કચ્છ : હનીટ્રેપ કેસમાં ભચાઉના વકીલ કાંઠેચાના આગોતરા જામીન ફગાવાયા, ટ્રેપ વખતે હોટેલમાં હાજર હોવાના પુરાવા મળ્યા...
વકીલ કાંઠેચા સામે અગાઉ મારામારીની ઘટના સહિતના બે ગુન્હાની હકીકત પણ બહાર આવી
WND Network.Bhuj (Kutch) :- ભુજના ચકચારી હનીટ્રેપ કેસમાં આરોપી એવા ભચાઉના વકીલ હરેશ કાંઠેચાની આગોતરા જામીન અરજી આજે સોમવારે ભુજ કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી. આગોતરા જામીન અરજીની સુનાવણી વખતે ફરિયાદી તેમજ સરકાર પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, જયારે ભુજની હોટેલમાં ફરિયાદી તન્નાને ટ્રેપ કરવામાં આવ્યા હતા ત્યારે વકીલ હરેશ કાંઠેચાની હોટેલમાં હાજરી હોવાના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત વકીલ તેમજ ટ્રેપ કરનારી યુવતી આશા સાથે તેઓ સતત કોંટેક્ટમાં હતા. પોલીસની તપાસ દરમિયાન વકીલ અને યુવતી વચ્ચે 72 વખત ફોન ઉપર વાતચીત થઈ હોવાનું પણ બહાર આવ્યું છે. જેને પગલે ભુજની એડિશનલ ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા વકીલ હરેશ કાંઠેચાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
ફરિયાદી તન્નાના એડવોકેટ આર.એસ.ગઢવીના જણાવ્યા મુજબ, હનીટ્રેપ કેસના આરોપી એવા વકીલ હરેશ કાંઠેચા દ્વારા આગોતરા જામીન માટે ભુજની કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન પોલીસ તપાસની કેટલીક હકીકતો બહાર આવી હતી. જેમાં ખાસ કરીને જયારે, યુવતી આશા દ્વારા ફરિયાદીને હોટેલમાં ટ્રેપ કરવામાં આવ્યા ત્યારે વકીલ કાંઠેચા હોટેલમાં હોવાના પુરાવા મળ્યા છે. એટલું જ નહીં પરંતુ યુવતી અને વકીલ કાંઠેચા સતત એકબીજાના સંપર્કમા હતા. તેઓના 72 કોલ રેકોર્ડ મળી આવ્યા છે. આ ઉપરાંત તેઓ વકીલ હોવાને પગલે અન્ય સામાન્ય લોકો કરતા કાયદાનું વધુ જ્ઞાન ધરાવતા હોવા છતાં તેઓ કલીપ લઈને લાલા પાસે કેમ ગયા તેમજ ગાંધીધામના કયા વ્યક્તિએ ફરિયાદી તન્નાને કોલ કર્યો તે જાણવું જરૂરી હોવાને કારણે તેમની પૂછપરછ કરવી જરૂરી છે. અને એટલે આવા સંજોગોમાં તેમને જામીન ન આપી શકાય. બંને પક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને એડિશનલ ડીસ્ટ્રીકટ જજ ધર્મેન્દ્રસિંહ રાણાએ વકીલ હરેશ કાંઠેચાની જામીન અરજી ફગાવી દીધી હતી.
Web News Duniya