કચ્છ : દહીંસરાના ચકચારી આપઘાતના કેસમાં નણંદનો નિર્દોષ છુટકારો, ભાભીના પોલીસ ભાઈએ કરી હતી ફરિયાદ...
કેસની સુનાવણી દરમિયાન જ મહિલાના પતિનું મોત થતા નણંદ સામે ચાલ્યો હતો કેસ
WND Network.Bhuj (Kutch) :- દહીંસરાના મહિલાના ચકચારી આપઘાત કેસમાં ભુજ કોર્ટ દ્વારા તેમની નણંદને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2018માં ભુજ તાલુકાના દહીંસરા ગામે એક મહિલાએ આપઘાત કરી લેતા મહિલાના પોલીસ ભાઈ દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન મહિલાના પતિનું અવસાન થતા તેમની બહેન, એટલે કે આપઘાત કરનાર મહિલાની નણંદ સામે કેસ ચાલ્યો હતો. જેમાં ફરિયાદી પક્ષ તેમનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ જવાને પગલે ભુજ કોર્ટ દ્વારા ચાર વર્ષ જુના ચકચારી આપઘાત કેસમાં નણંદને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ચકચારી આપઘાત કેસમાં નણંદ તરફથી કેસની પેરવી કરી રહેલા કચ્છના સિનિયર એડવોકેટ હેમસિંહભાઈ સી. ચૌધરીના જણાવ્યા પ્રમાણે, આપઘાતનો આ બનાવ તા.29-12-2018ના રોજ ભુજ તાલુકાના દહીંસરા ગામે બન્યો હતો. જેમાં આપઘાત કરનારા સાવિત્રીબેન ગઢવી લાંબા સમય પછી તેમના પતિ હરદાસ વિસરામભાઇ ગઢવી સાથે રહેવા આવ્યા હતા. દરમિયાન બંને વચ્ચે મનદુઃખ થવાને પગલે સાવિત્રીબેન ગઢવીએ આત્મહત્યા કરી લીધી હતી. જેને પગલે સાવિત્રીબેન ગઢવીના ભાઈ અને જે તે સમયે માંડવી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શક્તિદાન નારણદાનભાઈ ગઢવીએ આ અંગે માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન આપઘાત કરનાર મહિલા સાવિત્રીબેન ગઢવીના પતિ મૃત્યુ પામવાને પગલે તેમના બહેન અને મહિલાના નણંદ પુષ્પાબેન ભીમશીભાઈ ગઢવી સામે કેસ ભુજની એડિશનલ સેશન કોર્ટમાં કેસ ચાલ્યો હતો.
ભુજના પાંચમા અધિક સેસન્સ કોર્ટના જજ ધર્મેન્દ્રસિંહ રાણા સમક્ષ ફરિયાદી પક્ષ તરફથી પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ જવાને પગલે આરોપી પક્ષના મહિલા નણંદ પુષ્પાબેન ગઢવીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન ભુજના વરિષ્ઠ ધારાશાત્રી હેમસિંહભાઈ સી. ચૌધરી, દિપક ઉકાણી, ધ્રુવ એચ.ચૌધરી, ગણેશદાન ગઢવી, જીગ્નેશ લખતરીયા, કુલદીપભાઈ મહેતા, દેવરાજ ગઢવી, નરેશ ચૌધરી અને હેતલ દવેએ હાજર રહીને આરોપીઓ તરફે ધારદાર દલીલો કરી હતી.