ખબરની અસર : ગણતરીના કલાકોમાં જ કચ્છની એ શાળામાં વીજ મીટર લાગી ગયું, સાચા અર્થમાં બાળકોએ પ્રવેશોત્સવ ઉજવ્યો
નવ મહિનાથી અંધારામાં રહેલી સ્કૂલ અંગે 'વેબ ન્યૂઝ દુનિયા'એ કરેલી ટકોર અસર કરી ગઈ...

WND Network.Kutch : કચ્છ જિલ્લાની શાળામાં નવ નવ મહિનાથી માત્ર મીટર નાખવાને કારણે બાળકો અંધારામાં અભ્યાસ કરવા મજબુર બન્યા હતા ત્યારે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા આ અંગે ન્યૂઝ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ન્યૂઝ પબ્લિશ થતા જ તંત્ર હરકતમાં આવી ગયું હતું. અને અનેક વખત અરજીઓ કરવા છતાં જે કામ મહિનાઓથી થયું ન હતું તે માત્ર પાંચેક કલાકમાં થઈ ગયું હતું. ગુરુવારે અચાનક સરકારી સિસ્ટમ સક્રિય થઈને કચ્છના ગાંધીધામ તાલુકામાં આવેલી એ કંડલા યુનાઇટેડ સોલ્ટ શાળામાં નવું મીટર નાખીને વીજળીનો પુરવઠો ચાલુ કરી દીધો હતો. શાળામાં વીજળી આવેલી જોઈને શિક્ષકો અને બાળકોએ સાચા અર્થમાં પ્રવેશોત્સવ ઉજવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા આજથી શરુ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવની શરૂઆતમાં કંડલા યુનાઇટેડ સોલ્ટ શાળાની વીજ મીટર અંગેની સમસ્યા અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને કારણે વીજળી વિભાગના કર્મચારીઓ નવા મીટર સાથે શાળાએ પહોંચી ગયા હતા. અને તાબડતોડ મીટર ઇન્સ્ટોલ કરીને સ્કૂલમાં વીજળીનો પુરવઠો ચાલુ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લા પંચાયત હસ્તકની આ શાળામાંથી ખરાબ વીજ મીટર કાઢી ગયા પછી નવા મીટર માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ મહિનાઓથી સુધી પત્ર વ્યવહાર કરવા છતાં અહીં મીટર નાખવામાં આવ્યું ન હતું. ઉલ્ટાનું એવું કહેવામાં આવીને મામલો ખેંચવામાં આવ્યો કે, 'તમારી શાળા અમારી ઓફિસના કાર્યક્ષેત્રમાં આવતી નથી'. જેને લીધે કંડલા યુનાઇટેડ સોલ્ટ શાળાના ધોરણ 1 થી 9માં અભ્યાસ કરતા 139 વિદ્યાર્થી ગરમીમાં શિક્ષણ મેળવવા માટે મજબુર બન્યા હતા. કલેક્ટરથી માંડીને પીજીવીસીએલ અને જિલ્લાના શિક્ષણ વિભાગમાં અવાર નવાર રજૂઆતો કરવા છતાં જે કામ થયું ન હતું. તે અચાનક થઈ જતા બાળકોની આંખોમાં પણ રોશની જોવા મળી હતી. એની વે, 'દેર આયે દુરસ્ત આયે'ની કહેવતની જેમ તમામ બાળકો વતી જેમણે પણ આ સારા કાર્યમાં ભાગ ભજવ્યો એ તમામ ને દિલથી Thank You...