ભુજમાં દારૂની રેડ વખતે LCB અને બુટલેગર સામ સામે આવી ગયા, જાણો પછી શું થયું...

પોલીસની કાર્યવાહીથી ભૂરાંટે ભરાયેલા બુટલેગર હોસ્પિટલમાં દાખલ થઈ ગયો

ભુજમાં દારૂની રેડ વખતે LCB અને બુટલેગર સામ સામે આવી ગયા, જાણો પછી શું થયું...

WND Network.Bhuj (Kutch) : ભુજમાં શુક્રવારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ(LCB - એલસીબી)ની એક ટીમ દારૂની રેડ કરવા ગઈ હતી. ત્યારે એક લિસ્ટેડ બુટલેગરે લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ઉપર ઉગ્ર થઈ ગયો હતો. પરંતુ પોલીસની ટીમ પરિસ્થિતિ પામીને પાછી ફરી ગઈ હતી. પરંતુ 'ઉલ્ટા ચોર કોટવાલ ને ડાંટે' કહેવતની જેમ બુટલેગર શનિવારે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. ચૂંટણી જાહેર થયા બાદ ઇલેક્શન કમિશનની ગાઇડ લાઈન પ્રમાણે જિલ્લામાં પ્રોહીબિશન અંગેની કાર્યવાહી કરવાની હોય છે. અને તે મુજબ પોલીસે આ કાર્યવાહી કરી હતી.

શુક્રવારે ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભીડ વિસ્તારમાં દારૂ વેચતા લોકોની બાતમી મળતા ત્યાં રેડ કરવા ગઈ હતી. અમીના કોળી નામની મહિલા બુટલેગર પાસેથી દેશી દારૂ ઝડપ્યા બાદ તેના ઘરથી થોડે દૂર મોહન ભરવાડ નામનો એક લિસ્ટેડ બુટલેગર પણ રહેતો હોવાથી એલસીબીની ટીમ તેના ઘરે પણ ગઈ હતી. તે સમયે મોહન ભરવાડ હાજર ન હતો. પોલીસે ચેકીંગ કર્યું પરંતુ ત્યાંથી દારૂ ન મળતા પાછા જઇ રહ્યા હતા ત્યારે જ બુટલેગર મોહન ઘરે આવે છે. પોલીસને જોઇને તે ઉશ્કેરાઈ જાય છે અને ગાળો બોલવાનુ શરૂ કરી દે છે. પરંતુ પોલીસ મામલો બગડી ન જાય તે માટે ત્યાંથી શાંતિથી રવાના થઈ જાય છે. પોલીસે મોહન ભરવાડને ત્યાં કરેલી કામગીરીને પોલીસ ચોપડે નીલ રેડની નોંધ પણ કરે છે.

મામલો આમ તો અહી પતી જાય છે. પરંતુ બુટલેગર મોહનને પોલીસ તેના ઘરે આવી તે બહુ લાગી આવે છે. એટલે તે પોલીસે તેને માર્યો એવું સાબિત કરવા માટે હોસ્પિટલમાં ચાલ્યો જાય છે. 

આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસના એસપી સૌરભસિંગનો સંપર્ક કરતાં તેઓ મળી શક્યા ન હતા. પરંતુ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર સંદીપસિંહ ચુડાસમાએ ઘટનાને સમર્થન આપ્યું હતું. 

ASI જયદીપસિંહ ઝાલાને કારણે મામલો બિચકયો ?  બુટલેગર અને પોલીસનો આ ડખો આમ જોવા જઈએ તો રૂટિન ક્રાઈમની એક ઘટના માત્ર હતી. પરંતુ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) જયદીપસિંહ ઝાલાને કારણે સમગ્ર ડખો થયો હોવાનું સૂત્રોએ દાવો કર્યો હતો. ખનીજ ચોરી, ખાસ કરીને ભુજ તાલુકાના કુનરીયા ખનીજ ચોરી પ્રકરણ સહિતની ઘટનાઓમાં આ કર્મચારીની મીલીભગત હોય તેવો દાવો ખુદ પોલીસના સૂત્રો કરી રહ્યા છે. ત્યારે બુટલેગર અને પોલીસની માથાકૂટમાં પણ પોલીસ કર્મચારી જયદીપસિંહ ઝાલાને કારણે જ મામલો બીચકયો હોવાનુ સૂત્રોએ ઉમેર્યું હતું.