Gujarat Kutch Rapar MLA Virendra Jadeja : ભાજપની સરકારમાં ભાજપના ધારાસભ્યને ધમકી, ઓફિસનું બોર્ડ મરાઠીમાં રાખો, ગુજરાત કચ્છ રાપરના MLAની ઓફિસના બોર્ડને મુદ્દે MNSના કાર્યકરોએ ધમકાવ્યા
મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર,કેન્દ્રથી માંડીને રાજ્ય સરકારો ગુજરાતી ભાષાને મુદ્દે ગુજરાતીઓને મળી રહેલી ધમકીઓના મામલે ચૂપ

WND Network. Mumbai : ભાજપની સરકારમાં ભાજપના જ ધારાસભ્યને ઓફિસના બોર્ડની ભાષા જેવા સામાન્ય મામલે ધમકાવી ગયાનો એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને સામાન્ય લોકોને હેરાન પરેશાન કરીને ધમકી આપવાની ઘટનાઓ વચ્ચે ગુજરાતના કચ્છમાં આવેલા રાપર વિધાનસભા ક્ષેત્રના બાહુબલી ધારાસભ્યને રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરો ધમકી આપી ગયા છે. MLAની નવી મુંબઈમાં આવેલી ઓફિસના ગુજરાતી ભાષામાં લખેલા બોર્ડને મામલે MNSના કાર્યકરો ધમકી આપી ગયા છે કે, ચોવીસ કલાકમાં ધારાસભ્યના ઓફિસના બોર્ડની ભાષા ગુજરાતીથી બદલીને મરાઠીમાં કરી નાખો. સત્તાના તમામ સ્તરે ભાજપ, વડાપ્રધાન તરીકે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી હોવા છતાં જો ભાજપના MLAને આવી ધમકી મળતી હોય અથવા તો અસુરક્ષિત હોવાનો અહેસાસ થતો હોય તો કલ્પના કરો કે, મુંબઈ - મહારાષ્ટ્રમાં રહેતા ગુજરાતી લોકો - વેપારીઓની શું દશા હશે ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, મહારાષ્ટ્રમાં નવી મુંબઈમાં સેક્ટર 42 ખાતે ગુજરાત કચ્છના રાપર વિધાનસભા ક્ષેત્રના MLA વિરેન્દ્રસિંહ જાડેજાની ઓફિસ આવેલી છે. આ ઓફિસ તેમણે મુંબઈ મહારાષ્ટ્રમાં રહેતા કચ્છી માડુઓને મદદ મળી રહે તેવા આશયથી શરુ કરેલી છે. એકાદ બે દિવસ પહેલા ત્યાં MNSના સચિન કદમ નામના સેક્રેટરી લેવલના નેતા કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા. તેમણે ઓફિસનું સંચાલન કરી રહેલા પાટીદાર સમાજના યુવકને સાફ શબ્દોમાં કહ્યં હતું કે, ધારાસભ્યની ઓફિસનું બોર્ડ ગુજરાતીમાં નહીં પરંતુ મરાઠીમાં લખવું પડશે. આ માટે તેમણે ચોવીસ કલાકનો સમય આપ્યો હતો.
આ મુદ્દે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા કચ્છ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. MLA જાડેજાએ સમગ્ર ઘટના - વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, મુંબઈ મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં કચ્છીઓ વસવાટ કરે છે, તેમની સાથે સંપર્ક જાળવી રાખવા તેમને મદદ કરી શકાય તેવા આશયથી તેમણે તેમના ઓળખીતાને ત્યાં મુંબઈમાં સંપર્ક કાર્યાલય ખોલેલું છે. એકાદ બે દિવસ પહેલા ત્યાં MNS માણસો ગયા હતા, ઓફિસનું બોર્ડ ગુજરાતી નહીં પરંતુ મરાઠીમાં લખવાની સૂચના પણ આપી હતી. જાડેજાએ ઉમેર્યું કે, કચ્છીઓ એવા પણ હશે જેમને ગુજરાતી સિવાય અન્ય ભાષા વાંચતા નહીં આવડતી હોય તો તેવા સંજોગોમાં બોર્ડની ભાષા મરાઠીમાં રાખવી કેટલી ઉચીત છે ?
ઉલ્લેખનીય છે કે, મુંબઈ મહારષ્ટ્રમાં છેલ્લા કેટલાય સમયથી મરાઠી ભાષાને લઈને નોન મરાઠી લોકોને, ખાસ કરીને ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમને ફટકારવાથી લઈને તેમની ઓફિસ - ધંધા રોજગારના સ્થળને પણ નિશાન બનવવામાં આવી રહ્યા છે. મહારષ્ટ્રમાં ભાજપની સરકાર છે. ગુજરાત અને કેન્દ્રમાં પણ ભાજપ છે છતાં ગુજરાતીઓના રક્ષણ મુદ્દે એકપણ ભાજપનો નેતા કશું નથી બોલી રહ્યા. સામાન્ય લોકોને હેરાન કરવાથી શરુ થયેલી આ રાજકીય ગુંડાગીરી ધારાસભ્ય સુધી પહોંચી છે. હવે જોઈએ આપણા સૌના અને કચ્છ પ્રત્યે વિશેષ પ્રેમ હોવાનો વારંવાર ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીભાઈ શું કરે છે.