Kutch Rain : વરસાદમાં તમારી સોસાયટી, ઘર કે ઓફિસે પાણી ભરાઈ જાય તો તંત્રમાં ફરિયાદ ન કરતા, કારણ જાણવા માટે આ ન્યૂઝ વાંચો
ભુજ, ગાંધીધામ જેવા શહેરી વિસ્તારો સહીત કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાથી લોકો પરેશાન, તંત્ર લાચાર
( સામાન્ય વરસાદમાં જ ભુજમાં આવેલી કચ્છ કલેક્ટર કચેરીએ મુખ્ય ગેટ પાસે પાણી ભરાઈ હતા )
WND Network.Bhuj (Kutch) : પ્રિ મોનસુન કામગીરીને નામે લાખો-કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં દર વર્ષની જેમ આ વખતે પણ કચ્છમાં જિલ્લા મથક ભુજ, ગાંધીધામ જેવા શહેરી વિસ્તારો સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. ભુજમાં તો સાવ સામાન્ય વરસાદમાં અન્ય વિસ્તારો તો ઠીક ખુદ કલેક્ટર જયાંથી આખા જિલ્લાનો વહીવટ ચલાવે છે તે જિલ્લા સેવા સદન (Kutch Collectorate)માં જવાના મુખ્ય ગેટ ઉપર જ પાણી ભરાઈ ગયા હતા. હવે તમે વિચારો કે, જો કલેકટર તેમની કચેરીએ વરસાદી પાણી ભરાઈ જાય તો પણ કાંઈ ન કરી શકતા હોય તો મારા તમારા જેવા સામાન્ય લોકો ક્યાં ફરિયાદ કરવા જાય ?
છેલ્લા બે દિવસથી કચ્છમાં દસેય તાલુકામાં સામાન્યથી મંદીને ભારે વરસાદને કારણે વીજળી વેરણ થવાથી માંડીને પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. ગાંધીધામમાં તો ચાર ઇંચ વરસાદમાં જ રોડ તૂટી જવાથી લઈને અનેક સમસ્યા લોકોને સતાવી રહી છે. ભુજમાં ગુરુવારે બપોરે પડેલા વરસાદમાં શહેરના મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. લોકો નગર પાલિકા અને ફાય બ્રિગેડને મદદ માટે આજીજી કરી રહ્યા હતા. તેવામાં ભુજની કલેક્ટર ઓફિસે જ પાણી ભરાયેલું જોઈને શહેરીજનોને થોડી રાહત સાથે આશ્વાસન મળ્યું કે, જો જિલ્લાના ધણી ખુદ કલેક્ટર તેમની ઓફિસે જવાના ગેટ ઉપર ભરાયેલા પાણીની સમસ્યાનું સમાધાન ન કરી શકતા હોય તો આપણો નંબર કયારે લાગવાનો છે.
ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા, જિલ્લા, રાજ્ય અને દિલ્હીમાં પણ પ્રખર રાષ્ટ્રવાદી પક્ષ ભાજપની સરકાર વર્ષોથી છે. પાણી ભરાઈ જવું, વીજળી ન હોવી, પીવાનું પાણી ન મળવું, રોડ તૂટી જવા, સરકારી કામો ન થવા જેવા સામાન્ય પ્રશ્નોને નજર અંદાજ કરીને લોકો ભગવાન રામના એક જ પાર્ટીને સત્તાનું સુકાન સોંપતા આવ્યા છે. ગાંધીધામ અને ભુજમાં તો બે દાયકાથી નગર પાલિકામાં ભાજનું શાસન છે.
મધરાતે લોકોએ ભુજના ધારાસભ્યને જગાડ્યા, PGVCLના MD ભુજમાં રહે છતાં રાતભર અંધારું : વીજળી અને ઉર્જાને નામે દેશ અને દુનિયામાં ડંફાસ મારતા ભાજપ વર્ષોથી સત્તામાં છે. છતાં આજની તારીખે પણ સામાન્ય વરસાદમાં વીજળી જતી રહે છે અને કલાકો સુધી લોકો અંધારામાં રહેવા માટે મજબુર થઇ જાય છે. ગાંધીધામ સહિત ભુજમાં હજારો લોકો બુધવારની રાતથી લાઈટ વગર પ્રાચીન યુગમાં જીવતા હોય તેવું અનુભવી રહયા છે. ભુજમાં તો વીજળીના ત્રાસથી કંટાળેલા લોકોએ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલને મધરાતે બનિયાન ઉપર તેમના ઘરમાંથી બહાર કાઢીને રજૂઆત કરી હતી.
કચ્છ સહીત સમગ્ર પશ્ચિમ ગુજરાતમાં વીજળીનો પુરવઠો સપ્લાય કરવાની જેમની જવાબદારી છે તે ગુજરાત સરકારની કંપનીના સર્વોચ્ચ અધિકારી PGVCL મેનેજીંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા પણ તેમના પરિવાર સાથે ભુજમાં જ રહે છે. છતાં ભુજના લોકો વીજળી માટે વલખા મારી રહ્યા છે. કચ્છ કલેક્ટર અમિત અરોરા (IAS Amit Arora) PGVCLના MD પ્રીતિ શર્માના પતિ છે. જો કચ્છ કલેક્ટર IAS અમિત અરોરા તેમની ઓફિસે ભરાયેલા પાણીની સમસ્યા અંગે લાચાર હોય તો લાઈટનું તો આપણે વિચારવાનું જ નહીં ને ?