મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ સફળ ? ભાજપે પોલિટિકલ એન્કાઉન્ટર કર્યું હોવાના આ છે સંકેત...
ભાજપનાં ટોચનાં નેતૃત્વ સહિતનાં નેતાઓ શિવસેનાના બળવા અંગે ભેદી રીતે મૌન સેવી રહ્યા છે
WND Network.Mumbai : મહારાષ્ટ્રમાં ભાજપનું ઓપરેશન લોટસ હાલની સ્થિતિ જોતા સફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર ઘટનાક્રમને નજીકથી જોતા એવું માની શકાય કે ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં સત્તા વાપસી માટે પોલિટિકલ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની રાજકીય ઉથલ પાથલ વચ્ચે ભાજપે અહીં પણ ઓપરેશન લોટસ શરૂ કરી દીધું હોવાની ચર્ચા પ્રથમ દિવસથી જ થવા લાગી હતી. જો કે અન્ય રાજ્યોમાં, જ્યાં ઓપરેશન લોટસને અંજામ આપવામાં આવ્યો હતો તેના કરતા મહારાષ્ટ્રમાં ચિત્ર જુદું છે. કારણ કે અહીં શિવસેના નેતાઓ જે રીતે વર્તન કરી રહ્યા છે તેને જોતા તે પણ ભાજપની આ ગેમમાં સામેલ હોય તેવું રાજકીય જાણકારો માની રહ્યા છે. ખાસ કરીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જે રીતે સરકારી આવાસ છોડ્યું અને તેમના દીકરાએ સોસીયલ મીડિયા ઉપરથી મિનિસ્ટરનો ટેગ હટાવ્યો તે ગળે ઉતરે તેમ નથી. શિવસેના પાર્ટી અને તેના નેતાઓનું ડીએનએ આક્રમક છે અને આથી શિવ સૈનિકો આમ આસાનીથી સત્તા છોડી દે તે પણ સમજાઈ તેવું નથી.
સમગ્ર ઘટનાક્રમનો પ્લોટ જાણે અગાઉથી ફિક્સ હોય તેવું લાગે છે. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ ખુલીને બોલવા માટે પ્રખ્યાત છે. તેઓ સરકાર બરાબર ચાલતી હતી અવાર-નવાર ભવિષ્યવાણી કરતા હતા કે, સરકાર ટૂંક સમયમાં પડી જશે.પરંતુ હવે જ્યારે સરકાર લગભગ પડી ભાંગી છે ત્યારે ચંદ્રકાંત પાટીલ કંઈ જ બોલતાં નથી. અને જયારે મીડિયા તેમને આ વિદ્રોહ અંગે પૂછે છે તો તેઓ 'એકનાથ શિંદેનો બળવો શિવસેનાનો આંતરિક મામલો છે' એમ કહીને વાતને વાળી લે છે. જે બહુ નવાઈ લાગે તેવું છે. હવે એવું લાગે છે કે, શિવસેનાના લગભગ 40 ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા છે. સૂત્રોનું માનીએ તો, ભાજપે શિંદેને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર પણ કરી છે. જો આગામી દિવસોમાં જ શિંદે અને ફડણવીસ જાહેરમાં એકબીજાને ગળે લગાડતા જોવા મળે તો નવાઈ ન પામતા.
મહારાષ્ટ્રની રાજનીતિમાં ઓપરેશન લોટસના આ છે સંકેત :-
એકનાથ શિંદેની ભાષા અને બોડી લેન્ગવેજ : રાજકીય ઉથલપાથલની શરૂઆતથી માંડીને અત્યાર સુધી એકનાથ શિંદેની ભાષા-બોડી લેંગ્વેજને નજીકથી જોતા લાગે છે કે, તેઓ ભાજપની ભાષામાં બોલી રહ્યા છે. 'સત્તા ખાતર બાળાસાહેબના હિન્દુત્વને છોડવું યોગ્ય નથી'. આ વાક્ય પહેલા ફડણવીસ, ચંદ્રકાંત પાટીલ અને બીજેપીના ઘણા પ્રવક્તાઓ ઘણી વખત બોલી ચૂક્યા છે. ભાજપે શિવસેના સાથે સંબંધો ભલે તોડી નાખ્યા, પરંતુ સમયાંતરે તેઓ બાળાસાહેબના અનુગામી હોવાનો દાવો પણ કર્યો છે. શિવસેના કોંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર ત્યારથી ફડણવીસે વારંવાર કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ સત્તા માટે બાળાસાહેબના હિન્દુત્વ સાથે સમાધાન કર્યું છે. આ વાત હવે એકનાથ શિંદે પણ કહી રહ્યા છે. શિંદે ઉદ્ધવ ઠાકરેનું નામ નથી લઈ રહ્યા પરંતુ તેઓ આડકતરી રીતે એવું ચોક્કસ કહે છે કે, ઉદ્ધવ ઠાકરેએ સત્તા ખાતર 'બાળાસાહેબનું હિન્દુત્વ' છોડી દીધું છે.
ભાજપના નેતા મોહિત કંબોજની એરપોર્ટ પર સૂચક હાજરી : મોહિત કંબોજ મુંબઈમાં ભારતીય જનતા પાર્ટીનો જાણીતો ચહેરો છે. કંબોજ સુરત એરપોર્ટ પર શિવસેનાના ધારાસભ્યો સાથે પ્લેનમાં જતા જોવા મળ્યા હતા. જો આ શિવસેનાનો આંતરિક મામલો છે તો શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મદદ કરવા કંબોજ ત્યાં કેવી રીતે અને શા માટે પહોંચ્યા? તે એક મોટો પ્રશ્ન છે. મોહિત કંબોજ મૂળ ઉત્તર પ્રદેશનો છે. તે એક ગર્ભશ્રીમંત ઝવેરી છે. વર્ષ 2014માં ભાજપે તેમને મુંબઈની દિંડોશી બેઠક પરથી ટિકિટ પણ આપી હતી. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે પણ તેની સામે કેસ દાખલ કર્યો છે. પરંતુ કંબોજનું કહેવું છે કે તેણે કોઈ આર્થિક કૌભાંડ કર્યું નથી. અને અહીં સવાલ એ પણ છે કે ફાઈવ સ્ટાર હોટેલ અને ફ્લાઈટ કોણે બુક કરાવી? અને આટલી બધી તૈયારીઓ થઈ ત્યાં સુધી મહારાષ્ટ્ર પોલીસના ઇન્ટેલિજન્સ બ્યુરોને ખબર ન પડી ? શું ઠાકરેની પોલીસ ઉપર કોઈ જ પકડ નથી?
શિંદે સાથે ફડણવીસના વિશ્વાસુ સંજય કુટેની હાજરી : ડૉ.સંજય કુટે ભાજપના યુવા નેતા છે. તેમની તાજેતરની ઓળખ દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસુ તરીકેની છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરત ગયા ત્યારે સૌથી પહેલા સંજય કુટે ત્યાં પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના પ્રતિનિધિ મિલિંદ નાર્વેકર સુરતની હોટલ પહોંચે તે પહેલા જ સંજય કુટે એકનાથ શિંદેને મળ્યા હતા. તેઓ માત્ર ધારાસભ્યોને જ મળ્યા એટલું જ નહિ પરંતુ ત્યાં રોકાયા પણ હતા.અને જ્યારે સેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા ત્યારે કુટે પણ ત્યાં હાજર હતા. વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસની પાછળની બેન્ચ પર બેઠેલા ડૉ. સંજય કુટે રાજકીય વર્તુળોમાં ખૂબ પ્રખ્યાત છે. તાજેતરની રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન ડૉ. સંજય કુટેએ પોલિંગ એજન્ટ તરીકે કામ કર્યું હતું.
ભાજપ શાસિત રાજ્યોમાં જ કેમ જાય છે બાગી ધારાસભ્યો? : જો બળવાખોર શિવસેના ધારાસભ્યો માત્ર તેમના નેતાથી નારાજ હતા, તો તેઓ ફોન બંધ કરી શક્યા હોત અને મહારાષ્ટ્રમાં ગમે ત્યાં બેસીને તેમની નારાજગી વ્યક્ત કરી શક્યા હોત. મહારાષ્ટ્રમાં છુપાવવા માટે હજારો હોટેલો છે. અગાઉ, જ્યારે અજિત પવાર અથવા અન્ય કોઈ નેતા ગુસ્સે થયા હતા, ત્યારે તેઓ રાજ્યમાં ક્યાંક જતા હતા અને તેમના ફોન બંધ કરી દેતા હતા. પરંતુ એકનાથ શિંદેએ એમ ન કર્યું. તેઓ મહારાષ્ટ્રમાં જ લોનાવાલા કે મૂળશી ન ગયા. તે મહારાષ્ટ્રની સરહદ ઓળંગીને ગુજરાતમાં આવ્યા, ભાજપની વર્ષોથી સત્તા છે. ગુજરાત માત્ર ભાજપ શાસિત રાજ્ય નથી, તે મોદી-શાહનો ગઢ પણ છે. શિવસેનાના બાગી ધારાસભ્યોને સુરત પોલીસનું ચુસ્ત પ્રોટેક્શન હતું એ સ્પષ્ટ દેખાતું હતું.તે પછી શિવસેનાના અસંતુષ્ઠ ધારાસભ્યો વધુ એક બીજેપી શાસિત રાજ્ય આસામ જાય છે. ત્યાં પણ તેને સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે. જો તે શિવસેનાનો આંતરિક મામલો છે તો આ મરાઠી ધારાસભ્યો હજારો માઈલ દૂર ગુવાહાટી શા માટે જતા હશે? આ બધું ભાજપની મદદ વિના શક્ય લાગે છે ખરું ?
એકનાથ શિંદેની વિચિત્ર માંગ : એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પાસે જે માગણી કરી હતી તે તેમની પોતાની નારાજગીની નહોતી. તે ભાજપ સાથે ગઠબંધન કરવા માંગે છે. જો શિંદે ખરેખર ઉદ્ધવ ઠાકરેથી નારાજ હતા તો તેમણે ઠાકરે સમક્ષ પોતાની ફરિયાદ મૂકી હોત, ભાજપ સાથે જવાની વાત ન કરી હોત. ભાજપ સાથેના સંબંધો તોડીને ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ અઘાડીની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અને પોતે મુખ્યમંત્રી બન્યા. છેલ્લા અઢી વર્ષમાં ઉદ્ધવ ઠાકરે અને ભાજપે એકબીજાની ઘણી ટીકા કરી છે. જાહેરમાં એકબીજા સામે આટલું ખરાબ બોલ્યા પછી ઠાકરે માટે ભાજપની સામે જવું મુશ્કેલ હતું. અને એકનાથ શિંદે આ વાત સારી રીતે જાણતા હતા. જો શિંદે શિવસેના છોડવા માંગતા નથી તો તેઓ મુખ્યમંત્રી પદ અન્ય પક્ષના નેતાને આપવાની વિચિત્ર વાત કેમ કરી રહ્યા છે તે પણ એક મોટો પ્રશ્ન છે.