લથ-પથ અગ્નિપથ, બિહારથી ગુરુગ્રામ સુધી હંગામો, વિદ્યાર્થીઓ રોડ પર, રેલ ટ્રેક જામ...

હિન્દી ભાષી રાજ્યોમાં વર્ષોથી તૈયારી કરી રહેલા યુવાનોમાં આક્રોશને પગલે વાહન વ્યવહાર ખોરવાયો...

લથ-પથ અગ્નિપથ, બિહારથી ગુરુગ્રામ સુધી હંગામો, વિદ્યાર્થીઓ રોડ પર, રેલ ટ્રેક જામ...

વેબ ન્યૂઝ દુનિયા.દિલ્હી : ભારતીય સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી કેન્દ્ર સરકારની 'અગ્નિપથ યોજના'નો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. રાજકીય પક્ષોની સાથે દેશના સામાન્ય યુવાનો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને બિહારમાં હંગામો વધી રહ્યો છે. આ સિવાય ગુરુગ્રામમાં પણ આજે પ્રદર્શન કરવામાં આવ્યું છે. બિહારના જહાનાબાદ, બક્સરમાં આજે વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. જેહાનાબાદમાં તો વિદ્યાર્થીઓએ NH-83 અને NH-110માં આગ લગાવી દીધી હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ યુવાનો ભારતીય સેના ભરતી થવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા તેવામાં સરકારે અગ્નિપથ યોજના જાહેર કરતા યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

કેન્દ્રની અગ્નિપથ સ્કીમના વિરોધમાં છાત્રોના પ્રદર્શનને કારણે બિહારના બક્સર જિલ્લામાં રેલ અને માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બક્સરના રેલવે સ્ટેશન પર લગભગ 100 યુવાનોએ વિરોધ દેખાવો કર્યા હતા. જેના કારણે ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. વિરોધને કારણે જનશતાબ્દી એક્સપ્રેસ લગભગ 30 મિનિટ મોડી પડી હતી. બક્સરમાં આજે પણ વિરોધ પ્રદર્શન ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. 

શા માટે યુવાનો કરી રહ્યા છે વિરોધ ? 

વિરોધ કરી રહેલા યુવાનોએ કહ્યું હતું કે, તેઓ એટલા માટે નિરાશ છે કે, શારીરિક રીતે સ્પષ્ટ હોવા છતાં, સેનાએ બે વર્ષથી તેમની ભરતી કરી નથી. અને દરમિયાન, કેન્દ્ર સરકાર આવી યોજના લાવી છે. જેને લીધે તેમનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે. 

માયાવતીએ પણ વિરોધ જતાવ્યો...

બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ મોદી સરકાર પાસે અગ્નિપથ યોજના પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, દેશના યુવાનો આ યોજનાથી અસંતુષ્ટ અને નારાજ છે. તેમણે લખ્યું છે કે, સેનામાં ભરતીને લાંબા સમય સુધી પેન્ડિંગ રાખ્યા બાદ હવે કેન્દ્રએ આર્મીમાં 4 વર્ષના ટૂંકા ગાળાની નવી ભરતી યોજનાની જાહેરાત કરી છે, તેને આકર્ષક અને ફાયદાકારક ગણાવવા છતાં, દેશના યુવાનો અસંતુષ્ટ અને ગુસ્સે થયા છે. અને એટલે જ તેઓ સૈન્ય ભરતી પ્રણાલીમાં ફેરફારનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.