૨૩ સુધીના પાંચ વર્ષના ગાળા દરમિયાન અદાણીને રૂ. ૧૩,૮૦૨ કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા, જ્યારે ખરેખર અદાણીને મળવાપાત્ર રૂ. ૯,૯૦૨ કરોડ જ થતા હતા, એટલે રૂ. ૩,૯૦૦ કરોડ વધારે અદાણીને ચૂકવી દેવામાં આવ્યા. જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટ તપાસની કમિટી બનાવતી હતી અને સેબીની ઈન્કવાયરી શરૂ થવામાં હતી તેમજ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) પણ વિરોધ પક્ષે માંગણી કરી હતી. ત્યારે અધિકારીઓએ આ મોટા ભ્રષ્ટાચારમાં પોતાને તકલીફ ન ઊભી થાય તે માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણી પાવર મુન્દ્ર લિમિટેડને પત્ર લખીને કહ્યું કે, વારંવાર માંગણી કરવા છતાં અદાણી પાવર દ્વારા ખરીદાયેલ કોલસાના બિલો આપવામાં આવતા નથી, સ્પર્ધાત્મક ભાવ અંગેના કે પારદર્શિતા અંગેના ડોક્યુમેન્ટ્સ આપવામાં આવતા નથી અને માત્ર ચોક્કસ લોકો પાસેથી ઊંચા ભાવે કોલસો ખરીદ્યાની વાત કરીને રૂ. 13,802 કરોડ સરકાર પાસેથી લીધા છે.

કરાર મુજબ ARGUSના ભાવ ધ્યાને લેતા અદાણીને ખરેખર વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૩ સુધીમાં મળવાપાત્ર રૂ. ૯,૯૦૨ કરોડ જ થાય છે, એટલે કે રૂ. ૩,૯૦૦ કરોડ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણીને વધારે ચૂકવી દીધા છે અને તે પરત આપી દેવા પત્ર લખી નાંખ્યો. હકીકતમાં આ એક મોટું કૌભાંડ ચાલતું હતું અને જ્યારે તપાસ થશે તેવી બીક લાગી ત્યારે માત્ર પત્ર લખી નાખવામાં આવ્યો છે. આ રીતે ચૂકવાયેલ નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો છે. માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતીઓને મોંઘી વીજળી ખરીદવી પડે તેવો ઘાટ ભાજપ સરકારે ઉભો કર્યો છે. વગર બિલો મેળવ્યે અને ARGUSના ભાવ કરતાં વધારે રકમ કોના કહેવાથી ચૂકવી આપવામાં આવી ? રૂ. ૩,૯૦૦ કરોડ વધારે ચૂકવી દીધા તેનું વ્યાજ અદાણી પાસેથી વસુલ કરવાનું શા માટે નથી લખાયું ? આ એક પ્રકારનું મની લોન્ડરીંગ છે ત્યારે ઈ.ડી., સી.બી.આઈ. અને સેબી કેસ દાખલ કરીને કેમ તપાસ કરતી નથી ? પાંચ વર્ષ સુધી કોઈપણ જાતના બિલો વગર કોના કહેવાથી અદાણીને કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા ? અત્યાર સુધીમાં અદાણી પાસેથી કેટલા રૂપિયા વસૂલ કરવામાં આવ્યા ? ૩૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે? અને કોના કહેવાથી આટલી મોટી રકમ મળતીયા કંપનીને આપી દેવામાં આવી આ તમામ સવાલો અંગે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી હતી. 

કોલસાની કિંમત અંગેના આક્ષેપમાં અદાણી ગ્રુપનું શું કહેવું છે ? : અદાણીએ નવા અહેવાલ અંગે તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જૂની વાતો ફરીને ફરી વાંચકો સમક્ષ પીરસીને તેમની કંપની અને જૂથને બદનામ કરવા માટે, નુકસાન પહોંચાડવા માટે અહેવાલ વહેતા કરવામાં આવી રહ્યા છે જેમાં ભારત વિરોધી તત્વો સામેલ છે.