Kutch : ભુજમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલની સભામાં કચ્છના દલિતોના અધિકારોની વાતો કરનારા યુવા નેતાને 'સત્તાવાર' રીતે કેસરિયા કરાવવાનો તખ્તો તૈયાર
ક્ષત્રિય સમાજના વિરોધ અને પાણી જેવી પાયાની સમસ્યા વચ્ચે કચ્છની અનુસૂચિત જાતિ માટેની અનામત લોકસભાની બેઠક પાંચ લાખની લીડથી અંકે કરવા માટે BJP દલિતોની પેટા જ્ઞાતિના 'સોશિયલ એન્જીનીયરીંગ' ને સહારે
WND Network.Bhuj (Kutch) : ચૂંટણી ટાણે વિરોધીને કાં તો દબાવીને અથવા તો લાલચ આપીને પોતાના પક્ષમાં વટલાવી દેવાની વૃત્તિ ધરાવતા ભાજપે કચ્છમાં પણ લોકસભા ચૂંટણી પહેલા એક દલિત યુવા નેતાને ભાજપમાં ભેળવવાનો તખ્તો તૈયાર કરી દીધો છે. આગામી 16મી એપ્રિલ મંગળવારે જયારે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્તભાઈ પાટીલ ભુજમાં આવશે ત્યારે તેમની સભા દરમિયાન આ ઓપરેશને અંજામ આપવામાં આવશે તેવી ચર્ચાઓથી કચ્છના દલિત સમાજમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે ભાજપમાં જે યુવા દલિત નેતાને સામેલ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેમની સામાજિક - રાજકીય કારકિર્દીના પાયામાં દલિતોના અધિકારની વાતો રહેલી છે અને તેઓ કટ્ટર ભાજપા વિરોધી અને કોંગ્રેસ તરફ ઝોક ધરાવતા કચ્છના દલિત સમુદાયના જાણીતા ચહેરા - નેતા છે.
જે યુવા દલિત નેતાને ભાજપમાં ભેળવવાની તૈયારીઓ ચાલી રહી છે તે કચ્છમાં લાંબા સમયથી દલિત સમુદાયના વિવિધ પ્રશ્નોને લઈને સક્રિય છે. રાજકીય પાર્ટીઓની સાથે સાથે આ દલિત નેતા સામાજિક રીતે પણ સારું કહી શકાય તેવું વર્ચસ્વ ધરાવે છે. દલિત સમુદાયના વંચિતોની જમીનના પ્રશ્ને તેમણે ભાજપની સરકારને અનેક વખત ઘૂંટણીએ નમાવેલી છે. લોકસભાની ચૂંટણી જાહેર થઇ તે સમયથી જ તેમના રાજકીય આગમનને લઈને દલિત સમુદાયમાં ખાસ્સી એવી ચર્ચાઓ થતી રહેલી છે. અલબત્ત તેમનો ઝુકાવ શરૂઆતથી કોંગ્રેસ તરફ રહેલો છે. પરંતુ કોંગ્રેસે જયારથી ગાંધીધામથી તેના યુવા કાર્યકર નીતીશ લાલનને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી ત્યારથી દલિતોના અધિકાર માટે ઝઝૂમતા આ યુવા નેતા ભાજપના તેમના સંપર્કોને તાઝા કરવાનું શરુ કરી દીધું હતું. અને હવે જયારે આગામી 16મી એપ્રિલે મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ભુજ આવી રહ્યાં છે ત્યારે આ દલિત યુવા નેતા વાદળીને બદલે કેસરિયો પટ્ટો ગળામાં પહેરી લે તેવી પ્રબળ સંભાવના છે.
કચ્છમાં દલિત સમુદાયની પેટા જ્ઞાતિઓનું સમીકરણ આવું છે : ગુજરાતની લોકસભા માટેની 26 બેઠક પૈકી જે બે સીટ અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક છે તેમાં અમદાવાદ પશ્ચિમ અને કચ્છ-મોરબી બેઠક ક્ષેત્રનો સમાવેશ થાય છે. કચ્છ બેઠકની વાત કરીએ તો અનુસૂચિત જાતિમાં આવતી પેટા જ્ઞાતિમાં મહેશ્વરી, ગુર્જર, મારવાડા વણકર, દલિત ચારણ અને ગરવા- SC બ્રાહ્મણ, વાલ્મિકી વગેરે જ્ઞાતિ સમુદાય આવે છે. આ ઉપરાંત અન્ય જ્ઞાતિઓ પણ તેમાં આવે છે.
ભાજપે કચ્છમાં સતત ત્રીજી વખત જેમને ટિકિટ આપી છે તે કચ્છના હાલના ચાલુ સાંસદ વિનોદ ચાવડા નખત્રણા તાલુકામાંથી અનુસૂચિત જાતિ સમુદાયની પેટા જ્ઞાતિ ગુર્જરમાંથી આવે છે. અને ભાજપ જે યુવા દલિત નેતાને પોતાના પક્ષમાં સામેલ કરવા જઈ રહ્યો છે તે નખત્રણા તાલુકામાંથી શીડ્યુલ્ડ કાસ્ટની મહેશ્વરી પેટા જ્ઞાતિમાંથી આવે છે. કોંગ્રેસે જેમને ટિકિટ આપી છે તે નિતેશભાઈ મહેશ્વરી જ્ઞાતિના ધર્મ ગુરુ કહેવાય તે લાલણ (માતંગ) સમાજના છે. એટલે હવે જોવા જઈએ તો દલિતોના અધિકારની વાતો કરતા મહેશ્વરી સમાજના નેતાને ભાજપ પોતાના પક્ષમાં લઈ લે તો સત્તા વિરોધી લહેર ઉપરાંત આંતરિક ખટપટનો માર સહન કરી રહેલા ભાજપને કચ્છની બેઠક ઉપર પાંચ લાખથી વધુની લીડ મેળવવામાં સરળતા પડે.
તો ગુજરાત કોંગ્રેસના એક યુવા તેજાબી નેતાનું પણ ખરાબ લાગે : રાજકારણમાં કયારે શું થાય અને કયારે વ્યક્તિ ફરી જાય તે નક્કી હોતું નથી. એટલે જો કચ્છના યુવા નેતા ભાજપમાં વટલાઈ જાય તો તેમના સંગઠનની સાથે સાથે ગુજરાત કોંગ્રેસના એક યુવા તેજાબી નેતાનું પણ ખરાબ લાગે તેમ છે. કારણ કે તેમનું અને કચ્છના દલિત નેતાનું કનેક્શન જગજાહેર છે.
નખત્રાણામાં કાલે દલિત સમુદાયના લોકોનો 'રેફરેન્ડમ' લેવાશે : વિદેશમાં જેમ કોમ્યુનિટી ડેવલોપમેન્ટના કોઈ મહત્વના નિર્ણય અંગે રેફરેન્ડમ લેવામાં આવતો હોય છે તેમ કચ્છના દલિત સમુદાયના લોકોની સાથે ચર્ચા કરીને તેમનો લોકમત લેવા માટે આવતીકાલે નખત્રણા તાલુકામાં એક મોટી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ યુવા નેતા તેમના સમુદાય સાથે ચર્ચા કરશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાના દલિત સંગઠન સાથે સંકળાયેલા આ યુવા નેતાની કચ્છ જિલ્લાના લોકો સાથેની આ મિટિંગ ભુજમા 16મીની પાટીલની સભામાં કેસરિયા કરતા પહેલાની એક કવાયત હોય તેવું માનવામાં આવી રહ્યું છે.