Gujarat MP - MPLAD Budget : ગુજરાતના સાંસદોએ એક વર્ષમાં 255 કરોડમાંથી માત્ર ચાર ટકા બજેટ વાપર્યું, કચ્છ સહિતના 14 MPનું તો એકપણ કામ પૂરું થયું નથી !

કચ્છના MP વિનોદ ચાવડાને 9.8 કરોડનું ફંડ મળ્યું પણ વાપર્યું માત્ર 18 લાખ, 86 કામની ભલામણ કરી પણ એક વર્ષમાં એક કામ ન થયું , 'માહિતી અધિકાર ગુજરાત પહેલ' એ www.mplads.sbi ઉપર ઉપલબ્ધ વેબસાઈટ ઉપરથી MPLAD ફંડના ઉપયોગનું વિશ્લેષણ કર્યું

Gujarat MP - MPLAD Budget : ગુજરાતના સાંસદોએ એક વર્ષમાં 255 કરોડમાંથી માત્ર ચાર ટકા બજેટ વાપર્યું, કચ્છ સહિતના 14 MPનું તો એકપણ કામ પૂરું થયું નથી !

WND Network.Ahmedabad : ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપનું એક હથ્થું શાસન છે, કેન્દ્રમાં પણ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી બે ટર્મથી વડાપ્રધાન છે - ભાજપની સરકાર છે છતાં પણ ગુજરાતના લોકોએ જેમને ખોબે ખોબે વોટ આપીને દિલ્હી મોકલ્યા છે તેવા 26માંથી 25 સાંસદ તેમને મળતા એક વર્ષના ફંડમાંથી માત્ર ચાર ટકાનો લોકો માટે ઉપયોગ કર્યો છે. અમદાવાદની  'માહિતી અધિકાર ગુજરાત પહેલ' નામની સંસ્થાએ www.mplads.sbi નામની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ માહિતીને આધારે MPLAD ફંડના ઉપયોગનું વિશ્લેષણ કર્યું તો ચોંકાવનારા આંકડા જોવા મળ્યા હતા. એક વર્ષમાં ગુજરાતના સાંસદોને કુલ 254.8 કરોડ જેટલું માતબર ફંડ મળ્યું હતું. પરંતુ તેઓ આ માત્ર 4.2 ટકા એટલે કે, માત્ર 10.72 કરોડ રૂપિયા જ વાપર્યા છે. એક વર્ષમાં દરેક MPને MPLAD (Members of Parliament Local Area Development) Scheme હેઠળ તેમના મતક્ષેત્ર માટે પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હોય છે. કચ્છની વાત કરી એ તો અહીંથી સતત ત્રીજી વખત સાંસદ તરીકે ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા વિનોદ ચાવડાએ તો તેમને મળેલી ગ્રાન્ટના 9.8 કરોડમાંથી માત્ર 18 લાખ રૂપિયા વાપર્યા છે છતાં એક કામ પૂરું થયું નથી.  

ગયા વર્ષે 2024માં 18મી લોકસભા માટે ચૂંટણી થઇ ત્યારથી અત્યાર સુધી એક વર્ષનો આ પ્રકારનો હિસાબ સંસ્થાએ એકત્રિત કરીને તેનું એનાલિસીસી કર્યું છે. વિપક્ષના એક માત્ર કોંગ્રેસમાંથી આવતા બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પણ 9.8 કરોડમાંથી એક રૂપિયો પણ વાપર્યો નથી. ગેનીબેન તો સમજ્યા કે વિપક્ષ કોંગ્રેસમાંથી આવે છે એટલે કદાચ સ્થાનિક ભંડોળ વપરાતા કદાચ તકલીફ પડતી હોય પરંતુ ભાજપના સાંસદો કેમ ફંડ નથી વાપરી શક્ય તે એક મોટો પ્રશ્ન છે. 

MPLAD ફંડ યોજના અંતર્ગત હાલમાં દરેક સંસદ સભ્યનું  બજેટ વર્ષ દીઠ 5 કરોડ છે. એટલે કે દર વર્ષે સંસદ સભ્ય તેમના મતવિસ્તારના 5 કરોડ સુધીના વિકાસ કામોની ભલામણ કરી શકે. ત્યાર બાદ જીલ્લા કક્ષાએ આયોજન મંડળ દ્વારા આ કામો જે તે અમલીકરણ એજન્સી ને સોંપવામાં આવતા હોય છે.  MPLAD 2023 ની ગાઈડલાઇન અનુસાર મતક્ષેત્રના સાંસદ લોકોની સુખાકારી અને વિકાસ ને લગતા વિવિધ પ્રકારના કામોની ભલામણ કરવાની હોય છે. 

MPLAD ફંડના ખર્ચની માહિતીમાં અમુક વિગતો બતાવી નથી : વાતો ભલે પારદર્શક વહીવટ અને પ્રામાણિક કામની થતી હોય પરંતુ હકીકત કઈંક અલગ જ છે. સાંસદો દ્વારા વાપરામાં આવેલા ફંડની વિગતો www.mplads.sbi વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જેમાં અન્ય માહિતી તો મળે છે પરંતુ સાંસદે કયા ક્ષેત્રમાં કેટલું ફંડ વાપર્યું તેની માહિતી જોવા મળતી નથી. RTI કાયદાની કલમ 4(1) ખ મુજબ આ પ્રકારની માહિતી સરળતાથી લોકોને તેમની લોકલ ભાષામાં મળી રહે તે જરૂરી છે. અગાઉ MP દ્વારા કેટલા કામની ભલામણ કરવામાં આવી, તેમાંથી કેટલા કામ ચાલુ થયા, કેટલા કામને ટેક્નિકલ મંજૂરી મળી, કામનો પ્રગતિ અહેવાલ વગેરે જેવી માહિતી વેબસાઈટ ઉપર જોઈ શકતા હતા પરંતુ આશ્ચર્યજનક રીતે આ વખતે આવી ઇન્ફોર્મેશન જોવા મળી નથી.