ત્રણ કરોડનો વોટર પ્રુફ ડોમ-પોણા બે કરોડના ગાંઠિયા-થેપલાંના પેકેટ, જાણો કેવું છે પીએમ મોદીની કચ્છ મુલાકાતનું ભવ્ય આયોજન...

જાણો રોન્ગ સાઈડમાં નીકળનારા વડાપ્રધાન મોદીના રોડ શોનું શું છે રહસ્ય...

ત્રણ કરોડનો વોટર પ્રુફ ડોમ-પોણા બે કરોડના ગાંઠિયા-થેપલાંના પેકેટ, જાણો કેવું છે પીએમ મોદીની કચ્છ મુલાકાતનું ભવ્ય આયોજન...

WND Network.Bhuj (Kutch) :- ગણતરીના કલાકો માટે આવતીકાલે રવિવારે કચ્છ-ભુજની મુલાકાતે આવનારા સવાયા કચ્છી એવા વડપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં લોકો રવિવારે ભુજ આવી રહ્યા છે ત્યારે પ્રધાન સેવક નરેન્દ્ર મોદીની આ મુલાકાત ઐતિહાસિક બની રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નાનામાં નાની વાતને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા પ્લાનિંગમાં કચ્છના તંત્રની સાથે ભાજપની સંગઠન શક્તિ પણ ભળી છે. જેને લઈને મોદી સાહેબનો કાર્યક્રમ કચ્છી માડું માટે અવિસ્મરણીય બની રહેશે. મોદીને સાંભળવા આવનારી લાખોની મેદની શાંતિથી સાહેબને સાંભળી શકે તે માટે વોટ-ફાયર પ્રુફ ત્રણ કરોડનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં કાર્યક્રમમાં આવનારા લોકો માટે પોણા બે કરોડના ખર્ચે ગાંઠિયા-થેપલાંના પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. 

કચ્છભરમાંથી આવનારા લાખો લોકોને લાવવા-લઇ માટે ગુજરાત એસટીની 2400 બસ તૈનાત કરવામાં આવી છે. અને તેમાં બેસીને આવતા લોકોને ગાંઠિયા,થેપલા,સુખડી,અથાણું અને 200 એમએલની પાણીની બોટલનું પેકેટ આપવામાં આવશે. કચ્છના પુરવઠા વિભાગ દ્વારા આ માટે આયોજન કરવામાં આવ્યું છે. ખુબ જ ટૂંકા સમયમાં પુરવઠા વિભાગ દ્વારા આ મેગા ઓપરેશનને પાર પાડવાની કામગીરી પણ અભિનંદનને પાત્ર છે. ફૂડ પેકેટ માટે અંજારની માધવ કેટરર્સને કામ સોંપવામાં આવ્યું છે. જે માત્ર 108 રૂપિયામાં બે એવા લાખ પેકેટ તૈયાર કરશે. એ પ્રમાણે જોવા જઈએ તો માત્ર 1.62 કરોડના ફૂડ પેકેટ વહેંચવામાં આવશે. આ સિવાય છએક હજાર જેટલા પોલીસને ભુજ તેમજ આસપાસના કેન્દ્રોમાં જમવાનું રહેવાનો જે ખર્ચ થશે એ અલગ છે. 

આવું હશે ત્રણ કરોડના ભાડે તૈયાર કરવામાં આવેલા છ વિશાળ ડોમનું સ્ટ્ર્કચર :- કચ્છ યુનિવર્સીટી પાસે તૈયાર કરવામાં આવેલા સભાસ્થળમાં અંત્યંત આધુનિક એવા છ વિશાલ ડોમનું સ્ટ્ર્કચર ઉભું કરવામાં આવ્યું છે. આ ડોમ ઉભો કરવાની જવાબદારી રણોત્સવમાં ટેન્ટ સીટી બનાવનારા લલ્લુજી એન્ડ સન્સની પેઢીને આપવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો, ડોમ માટે સરકારે ત્રણ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. જે વડાપ્રધાન વીવીઆઈપી વ્યક્તિના  કાર્યક્રમ માટે સાવ મામૂલી કહેવાય. લાખો લોકોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ અને પાર્કિંગ સ્થળ તેમજ સમગ્ર વિસ્તારમાં કાયદો તથા વ્યવસ્થા, ટ્રાફીક નિયમન જળવાઇ રહે તે માટે સુરક્ષા સબંધિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા માટે જરૂરી ફાયર ફાઇટરની ટીમ, નિષ્ણાંત તબીબો, એમ્બ્યુલન્સ વાહન સાથેની ટીમો દરેક સ્થળે તૈનાત રહેશે. સમગ્ર કાર્યક્રમ સ્થળે સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. લોકોની સુવિધા માટે પાણી તેમજ મોબાઇલ શૌચાલય સહિતની વ્યવસ્થા મુકવામાં આવશે. સભામંડપમાં મુખ્ય સ્ટેજ સિવાયના અન્ય આમંત્રિત પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનુભાવ તથા મીડિયાના પ્રોટોકોલ તથા જરૂરીયાત મુજબની બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. લોકોને બેસવા માટે કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે માઇક્રો લેવલની કામગીરી કરાઇ છે. જેમાં અલગ-અલગ બ્લોક વાઇઝ બેઠક વ્યવસ્થા તથા બેરીકેટ, સાઇન બોર્ડ લગાવવામાં આવશે તેમજ બ્લોકવાઇઝ મેડીકલ ટીમ કાર્યરત રહેશે. સભાસ્થળે માસ્ક, સેનેટાઇઝર, થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવશે. વડાપ્રધાનને સભામંડમમાં આવકારવા કચ્છના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. પાર્કિંગના સ્થળે પબ્લીક એડ્રેસ સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરાશે તેમજ દરેક પાર્કીંગ પ્લોટ દીઠ અધિકારીશ્રી તેમજ કર્મચારીશ્રીની પાર્કિંગ ઇન્ચાર્જ તરીકે (કલર કોડ) મુજબ નિમણુંક કરવામાં આવી છે. ઉપરાંત પાણીના વિતરણ માટે બસની સંખ્યા ધ્યાને લઇને જરૂરી કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે. પાર્કિંગ પ્લોટ ખાતે મેડીકલ ટીમ, એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

રોન્ગ સાઈડમાં રોડ શો કરવાનું આ છે રહસ્ય :-  સવાયા કચ્છી એવા પ્રધાન સેવક મોદી સાહેબ માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ હાઇવે ઉપર પ્રિન્સ હોટેલથી જી.કે. જનરલ હોસ્પિટલના ત્રણ કિલોમીટર લાંબા રોડ શો માટે આઠ ક્લસ્ટર ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સૌના પ્રિય પ્રધાન સેવક મોદી સાહેબને આવકારવામાં આવશે. પીએમ મોદીનો કાફલો ભુજ એરપોર્ટથી આવીને પ્રિન્સ રેસિડેન્સીવાળા ટર્નિંગ પાસેથી ત્યારે રોન્ગ સાઈડમાં ચાલ્યો જશે. કારણ કે, લોકોને ઉભા રહેવા માટે જમણી બાજુ કોરિડોર બનાવામાં આવ્યો છે. જો પ્રિન્સ રેસિડેન્સીવાળા ટર્નિંગ પાસેથી કાફલો એજ દિશામાં ચાલ્યો જાય તો તેમની તરફ કાર ચાલક તરફનો ભાગ આવી જાય. અને લોકો તેમાંના પ્યારા મોદી સાહેબ હાથ હલાવીને અભિવાદન કરે એ બરાબર દેખાય નહીં. માટે લોકોને ધ્યાનમાં રાખીને રોડ શો રોન્ગ સાઈડમાં ચાલશે.  

ભુજના પ્રથમ નાગરિક સ્વાગત વિધિમાંથી બાકાત ? :- સામાન્ય રીતે જયારે પણ કોઈ મહાનુભાવ આવતા હોય ત્યારે શહેરના પ્રથમ નાગરિક તરીકે મેયર અથવા નગરપતિ સ્વાગત કરવા જતા હોય છે. પરંતુ સૂત્રોનું માનીએ તો આ વખતે ભુજ નગર પાલિકાના નગરપતિ ઘનશ્યામ ઠક્કરને સ્વાગતની વિધિમાંથી બાકાત કરવામાં આવ્યા છે. 

ભુજીયાથી આવી રીતે જશે મોદીનો કાફલો :- વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને સિક્યોરિટી એકદમ ટાઇડ કરી દેવામાં આવી છે. લાખોની સંખ્યામાં લોકો સભા સ્થળે જતા હોવાને પગલે ભુજીયા સ્મૃતિવનથી કચ્છ યુનિવર્સીટી સુધી મોદી સાહેબના કાફલાને લઇ જવા માટે તંત્રએ આર્મી અને બીએસએફનો સહારો લીધો છે. જેવા પીએમ મોદી સ્મૃતિવનમાંથી બહાર નીકળશે એટલે તેમનો કાફલો ભુજના આર્મી સ્ટેશનમાં ચાલ્યો જશે. અને ત્યાંથી હરીપર રોડ આવેલા ગેટથી બહાર નીકળશે. આર્મી કેન્ટમાંથી નીકળીને કાફલો સામે આવેલા બીએસએફ બટાલિયનના કેમ્પસમાં ઘુસી જશે. અને ત્યાંથી સીધો સભા સ્થળે પહોંચી જશે. આમ પીએમ મોદીને એસપીજીથી માંડીને લોકલ પોલીસ તેમજ આર્મી-બીએસએફનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.