નરેન્દ્ર મોદીએ શા માટે પૂર્વ ચૂંટણી કમિશનર લિંગદોહને તેમના પુરા નામ 'જેમ્સ માઈકલ લિંગદોહ' થી સંબોધિત કરેલા ?

નરેન્દ્ર મોદીએ શા માટે પૂર્વ ચૂંટણી કમિશનર લિંગદોહને તેમના પુરા નામ 'જેમ્સ માઈકલ લિંગદોહ' થી સંબોધિત કરેલા ?

WND Network.Ahmedabad :- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં થઈ રહેલા વિલંબને કારણે વિપક્ષ સહીતના લોકો ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સામે શંકાની નજરે જોઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરતી વખતે પણ મીડિયાએ ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારને આ અંગે પ્રશ્નો કર્યા હતા. જેમાં રાજીવકુમારે બંને રાજ્યની ભૌગોલિક સ્થિતિ અલગ છે તેમજ ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી કાર્ય કરી રહ્યું છે તેવો જવાબ આપ્યો હતો. બહુ ઓછા લોકોને ખબર છે કે, હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ? અથવા તો રાજીવ કુમાર કોણ છે ? રાજીવકુમાર 25માં મુખ્ય ચૂંટણી કમિશનર છે. પરંતુ એક સમય હતો જયારે દેશમાં નાના મોટા સૌ લોકો જાણતા હતા કે, ટી.એન.શેષન અથવા લિંગદોહ કોણ છે. કારણ કે આ બે વ્યક્તિ એવા છે જેમણે એવું સ્થાપિત કર્યું હતું કે,વાસ્તવમાં ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સ્વતંત્ર- સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ગુજરાતમાં ગોધરાકાંડ અને ત્યાર પછીના કોમી રમખાણો પછી તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જયારે નિયત સમય કરતા નવ મહિના પહેલા વિધાનસભાને વિખેરી ચૂંટણી કરવાનું નક્કી કર્યું હતું ત્યારે તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર લિંગદોહે તેમને અટકાવ્યા હતા. કેન્દ્રમાં ભાજપ-એનડીએની વાજપેયી સરકાર હોવા છતાં લિંગદોહ તેમના નિર્ણયમાં અડગ રહ્યા હતા. જેને તત્કાલીન રાષ્ટ્રપતિ કલામ સહીત ખુદ વાજપેયી અને સુપ્રિમ કોર્ટે પણ ચૂંટણી પંચના અધિકાર અને લિંગદોહના નિર્ણયને બરકરાર રાખ્યો હતો. અને તે જ અરસામાં નરેન્દ્ર મોદીએ એક જાહેર સભામાં ચીફ ઈલેક્શન કમિશનર જે.એમ.લિંગદોહને તેમના પુરા નામ જેમ્સ માઈકલ લિંગદોહ તરીકે સંબોધિત કરીને વિવાદને જન્મ આપ્યો હતો.  

16મી ઓગસ્ટ,2002ના રોજ મુખ્ય ચૂંટણી કમિશ્નર જે.એમ.લિગદોહના નેતૃત્વવાળા ઈલેક્શન કમિશને ગુજરાતમાં ચૂંટણી યોજવા માટે યોગ સમય નથી એમ કહીને ચૂંટણી ટાળી દીધી હતી. બરાબર ચાર દિવસ પછી વડોદરા પાસે આવેલા બારડોલીમાં 20મી ઓગસ્ટ,2002ના રોજ નરેન્દ્ર મોદીની એક જાહેર સભા મળી હતી. જેમાં મોદીએ લિંગદોહનું પૂરું નામ 'જેમ્સ માઈકલ લિંગદોહ' બોલીને તેઓ ઈસાઈ સમુદાયમાંથી આવે છે તેવો આડકતરો ઈશારો કરીને તેનું કનેક્શન સોનિયા ગાંધી જોડ્યું હતું. પત્રકારોએ જયારે લિંગદોહના નામ અંગે મોદીને પૂછીને ચર્ચમાં કોણ મળે છે તેવો પ્રશ્ન કર્યો હતો ત્યારે નરેન્દ્ર મોદીએ 'મળી શકે છે' એમ કહીને સમગ્ર વાતને નેશનલ મીડિયાની હેડલાઈન કરવા મજબુર કરી દીધા હતા. 

આજે વીસ વર્ષ પછી સમય બદલાઈ ગયો છે. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનમાંથી વડાપ્રધાન બની ગયા છે. મોદી અને વાજપેયીમાં આસમાન-જમીનનો તફાવત છે. ગુજરાત અને હિમાચલની ચૂંટણી તારીખો અંગે જયારે વિપક્ષ સવાલ કરી રહ્યો છે ત્યારે હવે આ જ ભાજપ કહી રહ્યો છે કે, ચૂંટણી પંચ એ એક સ્વતંત્ર-સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. જો કે, એ અલગ વાત છે કે, શેષન કે લિંગદોહ બાદ કોઈ એવા મુખ્ય ચૂંટણી કમિશનર આવ્યા નથી જેમણે કેન્દ્ર સરકારનો કાન આમળ્યો હોય.

વિવિધ સરકારી કાર્યક્રમોની ભરમાર વચ્ચે ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો અંગે મૌન :- ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગેની તારીખો કયારે જાહેર થશે તે કોઈને ખબર નથી. સૌ પોતાની રીતે અનુમાનો લગાવી રહ્યા છે. તેવામાં જે રીતે ગુજરાતની સરકાર કાર્યક્રમો કરી રહી છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોગ્રામ સેટ કરવામાં આવી રહ્યા છે તેને જોતા હાલ કોઈ જાહેરાત થાય તેમ લાગતું નથી. ભરતી અને બદલીઓની મોસમ પણ પૂરબહારમાં છે. નરેન્દ્ર મોદી પણ વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે. તેને જોતા ગુજરાતના રાજકારણને સમજનારા લોકો એવી પણ માર્મિક ટિપ્પણી કરી રહ્યા છે કે, શું ચૂંટણી પંચ રાહ જોઈ રહ્યું છે કે કયારે ગુજરાત સરકારના કાર્યક્રમો પુરા થાય. અને તે પછી તેઓ ચૂંટણીની તારીખો જાહેર કરે.