કચ્છ : ખાવડાનાં મદ્રેસા પછી ભુજમાં મંદિરનું બાંધકામ દૂર કરાયું, જાણો સરહદી જિલ્લામાં દબાણનો શું છે વિવાદ...

વાત હતી ખાવડા હાઈવેના દબાણ દૂર કરવાની, કચ્છનું તંત્ર ગામમાં પહોંચી ગયું

કચ્છ : ખાવડાનાં મદ્રેસા પછી ભુજમાં મંદિરનું બાંધકામ દૂર કરાયું, જાણો સરહદી જિલ્લામાં દબાણનો શું છે વિવાદ...

WND Network.Bhuj (Kutch) : ગુજરાતમાં ભાજપની બહુમતિવાળી સરકારના શાસનમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ દૂર કરવાની સિલેક્ટેડ કાર્યવાહીને કારણે વિવાદ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં આ કામગીરી પાછળ લઘુમતી સમુદાયને ટાર્ગેટ કરવાની વાત પણ ચર્ચાઈ રહી છે. રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ પણ આ વિવાદમાંથી બાકાત નથી રહ્યો. જખૌ બંદરની કાર્યવાહી પછી ભુજ અને ખાવડામાં તંત્ર દ્વારા કહેવાતા દબાણ દૂર કરવાની કાર્યવાહી બાદ મોટો વિવાદ થયો છે. જેના પડઘા સામે પર પાકિસ્તાનમાં પણ પડયા છે. આ બધા વચ્ચે કચ્છના તંત્ર દ્વારા ખાવડાના મદ્રેસા દૂર કરવાની કાર્યવાહી પછી ભુજમાં એક મંદિર હટાવવાની કાર્યવાહીને જાણકારો સૂચક માની રહ્યા છે. સૂત્રોનું માનીએ તો દબાણોનો વિવાદ સોસીયલ મીડિયામાં જોર પકડતા મદ્રેસાની કાર્યવાહીને જસ્ટિફાય કરવા માટે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જો કે સરકારી મશીનરી તેની કાર્યવાહીને યોગ્ય અને કાયદેસરની જ માની રહ્યું છે.  

કચ્છના તંત્ર દ્વારા જયારથી ભુજ-ખાવડા હાઇવે ઉપર તથા તેની આસપાસના વિસ્તારોમાં દબાણ દૂર કરવા સંદર્ભે 144મી કલામ લગાવીને પોલીસની કુમક ખડકી દેવામાં આવી હતી ત્યારથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. કારણ કે અગાઉ આ રીતે કડક જાપ્તા અને નોટિસ-જાહેરાત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી ભાગ્યેજ કરવામાં આવેલી છે. કચ્છના અધિક કલેક્ટરના જાહેરનામા બાદ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ઉત્તરાયણના દિવસથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભુજ-ખાવડા હાઇવેની આસપાસના દબાણો દૂર થયા ત્યાં સુધી બધુ બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ હાઇવે ઉપર કરવાની કાર્યવાહી જયારે ખાવડા તેમજ તેની નજીકના ગામોમાં કરવામાં આવી ત્યારે આખી કાર્યવાહી સંદભૅ વિવાદ સર્જાયો છે. મુસ્લિમ અગ્રણી સહીત લઘુમતી સમુદાયના સંગઠનો દ્વારા તંત્રની આ કાર્યવાહીને વખોડવામાં આવી રહી છે. વર્ષો જુના બાંધકામ અને માલિકીપણા હેઠળના મદ્રેસાને દૂર કરવાનો પડઘો તો પાડોસી દુશ્મન દેશ પાકિસ્તાનમાં પડ્યો છે. સમગ્ર ઘટનાક્રમ અંગે સોસીયલ મીડિયામાં પણ મામલો ટ્રેન્ડ થઈ રહ્યો છે. પાકિસ્તાની રેડિયોથી માંડીને ભારતની નેશનલ મીડિયા પણ ખાવડા દબાણમાં કૂદી પડ્યું છે. તેવામાં ભુજમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના રિંગ રોડ ઉપર આવેલા એક મંદિરને પણ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યું છે. જેને પગલે ખાવડાની કાર્યવાહીને યોગ્ય ઠેરવવાવાનું આ કૃત્ય હોય તેવું જાણકારો માની રહ્યા છે.  

'ભુજમાં મંદિર સરકારી જમીનમાં ઉભું કરાયેલું હતું એટલે હટાવ્યું છે' :- પ્રથમ દ્રષ્ટિએ ભુજમાં મંદિર સંદર્ભે કરવામાં આવેલી કાર્યવાહી ખાવડાનું રિએક્શન હોય તેવું લાગે છે. પરંતુ હકીકત કઈંક અલગ જ છે. ભુજના પ્રાંત અધિકારી એવા IAS ઓફિસર અતિરાગ ચપલોતના જણાવ્યા પ્રમાણે, મંદિરને કોર્ટના આદેશ બાદ દૂર કરવામાં આવ્યું છે. ભુજના રિંગ રોડ ઉપર આવેલા ચૂંટણી પંચના વેર હાઉસ માટેની સરકારી જમીનમાં પહેલા મંદિર બનાવીને પાછળથી ત્યાં ત્રણેક ઓરડા બનાવી દેવામાં આવ્યા હતા. મામલો કોર્ટમાં ગયા પછી જયારે દબાણ દૂર કરવાની નોબત આવી ત્યારે ઓરડા દૂર કરીને મંદિર રહેવા દેવાની વિનંતી પણ કરવામાં આવી હતી. મામલો લોકોની આસ્થા સાથે સંકળાયેલ હોવાથી એક તબક્કે તંત્ર દ્વારા મંદિરને રહેવા દેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. પરંતુ પાછળથી દબાણ કરનાર વ્યક્તિએ આ અંગે ખોટી માહિતી ફેલાવતા તંત્ર દ્વારા છેવટે મંદિરને પણ દૂર કરવાનું નક્કી કરી બુધવારે તેને દૂર કરવામાં આવ્યું હતું તેમ પ્રાંત અધિકારી ચપલોતે અંતમાં ઉમેર્યું હતું.  

ખાવડાના દબાણમાં દુશ્મન દેશના 'નાપાક' ઈરાદા :- સિંધમાં લઘુમતી ગણાતા હિન્દૂ સમુદાય ઉપર અત્યાચાર કરનારા પાકિસ્તાનને કચ્છના ખાવડામાં દૂર કરવામાં દબાણમાં માનવતા દેખાય છે. એટલે જ ભુજ તાલુકામાં કરવામાં આવેલી દબાણની કાર્યવાહીને ત્યાંનું નાપાક મીડિયા ચગાવી રહ્યું છે. ભાગલા પછી પણ ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એકબીજાના સગાઓ રહેતા હોવાને કારણે બંને દેશના લોકો સામાજિક તેમજ સાંકૃતિક રીતે જોડાયેલા છે. એટલે બંને દેશના લોકોને કચ્છ-સિંધમાં બનતી ઘટનાઓમાં રસ પડે છે. જેનો ફાયદો પાકિસ્તાની મીડિયા ઉઠાવી રહ્યું છે.