Heavy Rain Forecast in Kutch : સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી, વહેલી સવારથી ભુજ સહિતના વિસ્તારોમાં વરસી રહ્યો છે મેઘો
હવામાન વિભાગની આગાહી મુજબ આજે શુક્રવારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે
WND Network.Ahmedabad : કચ્છ ઉપર સક્રિય બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે શુક્રવારે સવારથી લઈને ગણતરીના કલાકો દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ (Kutch Rain) પડી શકે છે. હવામાન વિભાગે તો સમગ્ર કચ્છ અને દ્વારકામાં તો વરસાદી રેડ એલર્ટ (Rain red Alert) પણ આપ્યું છે. ભુજમાં ગુરુવારે સાંજે પડેલા વરસાદ બાદ શુક્રવારે વહેલી સવારથી વરસાદે તેનો અસલ મિજાજ બતાવ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસ્યા રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભુજ સહીત પશ્ચિમ કચ્છના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પોણો ઇંચથી લઈને દોઢથી બે ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. રાજ્યના સૂત્રાપાડા અને વંથલીમાં તો ગુરૂવારે 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વેરાવળ અને પાટણમાં 6 ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 102 તાલુકામાં મેઘરાજાનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ પોરબંદર તાલુકામાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ, પોરબંદરના રાણાવાવમાં 9.5 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના વેરાવળમાં 8 ઈંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 7 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સૂત્રાપાડામાં 6.6 ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદરમાં 6.5 ઈંચ વરસાદ, 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.