Kutch Betel Scam : સોપારી કાંડના ACBનાં કેસમાં પંકિલ મોહતા ત્રણ દિવસના રિમાન્ડ ઉપર, પત્રકારને ધમકાવનારા ભુજ LCBના PI ચુડાસમા વિરુદ્ધ SPને રજૂઆત...
સોપારીકાંડમાં સંડોવાયેલા કુલ છ પૈકી ચાર પોલીસ કર્મચારી સહીત પાંચ આરોપી હજુ પણ પોલીસની પહોંચ બહાર
WND Network.Bhuj (Kutch) : કચ્છ પોલીસની આબરૂના લીરેલીરા ઉડાવનારા ચર્ચાસ્પદ સોપારીકાંડના ACB કેસમાં બનાસકાંઠા પોલીસે છ આરોપી પૈકી પંકિલ મોહતાને ઝડપી લઈને મંગળવારે ભુજની ACBની કોર્ટમાં રજુ કર્યો હતો. જયાં પોલીસે 14 દિવસની માંગણી કરી હતી પરંતુ કોર્ટે બીજા પક્ષની દલીલને ધ્યાનમાં રાખીને માત્ર ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા. બીજી બાજુ પંકિલને દિલ્હીથી ઉઠાવી લાવનારી પોલીસ ચાર પોલીસ કર્મચારી સહીત હજુ પણ કુલ પાંચ આરોપીને પકડી શકી નથી. એટલે પોલીસની ભૂમિકા અને ખુબ જ સંગીન એવા આ પ્રકરણમાં સિનિયર પોલીસ અધિકારી સામે છાંટા ઉડવાના કારણે મીડિયામાં પણ હવે ધીમે ધીમે બધી હકીકત બહાર આવી રહી છે. જેને કારણે પોલીસ પત્રકારો ઉપર પણ દબાણ ઉભી કરી રહી હોય તેવી વાતો બહાર આવી રહી છે. આવા જ એક મામલે ભુજના એક પત્રકારને પશ્ચિમ કચ્છ પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગેરકાયદે ઉઠાવી જઈને ધમકી આપવાના મામલામાં ભુજના એસપી મહેન્દ્ર બગડિયા સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. રજુઆતમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, LCBના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમાએ રવિવારે બપોરે જાહેરમાં રોડ ઉપર પત્રકાર વાજિદ ચાકીને પહેલા બેફામ ગાળો આપી હતી અને ત્યારબાદ તેમને LCB ઓફિસે લઇ જઈને સાંજ સુધી બેસાડી રાખીને ગાંજાના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, બોર્ડર રેન્જમાં આવતા બનાસકાંઠા જિલ્લા પોલીસની એક ટીમ દ્વારા શનિવારે રાતે આઠેક વાગ્યાના અરસામાં પંકીલ મોહતાને દિલ્હીની પુલમેન ન્યૂ નામની હોટેલમાંથી ઊઠાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને બીજા દિવસે સવારે રવિવારે દિલ્હીથી ઈન્ડિગોની ફ્લાઇટમાં અમદાવાદ લાવીને પાલનપુર લઇ જવામાં આવ્યો હતો. જયાં તેને બે દિવસ રાખવામાં આવ્યો હતો. અને ત્યાર પછી આજે મંગળવારે પંકીલને પાલનપુરથી મુન્દ્રા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. અને સાંજે મુન્દ્રાથી ભુજ લાવીને તેને ACBની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. અલબત્ત પોલીસ માધ્યમો સમક્ષ એવો દાવો કરી રહી છે કે, પંકિલ દ્વારા મુન્દ્રામાં પોલીસ સમક્ષ સામેથી આત્મસમર્પણ કરવામાં આવ્યું છે.
પંકિલના વકીલ સિનિયર એડવોકેટ આર.એસ.ગઢવીએ 'વેબ ન્યૂઝ દુનિયા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફેસ ટાઇમર અને વોટ્સએપ કોલ-ચેટના માધ્યમથી કરોડો રૂપિયાના વ્યવહારો થયા છે. પોલીસે તેવું કહીને કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન જરૂરી છે તેવો દાવો કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ પોલીસ આ પ્રકરણમાં ચાર ચાર વખત પંકીલને પાલનપુર બોલાવીને નિવેદન લઇ ચુકી છે. આ ઉપરાંત પન્કીલે પોલીસને લેખિતમાં નિવેદન આપીને તેને પોસ્ટ મારફતે રજીસ્ટર એડી કરવા ઉપરાંત તપાસ અધિકારીને ઈ-મેલ કરેલું છે. માત્ર એટલું જ નહીં પરંતુ ACBનો કેસ થયો તે પહેલા અનિલ પંડિતની અરજીને આધારે બોર્ડર રેન્જના સાયબર સેલ દ્વારા પંકીલને ઓલરેડી બે દિવસ પકડી રાખવામાં આવ્યો હતો તે હકીકત પણ બહાર આવેલી છે. તેવામાં 14 દિવસના રિમાન્ડની કોઈ જ જરૂર નથી તેમ સિનિયર એડવોકેટ આર.એસ.ગઢવીએ કોર્ટ સમક્ષ કહ્યું હતું.
તેમણે વધુમાં એમ જણાવ્યું હતું કે, પંકીલ મોહતા પોલીસને અગાઉ નિવેદન આપી ચુક્યો છે. એ વાત પોલીસે રિમાન્ડની અરજીમાં જણાવી ન હતી. બંને પક્ષની દલીલો સાંભળીને કોર્ટે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સામે માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
'અમારા દેવદૂત જેવા IG વિરુદ્ધ કેમ લખે છે ? એક કિલો ગાંજો લાવીને ફિટ કરી દો' : સોપારી કાંડ અને તેના તોડકાંડના પ્રકરણમાં પોલીસની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. જેને પગલે રઘવાયેલી પોલીસ કરોડો રૂપિયાના તોડકાંડમાં નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરીને ફરાર આરોપીઓને ઝડપી લેવાને બદલે પત્રકારોને કોણ માહિતી આપી રહ્યું છે તે જાણવામાં તેમની શક્તિ વેડફી રહી છે. આવા જ એક ઘટનાક્રમમાં ભુજના એક પત્રકાર વાજિદ ચાકીને પશ્ચિમ કચ્છ પોલીસના LCB ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમાએ રવિવારે ગેરકાયદે કલાકો સુધી LCBની ઓફિસમાં ગોંધી રાખવામાં આવતા આ મામલે પશ્ચિમ કચ્છ પોલીસના SP સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમાએ પત્રકાર વાજિદ ચાકીનો મોબાઈલ ફોન લઈને તેમાં રહેલી સોસીયલ મીડિયા ચેટ અને તેઓ કોની કોની સાથે વાતો કરે છે તે વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. વાજિદ ચાકીએ SPને કરેલી રજુઆતમાં એવો પણ દાવો કર્યો છે કે, પીઆઇ ચુડાસમાએ રીતસરના ધમકી ભર્યા સ્વરમાં કોઈપણ કેસમાં ફિટ કરી દેવાની વાત કહી હતી. અને સ્ટાફને એવું પણ કહ્યું હતું કે, 'એક કિલો ગાંજો લાવીને આને NDPSના કેસમાં ફિટ કરી દો'. બપોરથી ઉપાડી ગયેલા પત્રકાર વાજિદ ચાકીને રાત સુધી LCB ઓફિસમાં બેસાડીને પોલીસની ધમકીભરી સ્ટાઈલમાં પૂછપરછ કરવા છતાં કંઈપણ વાંધાજનક હકીકત હાથમાં ન આવતા છેવટે તેમને કારમાં બ્લેક ફિલ્મ ચોંટાડવાના નામે મેમો ફાડીને છોડી દેવામાં આવે છે.