જ્યાં જીતતા નથી ત્યાં આવા ખેલ, શિવસેનાના ધારાસભ્યો ગુજરાતનાં આશરે, મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થશે..?
શિવસેનાના નેતા એકનાથ શિંદે તેમની પાર્ટીના લગભગ એકાદ ડઝન જેટલા MLA સાથે સુરતમાં આવ્યા...
WND Network.Surat : મહારાષ્ટ્રની રાજનીતિમાં ગઈકાલથી ભડકો થયો છે. કારણ કે સત્તાપક્ષ શિવસેનાના એક મંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં કેટલાક ધારાસભ્ય સોમવારથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા. જો કે ત્યારબાદ ગુજરાતના સુરત શહેરની ખાનગી હોટલમાં રોકાયા હોવાની વાત બહાર આવતા સમગ્ર ખેલ શું છે તેનો ખ્યાલ આવી ગયો હતો. કારણ કે સુરત પોલીસ દ્વારા હોટલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે તેમની પાર્ટીના લગભગ એકાદ ડઝન જેટલા MLA સાથે સુરતમાં આવ્યા છે. શિવસેનાના પાસે હાલમાં 58 ધારાસભ્ય છે. જેને પગલે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સંકટમાં આવી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જેનો અર્થ એવો પણ થાય છે કે, જયાં તેમને લોકો સત્તા નથી આપતા ત્યાં તેઓ આવી રીતે પાછલા બારણે સરકારો તોડીને સત્તામાં પાછા આવવા માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોડી રાત્રે સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલી ફાઈવ સ્ટાર હોટેલ લા મેરીડીયન ખાતે આ નારાજ ધારાસભ્યો ઉતર્યા હતા. શિવસેનાના નારાજ કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સુરતમાં બપોરે પત્રકાર પરિષદને સંબોધશે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સુરત પોલીસ દ્વારા તેમને સિક્યોરિટી આપવામાં આવતા સમગ્ર ખેલ કોનો છે તેનો પણ લોકોને અંદાજ આવી ગયો છે. યોગાનુયોગ કહો કે ગમે તે પરંતુ ગુજરાત ભાજપના અઘ્યક્ષ અને સુરતના સાંસદ સી.આર. પાટીલ પણ ગાંધીનગર કાર્યક્રમ રદ કરી અચાનક સુરત પહોંચી ગયા છે. શિંદેની સાથે અંદાજે 24 જેટલા ધારાસભ્યો હોવાનો પણ મીડિયા રિપોર્ટમાં દાવો થઈ રહ્યો છે.
શિવસેનાના આ ધારાસભ્ય સુરતમાં સંતાયા છે...
શિવસેનાના નારાજ ધારાસભ્યો સુરતમાં આવી ગયા હોવાની વાત વચ્ચે જે MLA બળવામાં સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેમાં એકનાથ શિંદે - કોપરી, અબ્દુલ સત્તાર - સિલ્લોડ - ઔરંગાબાદ, શંભૂરાજ દેસાઇ - સતારા, સંદિપાન ભૂમરે - પૈઠણ - ઔરંગાબાદ, ઉદયશસહ રાજપૂત - કન્નડ- ઔરંગાબાદ, ભરત ગોગાવલે - મહાડ - રાયગઢ, નિતીન દેશમુખ - બાળાપુર - અકોલા, અનિલ બાબર - ખાનાપુર - આટપાડી - સાંગલી, વિશ્વનાથ ભોઇર - કલ્યાણ પશ્ચિમ, સંજય ગાયકવાડ - બુલઢાણા, સંજય રામુલકર - મેહકર, મહેશ સિંદે - કોરેગાંવ - સતારા, શહાજી પાટીલ - સાંગોલા - સોલાપૂર, પ્રકાશ અબિટકર - રાધાપુરી - કાોલ્હાપૂર, સંજય રાઠોડ - દિગ્રસ - યવતમાળ, જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ - ઉસ્માનાબાદ, તાનાજી સાવંત - પરોડા - ઉસ્માનાબાદ, સંજય શિરસાટ - ઔરંગાબાદ પશ્ચિમ, રમેશ બોરનારે - બૈજાપૂર - ઔરંગાબાદ હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે.