આ દેશ સાચે જ ગટર થઈ ગયો છે, છેલ્લા 20 દિવસમાં ગટર સાફ કરતા આઠમું મોત, આ વખતે ભુજમાં બની ઘટના...
ભૂજ નગરપાલિકાની બેદરકારીએ દલિત યુવાન નો ભોગ, પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઇન્કાર કરતા સ્થિતિ સ્ફોટક બની
WND Network.Bhuj (Kutch) : વાયબ્રન્ટ ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસમાં સાત સફાઈ કામદારો એ જીવ ગુમાવ્યા છે ત્યારે આવી જ એક ઘટના કચ્છ જિલ્લામાં બની છે. જિલ્લા મથક ભુજ ખાતે શનિવારે ગટર સાફ કરવા માટે ઉતરેલા વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. છેલ્લા વીસ દિવસ આ રીતે આઠ ગરીબ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર ઘટના અંગે કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મરનારના પરિવારજનોએ જયાં સુધી જવાબદાર અધિકારીઓ સામે હત્યાનો ગુન્હો ન નોંધાય ત્યાં સુધી લાશ લેવાનો ઇન્કાર કરી દીધો છે. કોન્ટ્રાકટર અને એન્જિનિયર પર ફરિયાદ દાખલ કરવાની માંગણી સાથે મોટી સંખ્યામાં દલિત સમુદાયના લોકો ભુજની જીકે જનરલ હોસ્પિટલ માં પહોચ્યા છે. કોંગ્રેશ અને દલિત અધિકાર મંચ દ્વારા પણ આ અંગે જવાબદાર અધિકારો સામે કડક માંગ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપશાસિત ભુજ નગરપાલિકાના પાપે આજે વધુ એક દલિત યુવાન મોતના મુખમાં હોમાયો છે. ભુજ તાલુકાના રુદ્રાણી પાસે રહેતા સુમાર દેવા મારવાડા (ઉ.વ. ૩૯)ને ભુજ શહેરના શિવમ પાર્ક પાસે ગટરના કામ કરવા માટે અંદર ઉતારવામાં આવ્યા હતા. દરમિયાન અંદર સફાઈ કરતી વેળાએ જ તેમનો શ્વાસ રૂંધાઇ જવાને કારણે તેમનું મોત થયું હતું.
ઘટનાને પગલે તેમના પરિવાર તેમજ દલિત સમુદાયમાં આ અંગે નગર પાલિકાના જવાબદારો સામે રોષ ફાટી નીકળ્યો હતો. અને તેમણે જયાં સુધી ઠેકેદાર તેમજ ભુજ નગર પાલિકાના અધિકારી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડી દીધી હતી. દલિતો અને વંચિતો માટે કામ કરતા દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી તેમજ તેમના કાર્યકરોને પણ જયારે આ ઘટનાની ખબર પડી તો તેઓ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બીજી બાજુ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ સમગ્ર ઘટનાને વખોડીને ચીફ ઓફિસર સહિતના લોકો સામે કાર્યવાહીની માંગણી કરી હતી.
આ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ ઘટનાને વખોડી હતી અને અવારનવાર આવા બનાવો બનવા છતાં નગરપાલિકા કોઈ સાવચેતીના પગલા લેતી નથી અને આ અગાઉ અનેક આવા કરૂણ બનાવો બની ચૂક્યા છે ત્યારે ખરેખર નગરપાલિકા ના પ્રમુખે પોતાની નૈતિક જવાબદારી સમજી અને રાજીનામું આપી દેવું જોઈએ અને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ભુજ નગરપાલિકા ઉપર હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ તેવી માંગણી કરી હતી. અને કોંગ્રેસ પક્ષ મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને તેઓને પૂરતું વળતર મળે તેવી પણ કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવે છે. આ ઘટના સ્થળે કોંગ્રેસના આગેવાનો કિશોરદાન ગઢવી પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ, ગનીભાઇ કુંભાર પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ, રફિકભાઈ મારા પ્રદેશ ડેલિગેટ, વિપક્ષી નેતા ભુજ નગરપાલિકા હાસમભાઈ સમા, મંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ ધીરજ રૂપાણી કાર્યાલય મંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ, આદમભાઈ કુંભાર ઉપપ્રમુખ ભુજ તાલુકો કોંગ્રેસ વગેરે ઘસી ગયા હતા અને પીડિત પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી હતી એવું જિલ્લા પ્રવક્તા દીપક ડાંગર દ્વારા જણાવાયું હતું.
રાજકીય વિશ્લેષક એવા પ્રો.હેમંત શાહ દ્વારા થોડા દિવસ પહેલા જ અંગે એક લેખમાં ગટરમાં મૃત્યુ પામતા ગરીબ અને વંચિત લોકોના મોત અંગે ચિંતન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે નીચે જણાવ્યા પ્રમાણેની ચિંતા વ્યક્ત કરી હતી.
"દેશનો આ અમૃત કાળ ચાલે છે એ યાદ રાખો, કારણ કે એમ નરેન્દ્ર મોદીની સરકારે જાહેર કરેલું છે.
ગઈ કાલે ભરુચ પાસેના દહેજ ખાતે ગટર સાફ કરતા ત્રણ સફાઈ કામદારોનાં ગટરમાં જ ગૂંગળાઈ જવાથી મોત થયાં. રાજકોટ અને વલસાડમાં પણ આવી બે ઘટનાઓ છેલ્લા ૧૫ દિવસમાં જ બની છે, કે જે બંને ઘટનામાં ચાર કામદારોનાં મોત થયાં હતાં.
મહાન ટેક્નોલોજી યુગમાં અને દેશના અમૃત કાળમાં આપણે જીવી રહ્યા છીએ અને છતાં આવાં મોત અટકે તે માટે ભાગ્યે જ કશું થાય છે. એનું એક કારણ એ છે કે આવું મોત પામનારા ગરીબ અને કહેવાતા નિમ્ન સામાજિક વર્ગના હોય છે.
તા. ૧૪-૦૭-૨૦૨૨ના રોજ મોદી સરકારે એમ જાહેર કર્યું હતું કે તા. ૧૬-૦૮-૨૦૨૨થી આ રીતે સફાઈ કામદારોનાં મોત ગટરમાં ગૂંગળાઈને ના થાય તે માટે એક 'નમસ્તે' યોજના અમલમાં મૂકવામાં આવશે. અને છતાં વાયબ્રન્ટ ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસમાં સાત સફાઈ કામદારોને તેમની જિંદગીનું આખરી "નમસ્તે" કહી દેવામાં આવ્યું! વિકાસની લાયમાં આ સફાઈ કામદારોની જિંદગી બચાવવાનું કામ પ્રાથમિકતામાં આવતું નથી.
છેલ્લા ૧૫ દિવસમાં જે સાત કામદારો ગટરમાં જ મોત પામ્યા તેમાં, તેમના નામ પરથી કહી શકાય તો, છ તો હિન્દુ છે. કોઈ હિંદુ હિત રક્ષક સંગઠન આમને માટે અવાજ ઉઠાવશે? કે પછી ભગવો ઝંડો તલવારો સાથે લઈને સરઘસો જ કાઢશે?
શરમ આવે છે આવા વિકાસ પર અને આવી ગરવી ગુજરાત પર કે જેમાં ગટરની સફાઈ માટે મશિન ટેકનોલોજી બજારમાં પ્રાપ્ય હોવા છતાં ૨.૫ લાખ કરોડ રૂપિયાના બજેટમાં આ સફાઈ કામદારોની જિંદગી બચાવવા માટે પૈસા નથી!
સફાઈ કામદારોને શા માટે ગટરમાં ઊતરવું પડે? મશિન દ્વારા ગટરની સફાઈ કરી શકાતી હોય તો શા માટે મશિન વાપરવામાં આવતાં નથી? સ્પષ્ટ છે કે આ વિકાસમાં ગરીબોની જિંદગી સસ્તી છે માટે એમણે વિકાસ માટે ભોગ તો આપવો જ પડે! કે પછી ગટરમાંથી ગેસ પેદા થાય અને ગટરમાં પાઇપ નાખીને ગેસ લઈને તેના પર ચા બનાવાય માટે સફાઈ કામદારોની જિંદગીનો ભોગ લેવામાં આવે છે?
જો આ રીતે ગટરમાં ગૂંગળાઈ જવાથી કામદારો મોતને ભેટતા હોય તો આખો દેશ ગટર જેવો થઈ ગયો છે એમ ના કહેવાય? ભગવી ગેંગ હવે એમ કહેશે કે આવાં મોત કોંગ્રેસના રાજમાં ક્યાં નહોતાં થતાં? હા, વાત સાચી, થતાં જ હતાં. પણ ગુજરાતમાં આશરે ૨૭ વર્ષથી ભાજપ છે, તો એણે આ સફાઈ કામદારો માટે શું ઉકાળ્યું તે સવાલ પૂછી શકાય કે નહિ? કે સવાલ પૂછનાર દેશદ્રોહી કહેવાય?
આને સફાઈ કામદારોનું મોત ના કહેવાય, સમજો જરા. આને તો ભારતવર્ષના અમૃત કાળમાં ચાલતા વિકાસ યજ્ઞમાં કર્મયોગીએ આપેલી આહુતિ કહેવાય.
અને હા, આમ તો, આખા દેશમાં વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ મારીને નાગરિકોને ગૂંગળાવી નાખવાનો જ પ્રોજેક્ટ ભગવી ગેંગ દ્વારા ક્યાં નથી ચાલી રહ્યો?