કચ્છ : PM મોદીની મુલાકાત ટાણે બુંદી,ગાંઠિયા અને થેપલાના ત્રણ લાખ પેકેટ તૈયાર કરાશે, જાણો કેવી છે તૈયારી...

ભુજીયા ડુંગરે સ્મૃતિ વનમાં મોદીની સાથે વીસ હજાર છાત્રોને ઉભા રાખવાની પણ તૈયારી

કચ્છ : PM મોદીની મુલાકાત ટાણે બુંદી,ગાંઠિયા અને થેપલાના ત્રણ લાખ પેકેટ તૈયાર કરાશે, જાણો કેવી છે તૈયારી...

WND Network.Bhuj (Kutch) : કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા ભુજના સ્મૃતિવન પ્રોજેક્ટના લોકાર્પણનું આખરે મુહૂર્ત નીકળ્યું છે. આગામી રવિવારે 28મી ઓગસ્ટના દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ડ્રિમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. પીએમ મોદીની મુલાકાતને લઈને વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. એક અંદાજ મુજબ દોઢેક લાખ લોકોને મોદી સાહેબના કાર્યક્રમમાં ખેંચી લાવવા માટેનું ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે. સરકારી સહીત ખાનગી શાળાઓમાંથી વીસ હજાર છાત્રોને તો 'સાહેબ'ની સાથે ભુજીયા ડુંગર ઉપર ઉભા રાખવાનું પણ પ્લાનિંગ છે. આટલી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હોવાથી તેમના માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છના પુરવઠા વિભાગ દ્વારા આ માટે ટૂંકી જાહેરાત પણ આપવામાં આવી છે. જેમાં સો-સો ગ્રામ બુંદી-ગાંઠિયા, પાણીની બોટલના પેકેટ સહીત સુખડી અને થેપલા સાથે અથાણાંના ત્રણ લાખ પેકેટ પણ આપવામાં આવશે. 

વડાપ્રધાન મોદી ભુજીયા ઉપર નિર્માણ થઈ રહેલા સ્મૃતિવનનાં લોકાર્પણની સાથે સાથે એક રોડ શો પણ કરવાના છે. અને ત્યારબાદ ભુજમાં કચ્છ યુનિવર્સીટી પાસે તૈયાર કરવામાં આવેલા એક ભવ્ય સભામંડપમાં પોતાની વાતો કરશે. તેઓ પહેલા રોડ શો કરશે કે સભામાં જશે અથવા તો ભુજીયા ડુંગરે જશે તે અંગે તંત્ર દ્વારા કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. આ ઉપરાંત તેઓ કચ્છની મુલાકાત દરમિયાન કેટલાક કાર્યક્રમો ઓનલાઇન પણ કરવાના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડો સમય રહ્યો છે ત્યારે પીએમ મોદીની કચ્છની આ વિઝીટ સરકારી કમ પોલિટિકલ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.  

સ્મૃતિવનનો કન્સેપટ ચીનમાંથી લેવાયો છે :- અંદાજે 150 કરોડના પ્લાનિંગ સાથે ભુજ શહેરમાં આવેલા ભુજીયા ડુંગર ઉપર સ્મૃતિવન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ કેવો બનાવવો જોઈએ તે જોવા માટે કચ્છના તત્કાલીન ડીડીઓ હર્ષદ પટેલ અને માર્ગ અને મકાન વિભાગના તત્કાલીન કાર્યકારી ઈજનેર શૈલેષ જોશીને સત્તાવાર રીતે સરકારી ખર્ચે ચીન મોકલવામાં આવ્યા હતા. બેઝિકલી આ સ્મૃતિવન પ્રોજેક્ટ કચ્છમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં જે લોકોનું અવસાન થયું હતું તેની યાદમાં તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો સરકાર દ્વારા થઈ રહ્યો છે. જેમાં પાણી ભરવાના ચેકડેમ, મ્યુઝિયમ, સનસેટ પોઇન્ટ, ગેલેરી વગેરે જેવા સ્થળ ઉભા કરવામાં આવ્યા છે. લાંબા સમયથી બની રહેલા આ પ્રોજેક્ટની લાગત પણ હવે 400 કરોડ સુધી પહોંચી ગઈ છે. 

કામ અધૂરું અને નબળું હોવાની ચર્ચા :- સ્મૃતિવન પ્રોજેક્ટ સરકાર માટે કેટલો અગત્યનો છે એ વાત એના ઉપરથી સમજી શકાય છે કે, ત્રણ ત્રણ મુખ્યમંત્રી સહીત ચીફ સેક્રેટરી અનેક વખત ભુજ આવી ચુક્યા છે. પરંતુ કામ અધૂરું હોવાને કારણે લોકાર્પણનો કાર્યક્રમ પાછો ઠેલાતો રહ્યો છે. પરંતુ હવે જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે કોઈપણ ભોગે તેનું લોકાર્પણ કરવું જરૂરી હોવાને કારણે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હોવાનું ખુદ ભાજપના નેતાઓ ખાનગીમાં એકરાર કરી રહ્યા છે. અંદાજે 400 એકરમાં પથરાયેલા આ સ્મૃતિવનમાં નબળું કામ હોવાની વાત બહાર આવી રહી છે. કચ્છમાં આ વખતે આટલો સારો વરસાદ થયો હોવા છતાં ચેકડેમમાં પાણી ભરાયા નથી. ઠેર ઠેર સ્ટ્ર્કચર સહિતનું કામ ઉખડેલું જોવા મળી રહ્યું છે. આવી સ્થિતમાં જો મોટી સંખ્યમાં લોકો ડુંગર ઉપર આવી જશે તો દુર્ઘટના પણ સર્જાઈ શકે છે તેવું ટેક્નિકલ જાણકારો માની રહ્યા છે.

તો વરસાદને બહાને કાર્યક્રમ રદ્દ પણ થઈ શકે છે :- વડાપ્રધાન મોદી ગુણવત્તાવાળું સચોટ કામ કરવા માટે જાણીતા છે. નબળું, તકલાદી કે જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થાય તેવા કામ કે કાર્યક્રમથી દૂર રહે છે. વળી કાર્યક્રમમાં જે જંગી મેદની ભેગી કરવાની કવાયત થઈ રહી છે તેમાં જો સહેજપણ બાંધછોડ થાય તો તંત્ર માટે તે અઘરું સાબિત થશે. આ બધી નબળી સ્થિતિ વચ્ચે હવામાન ખાતાએ કચ્છ સહીત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદ પણ મોદી સાહેબની મુલાકાતમાં વિલન બની શકે છે. તેથી સંભવ છે કે, વરસાદને બહાને પણ કાર્યક્રમ કેન્સલ કરી દેવામાં આવે.  

PM પહેલા CM આવશે :- મોદી સાહેબની કચ્છની મુલાકાત એટલી બધી અગત્યની છે કે, તેમાં કોઈ પણ જાતની કચાશ રાખવામાં રાજ્ય સરકાર માનતી નથી. અને એટલે જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાતે 25મી તારીખે ભુજ આવીને તૈયારીની સમીક્ષા કરવાના છે. તેમના પહેલા ગુજરાત સરકારના પ્રોટોકોલ મંત્રી જગદીશ પંચાલ પણ કચ્છ આવીને તંત્રની તૈયારીની સમીક્ષા કરી ચુક્યા છે. મોદીની મુલાકાત માટે સરકારે પોલીસ સહીત વધારાના અધિકારીઓને પણ કચ્છના તંત્રની મદદ માટે ફાળવ્યા છે. કલેક્ટર ઓફિસ દ્વારા દર મહિને યોજાતા સ્વાગત કાર્યક્રમને પણ આ વખતે મોકૂફ રાખ્યો છે.