મોક વિધાનસભામાં પણ લાગવગ ? છેલ્લી ઘડીએ કચ્છના ભાજપના પૂર્વ ધારાસભ્યની સ્કૂલના વિદ્યાર્થીની એન્ટ્રી...

ત્રણ મહિનાથી વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવાની ચાલતી હતી પ્રક્રિયા સામે ઉભી થયેલી શંકા

મોક વિધાનસભામાં પણ લાગવગ ? છેલ્લી ઘડીએ કચ્છના ભાજપના પૂર્વ ધારાસભ્યની સ્કૂલના વિદ્યાર્થીની એન્ટ્રી...

WND Network,Bhuj (Kutch) : ગુજરાતની યુવા પેઢી રાજનીતિના પ્રવાહો અને બંધારણની સમજ કેળવીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકે તેવા આશયથી આજે શુક્રવારે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભામાં મોક વિધાનસભા-એસેમ્બલીનું આયોજન કરાયું છે. જોકે સારા આશયથી કરવામાં આવેલા આ આયોજનમાં છાત્રોની પસંદગીમાં લાગવગ કરવામાં આવી હોવાની વાતે વિવાદ સર્જાયો છે. ત્રણેક મહિનાથી પસંદગી પ્રક્રિયા બાદ આજે સત્રનું આયોજન થયું છે. ત્યારે ઓચિંતા બે દિવસ પહેલા જ કચ્છના ભાજપના પૂર્વ ધારાસભ્યની સ્કૂલના વિદ્યાર્થીની મોક વિધાનસભા-એસેમ્બલીમાં સભ્ય તરીકેની પસંદગી કરવાનો મામલો બહાર આવ્યો છે. 

સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા 182 વિદ્યાર્થીઓ આજે એક દિવસ પુરતી વિધાનસભા ચલાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં છાત્રોની પસંદગી પ્રક્રિયામાં લાગવગની વાતે લોકોમાં આંચકો લાગ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર રાજ્યમાંથી ત્રણેક હજાર શાળાઓમાંથી વિદ્યાર્થીઓની ચકાશણી કરવામાં આવી હતી. અને બે દિવસ પહેલા પસંદગી પામેલા છાત્રોને ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા હતા. દરમિયાન કચ્છના ભુજમાં આવેલી ચાણકય એકેડેમી સ્કૂલમાંથી એક વિદ્યાર્થીને શાળાના આચાર્ય અને સ્કૂલના ટ્રસ્ટી સાથે ગાંધીનગરમાં જોવા મળતા નવાઈ લાગી હતી. કારણ કે, કચ્છમાંથી માત્ર ત્રણ સ્કૂલ ભુજની શ્રીજી વિદ્યાલય, પાનધ્રોની એસ.કે.વી સ્કૂલ અને મુન્દ્રાની સેન્ટ ઝેવિયર્સનું સિલેક્શન થયું હતું. તેવામાં ચાણકય એકેડેમીની એન્ટ્રીથી મામલો ચર્ચામાં આવ્યો હતો. 

રાપરના પૂર્વ ધારાસભ્યની છે સ્કૂલ : કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ અને રાપર વિધાનસભા ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાના તક્ષશિલા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજમાં આવેલી ચાણકય એકેડેમીનું સંચાલન કરવામાં આવે છે. મહેતાના સાઢુભાઈ સંદીપ દોશી પણ આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. અને તેઓ સ્કૂલની છાત્રા ને લઈને શાળાના આચાર્ય કવિતા કટ્ટાની શિક્ષિકા એવી સગી બહેન  તેમજ સીઈઓ મહેમીશ મેમણ સાથે મોક એસેમ્બલીમાં ભાગ લેવા માટે હાલ ગાંધીનગરમાં છે. 

નેટવર્કને કારણે ઇન્ટરવ્યૂ થયું ન હતું એટલે... : મોક વિધાનસભા માટે પસંદગી પ્રક્રિયાનું કામ કરી રહેલી સંસ્થા સ્કૂલ પોસ્ટનો આ અંગે સંપર્ક કરવામાં આવ્યો હતો. સંસ્થાના શ્રીતી રાજવંશીએ કહ્યું કે, પસંદગી પ્રક્રિયા વખતે ઇન્ટરનેટના પ્રોબ્લેમને કારણે ભુજની ચાણકય એકેડેમી સ્કૂલની વિદ્યાર્થીની ઇન્ટરવ્યૂ આપી શકી ન હતી. સ્કૂલ તરફથી તેમનો સંપર્ક કરીને આ મામલે વિધાનસભાના રિયલ સ્પીકર નીમાબેન આચાર્યને જાણ કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું.  પરંતુ તેઓ કોઈની ભલામણને ધ્યાનમાં લેવાના ન હતા. તે દરમિયાન રાજકોટની સ્કૂલમાંથી એક છાત્રા ડેન્ગ્યુને કારણે આવી શકે એમ ન હતી. એટલે છેલ્લી ઘડીએ ખાલી પડેલી જગ્યા માટે ચાણકય  એકેડેમી સ્કૂલની વિદ્યાર્થીનીને લેવામાં આવી છે.