Salman Khan Firing Case Kutch Bhuj : સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા શાર્પ શૂટર ગુજરાતમાંથી ઝડપાયા, ભુજ ક્રાઇમ બ્રાન્ચે માતાના મઢથી અડધી રાતે ઝડપી લીધા

ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પશ્ચિમ કચ્છ પોલીસના મુંબઈ પોલીસ સાથેના જોઈન્ટ ઓપરેશનમાં મળેલી સફળતા, બંને આરોપીને ભુજ એરપોર્ટથી મુંબઈ લઇ જવાશે

Salman Khan Firing Case Kutch Bhuj : સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા શાર્પ શૂટર ગુજરાતમાંથી ઝડપાયા, ભુજ ક્રાઇમ બ્રાન્ચે માતાના મઢથી અડધી રાતે ઝડપી લીધા

( માતાના મઢ ખાતેથી બંને આરોપીને પકડીને ભુજ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ ખાતે લાવવામાં આવ્યા હતા )

WND Network.Bhuj (Kutch) : રવિવારે મુંબઈમાં બૉલીવુડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બે શાર્પ શુટરને ગુજરાતમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીને મધરાતે માતાના મઢ મંદિર પરિસરથી ઝડપી લેવામાં આવ્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ તેમજ ગુપ્ત બાતમીને આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહીત એક્સટોર્શન બ્રાન્ચ સહિતની વિવિધ એજન્સીઓ પણ આ ઓપરેશનમાં સામેલ હતી. બંને આરોપીમાંથી એક દ્વારા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જયારે બીજો આરોપી કુખ્યાત બિશ્નોઇ ગેંગના માણસો સાથે સંપર્કમાં હતો. માતાના મઢથી બંને આરોપીને રાતે જ ભુજ ખાતે લાવવામાં આવ્યા હતા. ભુજ લાવ્યા બાદ તેમને મુંબઈ પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસ મંગળવાર સવારે જ બંને આરોપીને લઈને ભુજ એરપોર્ટથી મુંબઈ ખાતે લઇ જવા રવાના થઇ ગઈ હતી.  

મુંબઈમાં સલમાન ખાનના ઘર ગેલેક્ષી ઉપર રવિવારે સવારે ફાયરિંગ કરીને ભાગી ગયેલા બે શાર્પ શૂટર ગુજરાતમાં કચ્છ ખાતે છુપાયા હોવાની ટિપ્સ મળતા મુંબઈ પોલીસ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને પગલે ભુજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા તેમની ટીમ દ્વારા માતાના મઢ મંદિર પરિસરમાંથી મૂળ બિહારના 24 વર્ષના વિકી સાહેબ ગુપ્તા તેમજ સાગર શ્રીજોગેન્દ્ર પાલ (21)ને ઉપાડી લીધા હતા. વિકી સાહેબ ગુપ્તા નામના શાર્પ શૂટર દ્વારા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગની ઘટના પહેલા અને બાદ બીજો આરોપી સાગર બિશ્નોઇ ગેંગના સંપર્કમાં હતો. મુંબઈમાં ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપી પોલીસથી બચવા માટે કચ્છમાં છુપાવા માટે આવ્યા હતા. પરંતુ ટેક્નિકલ સર્વેલન્સ તેમજ સોર્સની બાતમીને પગલે ભુજ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. 

બોર્ડર રેન્જના નવનિયુક્ત આઇજી ચિરાગ કોરડિયાએ 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર પોલીસ તરફથી સૂચના મળતા જ અમે પશ્ચિમ કચ્છ પોલીસને એલર્ટ મોડ ઉપર લાવી લીધી હતી. સમગ્ર મામલો હાઈ પ્રોફાઈલ શાર્પ શૂટર કેસનો હોવાથી સિક્રેટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આરોપી ભાગી ન જાય તેમજ અન્ય લોકોને નુકશાન ન થાય તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવી હતી.

પશ્ચિમ કચ્છ પોલીસના DIG મહેન્દ્ર બગરીયાએ સલમાન ખાનને ઘરે ફાયરિંગ કરનાર બંને આરોપીને ભુજ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેવાની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, સોમવારે રાતે ગુપ્ત માહિતીને પગલે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર ઓપરેશનને અંજામ આપનારા પશ્ચિમ કચ્છ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સિંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સોમવારે સાંજે અમને આરોપીનું લોકેશન નખત્રણાનું મળ્યું હતું. જેને પગલે અમે સતત તેમનો પીછો કરી રહ્યા હતા. આરોપીઓ માતાના મઢ પરિસરમાં હોવાનું કન્ફર્મ થતા જ અમે મોરચો સાંભળી લીધો હતો. આરોપીઓને રાતે દોઢ વાગે જ ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ભુજ LCB કચેરીએ લાવવવામાં આવ્યા હતા. ભુજમાં તેમને મુંબઈથી આવેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોંપી દેવામાં આવ્યા હોવાનું પોલીસ ઇન્સ્પેકટર ચુડાસમાએ અંતમાં ઉમેર્યું હતું.  

ઝીંદગીમાં પહેલી વખત ફાયરિંગ કર્યું અને ઝડપાઇ ગયા : ભુજમાંથી ઝડપાયેલા બંને આરોપીએ બિશ્નોઇ ગેંગ સાથે કોન્ટ્રેક્ટ કિલિંગ આધારિત સોપારી લીધી હતી. પોલીસમાં તેમની હજુ સુધી કોઈ ક્રાઇમ હિસ્ટ્રી પણ નથી. VPN એટલે કે વર્ચુઅલ નંબરથી બિશ્નોઇ ગેંગ સાથે તેમણે સલમાન ખાન ઉપર ફાયરિંગ કરવાની સોપારી લીધી હતી. જો કે પોલીસની ઝડપી અને સઘન ઇન્વેસ્ટીગેશનને પગલે તેઓ ભારત બહાર ભાગી જાય તે પહેલા જ તેમને ઉપાડી લેવામાં આવ્યા હતા. 

ભુજથી પ્લેનમાં મુંબઈ લઇ જવાશે : બિશ્નોઇ ગેંગ સાથે સંકળાયેલા બંને આરોપી નવા નિશાળિયા છે પરંતુ હાઈ પ્રોફાઈલ કેસ અને બિશ્નોઇ ગેંગના ખતરાને ધ્યાનમાં રાખીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગણતરીના કલાકોમાં જ બંને ને ભુજથી હવાઈ માર્ગે પ્લેનમાં મુંબઈ લઇ જવાની હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 

પશ્ચિમ કચ્છ અને મુંબઈ પોલીસની એજન્સીઓનું સંકલન કામે લાગ્યું : સલમાનના ઘરે રવિવારે ફાયરિંગ થયું ત્યારથી જ મુંબઈની પોલીસ હરકતમાં આવી ગઈ હતી. સલમાનને ફેસબુક અને અન્ય માધ્યમથી ધમકી આપવામાં આવી હતી તેનું IP એડ્રેસ લોકેટ કરીને તાબડતોડ ટેક્નિકલ સર્વેલન્સ શરુ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત CCTV ફૂટેજ પણ પોલીસને કામે લાગ્યા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને જેવી ખબર પડી કે આરોપીઓ ગુજરાતના કચ્છમાં લોકેટ થયા છે કે તરત તેમણે આ અંગે માહિતી આપીને પશ્ચિમ કચ્છ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને એલર્ટ કરી દીધા હતા. દરમિયાન પોલીસે ખંડણી અંગેના કેસ માટે રચવામાં આવેલી એક્સટોર્શન બ્રાન્ચને પણ કામે લગાડવામાં આવી હતી. ઓપરેશન બાદ માતાના મઢ પોલીસ પોલીસ પણ તરત જ મંદિર પરિસરની આસપાસ ગોઠવીને આરોપીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભુજ લઇ જવામાં આવ્યા હતા.