બરોડાની હાર્ટ હોસ્પિટલ ઉપર આવકવેરા વિભાગ ત્રાટક્યો...
ડો.દર્શન બેંકર ગ્રૂપની હોસ્પિટલ અને રહેણાંક પર કાર્યવાહી...
WND Network.Ahmedabad : બરોડામાં આવેલી બેંકર હાર્ટ હોસ્પિટલ પર IT વિભાગ દ્વારા બુધવારે સર્વેની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ બાદ હવે બરોડામાં ઇન્કમટેક્સનું આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ, બરોડા અને સુરતમાં એકાદ ડઝન સ્થળોએ ITની વિવિધ ટીમ દ્વારા બુધવાર સવારથી જ કાર્યવાહી કરવામાં આવી હતી.
આવકવેરા વિભાગે બરોડાના તબીબ ડો.દર્શન બેંકર સાથે સંકળાયેલા વિવિધ સ્થળે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બરોડામાં આ ગ્રુપની અલગ અલગ પાંચ હોસ્પિટલ આવેલી છે. સુત્રોનું માનીએ તો સુરતમાં પણ બેંકર ગ્રુપ હોસ્પિટલ ધરાવે છે. અને ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી છે.
અલકાપુરીમાં રહેતા ડો.દર્શન બેંકરના નિવાસસ્થાને ITની ટીમ જોવા મળી હતી. આ ઉપરાંત દર્શન બેંકર સાથે જોડાયેલા અન્ય સ્થળો પર પણ સર્વેની કાર્યવાહી કરવામાં આવી હોવાનું આઇટી વિભાગનાં સૂત્રો જણાવ્યું છે. આ કામગીરીમાં ITના 50થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.