કચ્છ : ગાંધીધામની ઇફ્કો કોલોનીમાં ચાલતું જુગારધામ પકડાયું, દોઢ લાખના મુદ્દામાલ સાથે ઇફ્કોના 8 સહીત દસ જુગારી ઝડપાયા

કોલોનીની ગુરુકુળ હોસ્ટેલમાં બહારથી ખેલીઓ બોલાવીને ચાલતો હતો ખેલ

કચ્છ : ગાંધીધામની ઇફ્કો કોલોનીમાં ચાલતું જુગારધામ પકડાયું, દોઢ લાખના મુદ્દામાલ સાથે ઇફ્કોના 8 સહીત દસ જુગારી ઝડપાયા

WND Network.Gandhidham (Kutch) : ગાંધીધામની સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવતી ઇફ્કોની રહેણાક કોલોની ઉદ્દયનગરમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે રવિવારે રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, ગાંધીધામમાં આવેલી ઇફ્કોની રેસિડેન્શિયલ કોલોની ઉદયનગરમાં કેટલાક લોકો દ્વારા બહારથી લોકોને બોલાવીને જુગારનો અડ્ડો શરુ કરવામાં આવ્યો છે. એટલે પોલીસે ઇફ્કો કોલોનીમાં રેડ કરીને 76 હજાર રોકડ સહીત 1.61 લાખના મુદ્દામાલ સાથે ઇફ્કો કોલોનીમાં જ રહેતા આઠ કર્મચારીઓ સાથે બહારથી આવેલા બે સહીત દસ વ્યક્તિને દબોચી લીધા હતા. 

પોલીસે આપેલી સત્તાવાર માહિતી પ્રમાણે, ગાંધીધામ બી ડીવીજન પોલીસના સર્વેલન્સ સટાફને બાતમી મળી હતી કે, શહેરની ઇફ્કો ઉદયનગર કોલોનીમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. જેમાં ઇફ્કોના લોકો જ બહારથી લોકોને બોલાવીને જુગારની પ્રવૃત્તિ કરી રહ્યા છે. એટલે પોલીસે ઇફ્કો ઉદયનગર કોલોનીમાં રેડ કરીને અહીં આવેલી ગુરુકુળ હોસ્ટેલમાં દસ વ્યક્તિને પકડી પાડ્યા હતા. પકડાયેલા લોકોમાં ઇફ્કો ઉદયનગર કોલોનીમાં જ રહેતા અને નોકરી કરતા દીપ શૈલેષ ઠાકોર, દિપક દશરથજી ઠાકોર, ચેતન વીરેન્દ્ર ઝાલા, અશોક નારાયણભાઈ ચૈયા(આહીર), જીતેન્દ્ર નટવરભાઈ જાડેજા, સચિન્દ્ર માતબરસીંગ બુટોલા, સન્મુખરાજુ જીવરત્નમ બસવા, વિશાલ ઠાકરશી રામાણી તેમજ કાસેઝમાં આવેલી એટ પોલિમર્સ કંપનીના રોહિત કુલદીપ ગુપ્તા અને અજય ગંગાપ્રસાદ ગુપ્તા પાસેથી રોકડા 76 હજાર કબ્જે કર્યા હતા. મોબાઈલ તેમજ અન્ય વસ્તુઓ સહીત પોલીસે 1.61 લાખનો મુદામાલ રેડ દરમિયાન ઝડપી લીધો હતો. 

ઉલ્લેખનીય છે કે, ગાંધીધામમાં આવેલી ઇફ્કોની આ રહેણાંક કોલોની ઉદયનગરમાં લાંબા સમયથી અંગ્રેજી શરાબથી માંડીને જુગાર તેમજ અન્ય ગેરીરીતીઓ ચાલી રહેલી છે. પરંતુ સમગ્ર કોલોનીને વોલ કમ્પાઉન્ડ થકી સીલ કરીને ઇફ્કોએ પોતાની સિક્યોરિટી સેટ કરેલી હોવાથી આ બદીઓ બહાર આવતી નથી. પરંતુ આ વખતે પોલીસે જડબેસલાક કાર્યવાહી કરીને ઇફ્કો કોલનીની પોલ ખોલી દીધી છે. આ ઉપરાંત બહારથી આવતા મંત્રીઓથી માંડીને કચ્છના ધારાસભ્યો તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઇફ્કોના ગેસ્ટ હાઉસનો છુટથી ઉપયોગ કરે છે. તેથી સામાન્ય પોલીસ કર્મચારી અહીં હાથ નાખતા દસ  વખત વિચાર કરે છે.