IPS Transfer In Gujarat : સરકાર તો મજબુર હતી ઈલેક્શન કમિશન તમે પણ..? IPSની પોસ્ટિંગનો નિર્ણય નહીં લેવાને કારણે હવે ચૂંટણી પંચની મુક્ત અને ન્યાયી છાપ ઉપર સવાલ !
દેશના અન્ય રાજ્યોમાં કલેક્ટર - SPની ટ્રાન્સફરમાં ફટાફટ નિર્ણય લેતા ભારતીય ચૂંટણી પંચને ગુજરાતમાં પોલીસ અધિકારીઓની પોસ્ટીંગમાં કોની શરમ નડી રહી છે ?
WND Network.New Delhi : માત્ર ગુજરાત જ નહીં પરંતુ કદાચ આખા ભારતમાં અત્યાર સુધીના ચૂંટણીના ઇતિહાસમાં ન થયું હોય તેવું પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગના મામલામાં જોવા મળી રહ્યું છે. લોકસભા માટેની આગામી ચૂંટણીના જાહેરનામા પહેલા ઈલેક્શન કમિશન દ્વારા અનેક વખત સૂચના છતાં ગુજરાત સરકારે IPS ઓફિસર્સની ટ્રાન્સફર - પોસ્ટિંગના મુદ્દે ગંભીરતા ન દાખવી ત્યારે એમ લાગતું હતું કે કદાચ ચૂંટણી પંચ રાજ્ય સરકારને ફટકાર લગાવશે. ફટકાર કે ટીકા તો દૂર રહી ગુજરાતની ભાજપની સરકાર જાણે કે ઈલેક્શન કમિશનને ઘોળીને પી ગઈ હોય એમ છેક સુધી ધરાર બદલીઓ ન જ કરી. છેવટે જયારે ચૂંટણીની તારીખો જાહેર થઇ ત્યારે એમ લાગ્યું કે હવે કદાચ ચૂંટણી પંચ ઇલેક્શનની કામગીરી અંતર્ગત વહીવટની બાગડોર હાથમાં લઈને IPSની બદલીઓથી ભાગતી ગુજરાત સરકારનું કામ આસાન કરી દેશે. પરંતુ મુક્ત અને ન્યાયી ચૂંટણીની છાપ અને એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થાનો હિસ્સો હોવા છતાં ઈલેક્શન કમિશન પણ નિર્ણય આ નિર્ણ્ય લઇ શક્યું નથી . બીજી બાજુ દેશના અન્ય રાજ્યોમાં ચૂંટણી પંચ કલેક્ટર કે એસપીના ટ્રાન્સફર પોસ્ટિંગના ફટાફટ નિર્ણયો લઇ રહ્યું છે, પણ ગુજરાતમાં પોલીસ અધિકારીઓની બદલીઓ અંગે નિર્ણય નથી લઇ શક્યું નથી. તેને લીધે ઈલેક્શન કમિશનની છાપ ચોક્કસ ખરડાઈ છે.
ઈલેક્શન કમિશનમાં ચૂંટણી કમિશનરોની નિમણુંકને લઈને કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા કાનૂન લાવીને નિમણુંકનો પાવર સત્તા પક્ષ પાસે રાખવાના નિર્ણયને વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી હતી. ત્યારે એમ લાગતું હતું કે વિપક્ષ ખોટો હોબાળો મચાવી રહ્યું છે. પરંતુ તે પછી જે રીતે બે ઇલકેશન કમિશનરની નિયુક્તિ કરવામાં આવી અને જે રીતે ગુજરાતમાં રાજ્ય સરકારની જેમ જ ચૂંટણી પંચ પણ પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર - પોસ્ટિંગ સહિતના મામલે રાજકીય પક્ષ જેવું જ વલણ દાખવી રહ્યું છે તેને જોતા વિપક્ષના આક્ષેપોમાં દમ હોય તેમ હવે લાગી રહ્યું છે. સરકાર તો સમજ્યા પણ ઈલેક્શન કમિશન ઓફ ઇંડિયાને કોની શરમ નડી રહી છે તે મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો વ્યવસ્થાનો મુદ્દો મહત્વનો હોય છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ ગુજરાતમાં પોલીસ અધિકારીઓની નિયુક્તિને મામલે કોઈના ઈશારાના રાહ જોઈ રહ્યું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે.
બંગાળ સહિતના રાજ્યોમાં એક્ટિવ પંચ ગુજરાતમાં કેમ ઢીલું પડી જાય છે ? : વિપક્ષના રાજ્યો જેમ કે બંગાળના ડીજીપીને જે રીતે ઈલેક્શન કમિશને ખસેડીને તાબડતોડ બદલી નાખ્યા ત્યારે એમ લાગ્યું કે પંચ આવી જ કાર્યવાહી ભાજપ સત્તામાં હોય ત્યાં પણ કરશે. ગુજરાત ભાજપ માટે મોડેલ છે. એટલે કદાચ પંચ અહીં દાખલો બેસાડશે અને સરકાર જે કામ ન કરી શકે તે કરીને બતાવશે. પરંતુ પંચ પણ જાને કે, કોઈના માર્ગદર્શનની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. માત્ર બંગાળ જ નહીં પરંતુ બે દિવસ પહેલા જ ઈલેક્શન કમિશન દ્વારા પાંચ રાજ્યોમાં આઠ કલેક્ટર અને 12 એસપીને બદલામાં આવ્યા છે. ખાલી ગુજરાતની વાત આવે ત્યારે જ ચૂંટણી પણ કેમ ઢીલું પડી જાય છે તે વાત હવે ચર્ચાનો વિષય બની છે.
અડધા જેટલા ગુજરાતમાં IPSનું પોસ્ટિંગ બાકી ! : ગુજરાતના બીજા નંબરના શહેર સુરતમાં બે મહિનાથી પણ વધુ સમયથી પોલીસ કમિશનરની જગ્યા ખાલી છે. તેવી જ રીતે સુરત રેન્જમાં પણ પોસ્ટિંગ થયું નથી. માત્ર એટલું જ નહીં પરંતુ ચાર જિલ્લામાં એસપી, સુરત સહીત ત્રણ રેન્જમાં સિનિયર IPSની જગ્યા ચાર્જ ઉપર છે. પોલીસની એક રેન્જમાં ત્રણથી ચાર જિલ્લાનો સમાવેશ થતો હોય છે. સૌથી મોટા જિલ્લા કચ્છને સાંકળતી બોર્ડર રેન્જમાં તો એવા જિલ્લા આવે છે જેને ઇન્ટનેશનલ બોર્ડર સ્પશે છે. આમ કાયદો અને વ્યવસ્થા ચૂંટણી દરમિયાન મહત્વનું પરિબળ હોવા છતાં માત્ર પોતાના માનીતા પોલીસ અધિકારોને નિમણુંક કરવાની લ્હાયમાં પોસ્ટિંગ અટકાવી રાખવું કેટલું યોગ્ય છે ?