ICC Cricket world Cup Final 2023 : સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવમાં નરેન્દ્ર મોદી ફાઇનલ મેચ જોવા આવશે, ઓસ્ટ્રેલિયાનાં Dy PM પણ આવે તેવી સંભાવના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંગ ધોની સહીત અનેક સેલિબ્રેટી પણ મેચ જોવા માટે અમદાવાદ આવશે, અમદાવાદ પોલીસ પણ તૈયાર

ICC Cricket world Cup Final 2023 : સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવમાં નરેન્દ્ર મોદી ફાઇનલ મેચ જોવા આવશે, ઓસ્ટ્રેલિયાનાં Dy PM પણ આવે તેવી સંભાવના

WND Network.Ahmedabad : અમદાવાદના મોટેરા (Motera) ખાતે આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના સ્ટેડિયમમાં આગામી રવિવારે યોજાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે ઇન્ડિયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવી રહ્યા છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમે મુંબઈમાં વર્લ્ડકપની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અને હવે તેનો સામનો ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાથે છે ત્યારે આ ગ્રાન્ડ મેચને લઈને અમદાવાદના લોકોમાં પણ અભૂતપૂર્વ રોમાંચ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયાના PM નરેન્દ્ર મોદી ઉપરાંત બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)નાં સેક્રેટરી જય શાહના પપ્પા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah), ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંગ ધોની (MS Dhoni), ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ સહીત અનેક VIP તેમજ સેલિબ્રેટી આ મેચ જોવા માટે અમદાવાદ આવી રહ્યા છે. સવા લાખ જેટલા ક્રિકેટના ચાહકો સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના સ્ટેડિયમમાં મેચ જોવા આવી રહ્યા છે ત્યારે લાખોની મેદની અને વડાપ્રધાન સહિતના VVIP લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે અમદાવાદ પોલીસ દ્વારા પણ જડબેસલાક તૈયારીઓ કરવામાં આવી છે.  

19મી નવેમ્બરના રવિવારે બપોરે યોજાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચના પહેલા ઇન્ડિયન એરફોર્સની 'સૂર્ય કિરણ' એરોબેટિક ટીમ દ્વારા દસ મિનિટનો એક રોમાંચક એર શોનું પણ આયોજન કરવામાં આવેલું છે.અભૂતપૂર્વ ઉત્સાહના વાતાવરણ વચ્ચે યોજાનારી આ મેચમાં ઇન્ડિયાની ક્રિકેટ ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થઇ રહ્યો છે.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (ICC Cricket world Cup Final 2023)ની ફાઇનલ મેચમાં ઇન્ડિયાની ક્રિકેટ ટીમ પાંચ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકેલા ઓસ્ટ્રેલિયા સાથે વીસ વર્ષ પહેલાની હારનો બદલો લેશે. વર્ષ 2003માં ઓસ્ટ્રેલિયાએ ઇન્ડિયાની ક્રિકેટ ટીમને 125 રનથી હાર આપીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. પરંતુ આ વખતે સતત નવ વખત વિજેતા રહેલા ઇન્ડિયાને હરાવવું ઓસ્ટ્રેલિયા માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. કારણ કે હાલમાં ઇન્ડિયાની ટીમ જોરદાર ફોર્મમાં છે. ઇન્ડિયન ટીમનાં સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપ દરમિયાન 711 રન બનાવીને ઈતિહાસ રચ્યો છે. કોહલી વર્લ્ડ કપમાં 700થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે મુંબઈની સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 117 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં આ તેની ત્રીજી સદી હતી. મોહમ્મદ શમીએ 6 મેચમાં 23 વિકેટ લીધી છે ત્યારે અમદાવાદની ધરતી ઉપર પણ ફાઇનલ મેચ દરમિયાન આ બંને ક્રિકેટર તેમનું જોરદાર પ્રદર્શન કરે તેવી સંભાવના છે.

પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક - અમે તૈયાર છીએ, મેચના દિવસે મેટ્રોનો ઉપયોગ કરવો : ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચ માટે જેટલો ઉત્સાહ લોકોમાં છે એટલી જ જડબેસલાક તૈયારી અમદાવાદ પોલીસની પણ છે. ક્રિકેટના લાખો ચાહકો તેમજ સેલિબ્રેટી અને VIP લોકોની હાજરીને પગલે અમદાવાદ શહેર સિક્યોરિટીની દ્રષ્ટિએ લોખંડી કિલ્લામાં ફેરવાય જાય તેવી શક્યતા છે. રવિવારે બપોર બાદ યોજાનારા આ કાર્યક્રમને લઈને અમદાવાદ પોલીસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ આરંભ કરી દેવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે (IPS G S Malik) ગ્રાન્ડ ફાઇનલ મેચની સુરક્ષા વ્યવસ્થા અંગે અમદાવાદ પોલીસ દ્વારા પૂરતી તૈયારી કરી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે ચર્ચા કરતા પોલીસ કમિશનર મલિકે ઉમેર્યું હતું કે, મેચના દિવસે સ્ટેડિયમમાં આવનારા સહિતના લોકોએ ભીડ - ટ્રાફિકથી બચવા માટે વધુમાં વધુ મેટ્રોનો ઉપયોગ કરે તે જરૂરી છે. પોલીસ દ્વારા સ્ટેડિયમ તેમજ શહેરના તમામ વિસ્તારોમાં PCR વેન દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત સોસીયલ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પણ પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવશે. કોઈપણ જગ્યાએ લોકોને તકલીફ પડે તો ઉપસ્થિત પોલીસ સિવાય કંટ્રોલ રૂમના નંબર ઉપર સંપર્ક કરવાની પણ અમદાવાદના કમિશનર ઓફ પોલીસ જી.એસ.મલિક દ્વારા અપીલ કરવામાં આવી છે.  

અમદાવાદની ફ્લાઇટ અને હોટેલના ભાવમાં સામાન્ય વધારો : અમદાવાદની યોજાનારી ક્રિકેટની ફાઇનલ મેચને લઈને ઘણી અવનવી અને અફવા કહી શકાય તેવી વાતો ચાલી રહી છે. જેમાં અમદાવાદની ફ્લાઇટના તેમજ હોટેલના રૂમના ભાડા વધી ગયા હોવાની વાત મોખરે છે. સ્વાભાવિક છે કે આટલી મોટી સંખ્યામાં લોકો જયારે અમદાવાદ આવી રહ્યા હોય ત્યારે ફ્લાઇટ અને હોટેલના રેટમાં વધારો થાય. પરંતુ આ વધારો એટલો મોટો પણ નથી. દિલ્હીથી અમદાવાદ વચ્ચેની જે ફ્લાઇટ ત્રણથી સાડા ત્રણ હજાર મળતી હોય છે તે મેચના દિવસે આઠથી દસેક હજાર સુધીમાં ઓનલાઇન જોવા મળી રહી છે. તેવી જ રીતે સામાન્ય ડિલક્સ હોટેલથી લઈને થ્રી કે ફોર સ્ટાર સુધીની હોટેલમાં રવિવારે પાંચ હજારથી લઈને પંદર હજાર સુધી રૂમ મળી રહ્યો છે. સામાન્ય રીતે ફ્લાઇટ અને હોટેલના ભાવ ઓનલાઇન સિસ્ટમમાં ડાયનેમિક્સ પ્રાઇસ આધારિત હોય છે. (ફ્લાઇટ અને હોટેલના રૂમના ભાવ ન્યૂઝ લખતી વેળાએ શુક્રવારે સવારે ઓનલાઇન સર્ચ કરવામાં આવેલા રેટ પ્રમાણે છે)