Gujarat IAS-IPS Transfer : તો ભારતીય ચૂંટણી પંચને ગુજરાતના IPS અધિકારીઓની સાથે પાંચ IAS ઓફિસરને પણ બદલવા પડે...
ચૂંટણી ચાલુ પ્રક્રિયા વચ્ચે ઈલેક્શન કમિશનની સુચનાને પગલે ગુજરાત સરકારે પોરબંદર જિલ્લાના GAS કેડરના મહિલા અધિકારીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની જગ્યાએથી બદલ્યા
WND Network.Ahmedabad : લોકસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઈલેક્શન કમિશનને ગુજ્રરાતમાં IPS અધિકારીઓની બદલીની સાથે સાથે પાંચ જિલ્લામાં IAS અધિકારીની ટ્રાન્સફર - નિયુક્તિ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. નિયમ મુજબ આ જિલ્લામાં ચૂંટણી ખર્ચના નોડલ અધિકારી તરીકે ફરજ બજાવતા જિલ્લા વિકાશ અધિકારી DDO ની પોસ્ટ ખાલી છે અને વહીવટ ચાર્જ ઉપર હોવાને કારણે અહીં રેગ્યુલર પોસ્ટિંગ કરવી જરૂરી હોવાને કારણે ચૂંટણી પંચને ઓર્ડર કરવો પડશે તેવું જાણકારો માની રહ્યા છે. આ ઉપરાંત નિયમ પ્રમાણે લીવ રિઝર્વમાં રહેલા 14 IPSનું પોસ્ટિંગ કરવું પડશે. જો કે હવે ચૂંટણી પ્રક્રિયામાં નિયમો અને કાયદાઓનું પાલન કરવાની વાતો માત્ર કાગળ ઉપર જ રહેલી હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે સંભવ છે કે, ચૂંટણી પંચ આખી વાતને ઘોળીને પી જાય તો પણ નવાઈ નહીં.
દરમિયાન ચૂંટણી ચાલુ પ્રક્રિયા વચ્ચે ઈલેક્શન કમિશનની સુચનાને પગલે ગુજરાત સરકારે પોરબંદર જિલ્લાના GAS કેડરના મહિલા અધિકારીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની જગ્યાએથી બદલવામાં આવ્યા છે. મતલબ કે, ચૂંટણી પંચ ધારે તો કાર્યવાહી કરી શકે છે પરંતુ ગુજરાતના IPS અધિકારીઓની ટ્રાન્સફર - પોસ્ટિંગની વાત આવે છે ત્યારે રાજ્યની ભાજપની સરકારની જેમ લાચાર કેમ થઇ જાય છે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
દેશના અન્ય રાજ્યોમાં કડક દેખાતું ભારતીય ચૂંટણી પંચ ગુજરાતમાં ઢીલું પડી ગયું હોવાના વિપક્ષના આક્ષેપ વચ્ચે જે રીતે ગુજરાતમાં એક્શન મોડમાં દેખાય છે તેને લઈને તેની શાખ ઉપર સસવાલ થઇ રહ્યા છે. ચૂંટણીની તારીખો જાહેર થઇ અને આચાર સંહિતા લાગુ પડી ત્યારથી લઈને 12મી એપ્રિલે ચૂંટણી પ્રક્રિયા અંગેનું જાહેરનામું બહાર પડ્યું ત્યાં સુધી ઈલેક્શન ઓફ ઇન્ડિયા ગુજરાતમાં પોલીસ અને વહીવટી અધિકારીઓની નિયુક્તિ અંગે નિર્ણય લઇ શક્યું નથી. સૂત્રોનું માનીએ તો વિપક્ષ સહીત ADR જેવા ચૂંટણી પ્રક્રિયા ઉપર વોચ રાખીને બેઠલા કેટલાક NGO પંચની આ નીતિ સામે કોર્ટમાં જઈ શકે છે. એટલે સંભવ છે કે, ઇલેકશન કમિશનને છેવટે કોઈ નિર્ણય લેવો પડે.
ગુજરાતમાં એક તરફ જયાં આઇજીની રેન્કથી લઈને એસપી કક્ષાના 14 IPS ઓફિસર હાલમાં કોઈપણ રેગ્યુલર પોસ્ટિંગ વિના ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં સ્ટેટ કંટ્રોલને હવાલે છે. ત્યાં બીજી તરફ સુરત પોલીસ કમિશનરથી લઈને રેન્જ તેમજ જિલ્લામાં એસપીની મહત્વની કહી શકાય તેવી જગ્યાઓ ખાલી છે. એટલે સંભવ છે કે, ચૂંટણી પંચને આ અંગેનો કોઈ નિર્ણય ટૂંક સમયમાં લેવો પડે.
નવસારી કલેક્ટર સહીત ચાર જિલ્લામાં DDO બદલવા પડે : થોડા સમય પહેલા ગુજરાત સરકારે કરેલી બદલીઓમાં વલસાડ જિલ્લાના કલેક્ટર મહિલા IAS ક્ષિપ્રા અગ્રેને નવસારી જિલ્લામાં કલેક્ટર તરીકે બદલ્યા હતા. તેમના નેજા હેઠળ વિધાનસભાની ચૂંટણી થઇ ત્યારે વાસદ વિધાનસભા ક્ષેત્ર પણ તેમના તાબા હેઠળ આવતો હતો. હવે તેઓ નવસારીના કલેકટર છે અને નવસારી લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી એટલે કે રિટર્નિંગ ઓફિસર છે ત્યારે પણ વાસદ વિધાનસભા ક્ષેત્ર તેમની પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટયૂએનસીમાં છે. સરકાર કક્ષાએ આ અંગે ચૂંટણી પંચમાં વિગતો પણ મોકલી દેવામાં આવેલી છે. એટલે સંભવ છે કે તેમને બદલવા પડે.
ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ જિલ્લામાં DDO ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર હોય છે, છતાં ચાર જિલ્લામાં DDOની પોસ્ટિંગ બાકી છે. અને વહીવટ ચાર્જ ઉપર ચાલી રહ્યો છે. રાજ્યના અરવલ્લી જિલ્લામાં તો મહિનાઓથી જિલ્લા વિકાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી નથી. તેવી જ રીતે વલસાડ, ડાંગ અને છોટા ઉદેપુર જિલ્લામાં DDOની પોસ્ટ ખાલી છે. જેને કારણે 'નિર્ણાયક' - 'સંવેદનશીલ' વગેરે જેવા અવનવા શબ્દોની માયાજાળ રચીને ગુજરાતના લોકોને ટેસમાં રાખતી રાજ્યની સરકાર કેટલી નિર્ણાયક છે તે આ વખતે ચૂંટણી ટાણે ખબર પડી ગઈ છે. ચૂંટણી પંચની વારંવારની લેખિત સૂચનાઓ પછી પણ રેગ્યુલર પોસ્ટીંગથી માંડીને વર્ષોથી એક જ જગ્યાએ ચીપકેલાં બાબુઓની રાજ્ય સરકારે ધરાર બદલી ન કરી. અને હવે પંચની આડમાં સરકાર પહેલાથી ઇચ્છતી હતી તેવા પોસ્ટિંગ કરી રહી છે. ખાસ કરીને ચૂંટણી દરમિયાન જે સૌથી મહત્વનો મુદ્દો હોય છે તેવા 'કાયદો અને વ્યવસ્થા' સાથે સંકળાયેલા અધિકારીઓને ન બદલીને અત્યાર સુધીના ઇતિહાસમાં જે નથી થયું તે કર્યું છે.