વીક એન્ડમાં દક્ષિણ ગુજરાતમાં ભારે અને અમદાવાદ-ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે...

24મી જૂને થંડરસ્ટ્રોમ સાથે વરસાદની સંભાવના...

વીક એન્ડમાં દક્ષિણ ગુજરાતમાં ભારે અને અમદાવાદ-ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે...

WND Network.Ahmedabad : હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 અને 25 જૂને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા ત્યારે અત્યાર સુધીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છૂટાછવાયો, પણ સારો વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 24મી જૂને થંડરસ્ટ્રોમ સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં વરસાદની હજુ રાહ જોવી પડશે. છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં 42 મિમી, વિરમગામમાં 23 મિમીથી વધુ વરસાદ પડ્યો છે.

તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે, જ્યારે વલસાડ જિલ્લામાં આગામી તા.24મી જૂનથી 26મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. રાહત કમિશનરે નવસારી જિલ્લામાં એક તથા અન્ય જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમોને વરસાદની આગાહી મુજબ મૂકવા સૂચન કર્યું હતું.