Breaking : કચ્છ યુનિ. પદવીદાન સમારંભમાં રાજ્યપાલ-મંત્રી નહીં આવે, જાણો શુ છે ઇનસાઈડ સ્ટોરી...

પદવીદાન કાર્યક્રમ અગાઉ ત્રણ વખત પાછો ઠેલાઈ ચુક્યો છે...

Breaking : કચ્છ યુનિ. પદવીદાન સમારંભમાં રાજ્યપાલ-મંત્રી નહીં આવે, જાણો શુ છે ઇનસાઈડ સ્ટોરી...

જયેશ શાહ (વેબ ન્યૂઝ દુનિયા.કચ્છ) : અગાઉ ત્રણ વખત જે કાર્યક્રમ પાછો ઠેલાઈ ચુક્યો છે તેવો કચ્છ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. જો કે આ વખતે તારીખ નહીં પરંતુ મુખ્ય મહેમાનની અનુપસ્થિતિને કારણે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. કચ્છ યુનિવર્સીટીનો 11મો પદવીદાન સમારંભ આવતીકાલે 22મી જૂનના રોજ બુધવારે ભુજમાં યોજવાનો છે. જેમાં કુલાધિપતિ એવા ગુજરાતનાં ગવર્નર મહામાહિમ આચાર્ય દેવવ્રત મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના હતા. પરંતુ હવે તેઓ નહીં આવે. માત્ર રાજ્યપાલ જ નહીં પરંતુ, ગુજરાત સરકારના રાજયકક્ષાના મંત્રી પણ આવવાના નથી. આ બંને મહેમાનો હવે ઓનલાઇન કાર્યક્રમમાં જોડાશે તેવું કચ્છ યુનિવર્સિટી તરફથી કહેવામાં આવ્યું છે. 

આ અંગે કચ્છ યુનિવર્સિટીનાં રજિસ્ટ્રાર ઘનશ્યામભાઈ બુટાણીએ વેબ ન્યૂઝ દુનિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગવર્નર અને મંત્રી પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલી જોડાશે. અગાઉ આ કાર્યક્રમની ત્રણ વખત તારીખ બદલવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીની હાજર રહેવાના છે તેવા આમંત્રણ કાર્ડ છપાઈ અને વિતરણ થઈ ચુક્યા છે, તેવામાં કચ્છ યુનિવર્સિટી સાથે સીધી રીતે સંકળાયેલા બે મહેમાનોની પ્રત્યક્ષ હાજરી વિના સૌ પ્રથમ વખત પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે. જેને લીધે સમગ્ર મામલો શિક્ષણ જગત સહિત રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

તારીખ પે તારીખ અને ગેરહાજરી પાછળ ભાજપની જુથબંધી

અગાઉ દસ વખત સફળતા પૂર્વક અને કોઈપણ ફેરફાર વિના યોજાયેલા પદવીદાન સમારંભ પછી 11માં સમારોહમાં આટલો વિલંબ અને ફેરફાર થવા પાછળ કચ્છ ભાજપની જૂથબંધી હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. સુત્રોનું માનીએ તો, કચ્છ જિલ્લાના એક ક્ષત્રિય ધારાસભ્યને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સાથે બનતું નથી. જેને લઈને વાઘાણીએ પોતે આવવાને બદલે રાજ્યકક્ષાનાં મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરને મોકલવાનું નક્કી થયું હતું. પરંતુ કચ્છ ભાજપનું બીજું જૂથ સક્રિય થતા તેમનું પણ આવવાનું રદ્દ થયું છે.જેને કારણે હવે માત્ર કચ્છનાં સ્થાનિક નેતાઓની હાજરીમાં જ કાર્યક્રમ આરોપી લેવાશે.