Kutch : પંદર પાકિસ્તાનીને બે બોટ સાથે BSFની ટીમ દ્વારા કચ્છનાં કોરી ક્રીક બોર્ડર એરિયામાંથી દબોચી લેવાયા
પ્રાથમિક તપાસમાં સરહદ પારથી માછીમારી કરવા આવ્યા હોવાની વાત બહાર આવી, ભુજના સંયુક્ત પૂછપરછ કેન્દ્ર (JIC) ખાતે લઈ ગયા બાદ સાચી હકીકત બહાર આવશે

WND Network.Bhuj (Kutch) : લાંબા સમય બાદ કચ્છ (Kucth)ની દરિયાઈ સીમા ઉપર સીમા સુરક્ષા દળ (Border Security Force - BSF ) દ્વારા એક્શન પેક કાર્યવાહીમાં પંદર પાકિસ્તાનીને ભારતીય જળ સીમામાંથી ઝડપી લેવામાં આવ્યા છે. શનિવારે બપોરે કચ્છના ક્રીક વિસ્તારમાં આવેલી કોરી ક્રીકમાંથી આ ઘૂસણખોરને બે બોટ સહીત ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલ મુજબ, ભારતીય જળ વિસ્તારમાંથી પકડાયેલા આ પાકિસ્તાનીઓ માછીમાર હોવાનું બહાર આવ્યું છે. BSF દ્વારા એક બોટને પણ કબ્જે કરવામાં આવી છે. તેમની પાસેથી કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ હાલ મળી નથી. સૂત્રોનું માનીએ તો સીમા સુરક્ષા દળ દ્વારા ક્રિકમાં આવેલા બોર્ડર પિલર નંબર ૧૧૭૫ અને ૧૧૭૬ વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગાંધીનગર સ્થિત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF Gandhinagar) ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, શનિવારે બપોરે કચ્છના ક્રીક વિસ્તારમાં આવેલી કોરી ક્રીક વિસ્તારમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં સામે પારથી આવેલા સિંધ પ્રાંતના પંદર પાકિસ્તાની ઘૂસણખોરોને બે બોટ સાથે પકડી લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીની પ્રાથમિક માહિતી મુજબ, પ્રથમ નજરે તો ભારતીય સીમમાંથી પકડાયેલા પાકિસ્તાનીઓ માછીમાર લાગી રહ્યા છે. તેમની પાસેથી કોઈ વિસ્ફોટક કે વાંધાજનક વસ્તુઓ મળી નથી. છતાં BSF અને અન્ય ભારતીય એજન્સીઓ સમગ્ર મામલે છાનબીન કરી રહી છે. ટૂંક સમયમાં તેમને પોલીસને સોંપવામાં આવશે. અને ત્યારબાદ તેમને ભુજ ખાતે આવેલા સંયુક્ત પૂછપરછ કેન્દ્ર ( Joint Introgation Centre - JIC ) ખાતે અન્ય ઇન્ટેલિજન્સ એજન્સીની પુછપરછ માટે રાખવામાં આવશે.