ડૉ. કિરણ પટેલ તો મી.નટવરલાલ નિકળ્યા, PMOના નકલી ઓફિસરને કાશ્મીર પોલીસે ફાઈવ સ્ટાર હોટેલમાંથી દબોચી લીધા

તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યલયમાં પણ જોવા મળતાં હતા

ડૉ. કિરણ પટેલ તો મી.નટવરલાલ નિકળ્યા, PMOના નકલી ઓફિસરને કાશ્મીર પોલીસે ફાઈવ સ્ટાર હોટેલમાંથી દબોચી લીધા

WND Network.Gandhinagar : વર્ષો પહેલા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સમયગાળા દરમિયાન ગાંધીનગરમાં CMOમાં જોવા મળતાં ડૉ.કિરણ પટેલ નામના વ્યક્તિને કાશ્મીરમાં શ્રીનગર પોલીસે હોટેલમાંથી દબોચી લીધા છે. નવી દિલ્હી ખાતે વડાપ્રધાન કાર્યાલય (PMO)માં ઓફિસર હોવાની ખોટી ઓળખ આપીને કિરણ પટેલ નામની આ વ્યક્તિ છેલ્લા ચાર મહિનાથી કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરિટી મેળવીને ફરી રહી હતી. કાશ્મીરના સીઆઇડી ક્રાઇમને બાતમી મળી હતી કે, કિરણ પટેલ નામની વ્યક્તિ PMOના અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને કાશ્મીરમાં સરકારી જોખમે અને ખર્ચે જલસા કરી રહી છે. અને તેને આધારે શ્રીનગર પોલીસ દ્વારા ગુરુવારે તેમની સામે કાર્યવાહી કરવામાં આઈ હતી. શ્રીનગર પોલીસે કિરણ પટેલને ફાઈવ સ્ટાર હોટેલમાંથી જ દબોચી લઈએં તેમની સામે વિધિવત ગુન્હો દાખલ કર્યો હતો.   

ગત ઓક્ટોબ,2022થી કાશ્મીરમાં ડેરા તંબુ તાણીને બેઠેલા ડૉ.કિરણ પટેલ નામના આ વ્યક્તિએ પોતે વડાપ્રધાન કાર્યાલયનો એડિશનલ ડિરેક્ટર હોવાની ખોટી ઓળખ આપીને કાશ્મીરના વિવિધ એરિયામાં પોલીસ પ્રોટેક્શન સાથે ફરી ચુક્યો છે. કાશ્મીરની લોકલ પોલીસ તેની આગળ પાછળ ફરતી હોય અને બેકગ્રાઉન્ડમાં દેશભક્તિના ગીતો વાગતા હોય તેવા વિડિઓ ખુદ કિરણ પટેલે તેના સોસીયલ મીડિયાના એકાઉન્ટમાં શેર કરેલા છે. જે તેમની ધરપકડ બાદ લોકોએ ફરીથી વાયરલ કર્યા છે. સૂત્રોનું માનીએ તો કાશ્મીરમાં PMOને નામે થયેલી સુરક્ષા વ્યવસ્થાની આ એક મોટી અને ગંભીર ચૂક છે. આ સમગ્ર કાંડને જોતા એવું પણ લાગી રહ્યું છે કે, ગાંધીનગર CMOથી માંડીને દિલ્હીમાં PMOમાંથી કોઈકે કિરણ પટેલને મદદ કરી હોય શકે. 

શ્રીનગર પોલીસ દ્વારા હાલ તો મી. નટવરલાલ એવા ડૉ.કિરણ પટેલ સામે કલમ 419, 420, 468 અને 471 મુજબ કાર્યવાહી કરીને હોટેલમથી જ પકડી લીધા છે. ચાર મહિનાથી કાશ્મીરમાં સરકારી મહેમાનગતિ માણી રહેલા આ ઠગે સંવેદનશીલ ઉરીની બોર્ડર પોસ્ટથી લઈને, LoC ઉપરાંત આર્મીના ઓપરેશનલ એરિયામાં મુલાકાત લીધી છે. માત્ર એટલું જ નહીં પરંતુ, દિલ્હીથી આવેલા ખાસ ઓફિસરની રૂએ શ્રીનગરમાં તેઓ સરકારી મિટિંગ પણ કરતા હોવાનું બહાર આવ્યું છે.  

ભાજપના ટોચના નેતાઓ સહીત હજારો લોકો છે ફોલોઅર્સ  નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી સત્તાની સમાંતર જોવા મળતા ડો.કિરણ પટેલ નામની આ વ્યક્તિની હાજરી જે તે સમયે CMOની બેક ઓફિસમાં અચૂક જોવા મળતી હતી. હિતેશ પંડ્યા નામના એક અધિકારીના માણસ તરીકે તેમને ઓળખવામાં આવતા હતા. જો કે, પંડ્યાએ જાહેરમાં આ અંગે કોઈ ખુલાસો કરેલો નથી અને તેઓ કિરણ પટેલને ઓળખતા જ નથી તેવો ગાંધીનગરમાં પત્રકારો સમક્ષ કરેલો છે. ભાજપ અને સરકારના સપોર્ટ વિના કિરણ પટેલ આટલી હદે જાય તે વાત કોઈના ગળે નથી ઉતરી રહી. સૂત્રોએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, કિરણ પટેલની હરકતો અંગેની માહિતી દિલ્હીમાં રાયસીના હિલ્સ સુધી પહોંચતા તેમને કટ ટુ સાઈઝ કરવાના મક્સદથી આ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે. ચાર મહિનાથી કાશ્મીરમાં સરકારી મિજબાની માણતાં કિરણ પટેલનું ઇનપુટ કાશ્મીરની સીઆઇડી ક્રાઇમને હવે અચાનક કેવી રીતે હાથ લાગ્યું તે વાત પણ ગાંધીનગર અને દિલ્હીના ભાજપના લોકોને ગળે નથી ઉતરી રહ્યું. ઉલ્લેખનીય છે કે, કાશ્મીર કેન્દ્રશાસિતનો દરજ્જો ધરાવતું હોવાને કારણે તેનો બધો વહીવટ ઉપ-રાજ્યપાલ મારફતે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલો છે.