ભારે વરસાદથી ગુજરાતના અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ, આગામી પાંચ દિવસ હજુ જોખમ, સાત જિલ્લામાં રેડ એલર્ટ

સમૃદ્ધ ગણાતા પશ્ચિમ અમદાવાદમાં ભારે વરસાદથી કરોડો રૂપિયાની સંપત્તિનું નુકશાન, રસ્તાઓ ડૂબયા અને ગટરો બહાર આવી

ભારે વરસાદથી ગુજરાતના અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ, આગામી પાંચ દિવસ હજુ જોખમ, સાત જિલ્લામાં રેડ એલર્ટ

WND Network.Ahmedabad : અનરાધાર વરસી રહેલા મેઘને કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતમાં મેઘાએ રીતસરનો કહેર વરસાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં તો જાણે આભ ફાટ્યું હોય તેમ માત્ર આઠ કલાકમાં 18 ઇંચ જેટલું પાણી પડ્યું હતું. ઉમરપાડામાં 14, કપરાડામાં 9 ઇંચ જેટલો વરસાદ આવતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અવિરત વરસાદને કારણે રાજ્યના 13 જળાશયો તો હાઈ એલર્ટની સપાટીને પર કરી ગયા છે. તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદને પગલે અનેક લોકો હેરાન થયા હતા અને કરોડો રૂપિયાની સંપત્તિનું નુકશાન હતું. ખાસ કરીને, આ વખતે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાનું જોર વધુ જોવા મળ્યું હતું. પાલડીમાં તો 24 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તેવી જ રીતે ઉસ્માનપુરામાં 15 ઇંચ, બોડકદેવમાં 13 અને જોધપુર વિસ્તારમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો.  

કચ્છમાં સોમવારે મોડી રાતથી ફરી એક વખત વરસાદે વરસવાનું શરુ કરી દીધું હતું. અત્યાર સુધી કોરા રહેલા પૂર્વ કચ્છમાં પણ વરસાદે એન્ટ્રી પડી હતી. સવારના 6 થી 8 ની વચ્ચે પડેલા વરસાદને પગલે  ગાંધીધામમાં 5 ઇંચ જેટલો ભારે વરસાદ  નોંધાયો હતો. જયારે મુન્દ્રામાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. ગાંધીધામ-મુન્દ્રા રોડ ઉપર લુણી ગામની પાસે રોડ ઉપર તો વરસાદી પાણી ફરી વળ્યાં હતા. મુન્દ્રા, અંજાર તાલુકામાં પણ વરસાદનું જોર જોવા મળ્યું હતું. ભારે વરસાદને પગલે માર્ગ બંધ થતાં અનેક વાહનો અટવાયા હતા.  અંજારમાં ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મુન્દ્રા તેમજ આસપાસના એરિયામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. એટલે જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે સમાઘોઘાની જીવાદોરી સમાન પૈયું વારો ડેમ ઓવરફ્લો થયો હતો. જેને પગલે સમાઘોઘા ગામના ખેડૂતો-ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

બીજી તરફ પશ્ચિમ કચ્છમાં પણ નોન સ્ટોપ વરસાદથી નખત્રાણા,અબડાસા,માંડવી અને લખપત તાલુકાના ગામડાઓ પાણીથી લથબથ થઈ ગયા હતા. અબડાસા,નખત્રાણા,માંડવી તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરુ થયો હતો. ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપુર આવ્યા હતા. જેને પગલે  માંડવી-ગઢશીશા વચ્ચે માર્ગ અવરોધાયો હતો. ગઢશીશા- શેરડી વચ્ચે નદીમાં પાણીની વધુ આવક થવાને કારણે માર્ગ બંધ થયો હતો.  નખત્રાણામાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડવાને કારણે મુખ્ય બજાર વિસ્તારમાં નદીઓ વહી નીકળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લખપત તાલુકા ઉપરાંત માંડવી,રાપર,અબડાસામાં પણ નવેસરથી ત્રણ ઇંચ પાણી પડ્યું હતું. સતત વરસી રહેલા વરસાદને પગલે નખત્રાણા-લખપત ધોરીમાર્ગ ઉપર તો પાણી ફરી વળ્યાં હતા. જેને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે પુલ વિનાના 88 ગામનો સંપર્ક તૂટી ગયો હોવાની માહિતી બહાર આવી છે. 28 ગામ તો એવા છે જ્યા વરસાદ પડતા જ તેમનો કોન્ટેક્ટ તૂટી જાય છે.