Breaking : ભુજ 'એ' ડીવીજન પોલીસના કબજામાં રહેલા બળાત્કારના આરોપીનું ભુજની ખાનગી હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મોત
રેડ પોઇઝન પી લેવાની હકીકત બાદ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
WND Network.Bhuj (Kutch) : ત્રણ દિવસ પહેલા ઝડપાયેલા બળાત્કારના એક આરોપીનું મંગળાવે ભુજની એક ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જેને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. 13 વર્ષની કિશોરીને લઈને ભાગી ગયેલા રેપના આરોપીએ રેડ પોઇઝન પી લીધું હોવાને પગલે તેની તબિયત લથડી હતી. જેને લીધે તેને પહેલા જી.કે.જનરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન મંગળવારે તેને હાર્ટ એટેક આવવાને પગલે મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ અંગે પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ એસપી મહેન્દ્ર બગડિયાનો સંપર્ક કરવામાં આવતા તેઓ નિરુત્તર રહ્યા હતા. જયારે ભુજ 'એ' ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જય ધોળુંએ આરોપીનું મોત થયું હોવાનું જણાવીને તેનું અવસાન કેવા સંજોગોમાં થયું હતું તે અંગે માહિતી આપી હતી.
પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ, 17મી માર્ચના રોજ ભુજના મીરઝાપર ખાતે રહેતો સુખદેવસિંહ પઢેરિયા નામનો યુવક એક 13 વર્ષની કિશોરીને ભગાડી ગયો હતો. ફરિયાદને પગલે પોલીસે તેને 18મીની રાતે ટ્રેસ કરીને ગાંધીધામ રેલવે સ્ટેશનથી ઝડપી લીધો હતો. અને કિશોરીને તેને માં-બાપને સોંપી દેવામાં આવી હતી. દરમિયાન આરોપી સુખદેવસિંહ પઢેરિયા પોલીસ કસ્ટડી દરમિયાન રેડ પોઇઝન પી લીધું હોવાનું જણાવતા તેને 19મીની રાતે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. અને ત્યાંથી તેને ભુજની ખાનગી એકોર્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેને હાર્ટ એટેક આવવાને પગલે મોત થયું હોવાનું તબીબોએ પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું હતું.
બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથનો બીજો બનાવ :- પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં છેલ્લા બે વર્ષમાં બનેલો કસ્ટોડિયલ ડેથનો આ બીજો બનાવ છે. અલબત્ત ભુજના આ કેસમાં પ્રાથમિક તબક્કે પોલીસનો કોઈ રોલ હોય તેવું દેખાતું નથી. બે વર્ષ અગાઉ 19મી જાન્યુઆરી,2021ના રોજ ત્રણ યુવાનને પોલીસ પકડી લાવી હતી. જેમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલ અને એક પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા સામે આવી હતી.