ચીન હૈ કી માનતા નહીં, દેપસાંગ સીમાથી સૈન્ય પાછું ખેંચવાની સાફ ના, વિશ્વગુરુ સામે ચીનાઓ લાલ આંખ કરી રહ્યા છે...

ભારતે લદાખમાં આવેલા 65માંથી 26 પેટ્રોલિંગ પોઇન્ટ ગુમાવ્યા ? કોંગ્રેસનો દાવો, ચીન આપણી સરહદમાં 18 કિમી અંદર ઘૂસી આવ્યું છે !

ચીન હૈ કી માનતા નહીં, દેપસાંગ સીમાથી સૈન્ય પાછું ખેંચવાની સાફ ના, વિશ્વગુરુ સામે ચીનાઓ લાલ આંખ કરી રહ્યા છે...

WND Network.New Delhi : એક તરફ આખી દુનિયા ભારતના વર્ચસ્વને સ્વીકારીને પગે પડી રહ્યું છે ત્યારે બીજી તરફ ચીનાઓ ભારત સામે લાલ આંખ કરી રહ્યા છે. ખંધા ચીને 18માં તબક્કાની સૈન્ય વાટાઘાટો દરમિયાન તેની આર્મીને દેપસાંગ સરહદેથી ખસેડવાની સાફ ના પાડી દીધી છે. માત્ર એટલું જ નહીં પરંતુ પૂર્વીય લદ્દાખના વિસ્તારમાં ભારતીય સરહદની અંદર 15 થી 20 કિ.મી. વિસ્તારનો બફર ઝોન બનાવવા ચીનની માગ કરી છે. જે ભારત માટે માનવી અશક્ય છે. ભારતે સરહદે તણાવ ઘટાડવા માટે ૩-૪ કિ.મી.ના વિસ્તારને બફર ઝોન બનાવવાની ઓફરને નકારી કાઢતાં ચીનના આર્મીએ તેના સૈનિકોને સરહદેથી પાછા ખેંચવા માટે લાઈન ઓફ એકચુઅલ કંટ્રોલ - એલએસી (LAC) નહીં, પરંતુ ભારતીય સરહદની અંદર ૧૫થી ૨૦ કિ.મી. વિસ્તારને બફર ઝોન બનાવવાની માગણી કરી છે તેવો દાવો અંગ્રેજી અખબાર ધ ટેલીગ્રાફના અહેવાલમાં કરવામાં આવ્યો છે.  

ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ - આઈટીબીપી (ITBP)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચીનના સૈન્ય પીએલએ (PLA )ના અધિકારીઓએ ગયા મહિને યોજાયેલી કોર્પ્સ કમાન્ડરની ૧૮મા તબક્કાની બેઠક દરમિયાન આ માગ કરી હતી અને ત્યાર પછી નીચલા સ્તરની સૈન્ય વાટાઘાટો દરમિયાન તેણે તેની આ માગણી પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ચીની સૈન્ય ભારતના દાવા હેઠળની સરહદમાં ૧૮ કિ.મી. સુધી અંદર ઘુસી ગયું છે અને હવે તે વધુ અંદર ૧૫-૨૦ કિ.મી. સુધીના બફર ઝોનની માગણી કરી રહ્યું છે. ચીનના પ્રયત્નોથી સ્પષ્ટપણે એવું જણાઈ રહ્યું છે કે તે આ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખની યથાસ્થિતિ સુધારીને નવી લાઈન બનાવવા પર આક્રમક રીતે કામ કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતે ચીનની 'અન્યાયી' માગણી નકારી કાઢી છે અને મડાગાંઠ ઉકેલવા માટે વાટાઘાટોનો માર્ગ ચાલુ રાખ્યો છે.

ચીને મે ૨૦૨૦માં પૂર્વીય લદ્દાખમાં ભારતીય સરહદનો ભંગ કર્યા પછી દેપસાંગ એકમાત્ર એ વિસ્તાર છે જ્યાંથી સૈનિકોને પાછા ખેંચવામાં આવ્યા નથી અને હજુ પણ બંને પક્ષે સૈનિકોનો આમને-સામને જમાવડો છે. સૈન્ય સૂત્રોએ જણાવ્યું હતું કે, સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયાના ભાગરૂપે ગલવાન ખીણમાં ૩ કિ.મી., પેન્ગોંગ સરોવર ખાતે ૧૦ કિ.મી., ગોગરા ખાતે ૩.૫ કિ.મી અને હોટ સ્પ્રિંગ ખાતે ૪ કિ.મી. વિસ્તારમાં બફર ઝોન બનાવાયો છે. ભારતીય સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચીની સૈન્યની ભારતીય સરહદની અંદર ૧૫-૨૦ કિ.મી. બફર ઝોન બનાવવાની 'ગેરકાયદે' માગ ક્યારેય સ્વીકારવામાં નહીં આવે. જોકે, ભારતના પૂર્વ અધિકારીઓ દાવો કરે છે તેમ તણાવપૂર્ણ અન્ય વિસ્તારોમાં બનાવાયેલા બફર ઝોન ચીનની શરતો મુજબ બનાવાયા હોવા અંગે સૈન્ય અધિકારીએ ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

ચીનની ઘૂસણખોરી સામે ભારતના બેવડા માપદંડથી નુકશાન :- ભારતના એક પૂર્વ લેફ્ટનન્ટ જનરલે આક્ષેપ કર્યો હતો કે, લદ્દાખમાં ચીની ઘૂસણખોરી સામે કામ કરવામાં ભારતના 'બેવડાં ધોરણો'એ દેશના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાને નુકસાન પહોંચાડયું છે. અન્ય એક નિવૃત્ત મેજર જનરલે કહ્યું હતું કે, સરકારે બફર ઝોન બનાવવા માટે સંમતિ આપીને ચીનને વધુ પ્રદેશ સોંપી દીધો છે. હવે દેપસાંગના મેદાનોમાં તેઓ વધુ મોટો બફર ઝોન ઈચ્છે છે.  દરમિયાન ભારત સરકાર અત્યાર સુધી સતત લદ્દાખમાં ચીનની કોઈપણ પ્રકારની ઘૂસણખોરીનો સતત ઈનકાર કરતી આવી છે.

લદાખમાંથી ભારતે 26 પેટ્રોલિંગ પોઇન્ટ ગુમાવ્યા :- જાન્યુઆરી,2023માં નવી દિલ્હી ખાતે આયોજિત થયેલી પોલીસની ડીજીપી કોન્ફ્રન્સ દરમિયાન એક IPS અધિકારી દ્વારા રજુ કરવામાં રિસર્ચ પેપરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત લદાખમાંથી 65 પેટ્રોલિંગ પોઇન્ટમાંથી 26 પોઇન્ટ તો ગુમાવી ચૂક્યું છે. ચીની ઘૂસણખોરીને પગલે ભારતે તેની પૂર્વીય લદાખની સીમાએ આવેલા આ પોઇન્ટ ગુમાવ્યા છે. ભારત ચીન બોર્ડરના દેપસાંગના મેદાનો ચીન દ્વારા ગેરકાયદે રીતે કબ્જે કરવામાં આવેલા અકસાઈ ચીનની પશ્ચિમે આવેલો સરહદી વિસ્તાર છે. જે લશ્કરી વ્યૂહાત્મક રીતે ખુબ જ મહત્વપૂર્ણ છે.  

મોદી સરકારે ગલવાન અને પેંગોંગ જેવા વિસ્તારો છોડી દીધા છે ? :- આખી દુનિયાને ઘૂંટણીએ પાડતું ભારત ચીનની વાત આવે છે ત્યારે કયાંક ને કયાંક ઢીલું પડતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે વિપક્ષ કોંગ્રેસ પણ મોદી સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોસીયલ મીડિયા ઉપર એવો દાવો કર્યો છે કે, કેન્દ્રની મોદી સરકાર પૂર્વીય લદાખ સરહદે સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. અને સતત એવો પ્રચાર કરીને ચીનને ક્લીન ચીટ આપી રહી છે કે, ભારતની કોઈ જમીન ચીને પડાવી નથી. જેની કિંમત આજે દેશ ચૂકવી રહ્યો છે. કોંગ્રેસના નેતાએ તો એવો પણ દાવો કર્યો છે કે, દેપસાંગના મેદાની વિસ્તારમાં ઇન્ડિયન આર્મીની પેટ્રોલિંગ પાર્ટીને છેલ્લા ત્રણ વર્ષથી ચીન દ્વારા રોકવામાં આવી રહી છે. આપણ ને હવે ખબર પડી છે કે, ચીન હટવાનું તો દૂર, ઉલટાનું આપણી સરહદમાં 18 કિમી સુધી ઘુસી આવ્યું છે. ચીનની પીછેહઠની માંગણીને બદલે કેન્દ્રની મોદી સરકારે બફર ઝોન માટેની સંમતિ વ્યકત કરીને ભારતના ગલવાન, પેંગોંગ, ગોગરા પોસ્ટ, હોટ સ્પ્રિંગ જેવા એરિયાની ભારતની જમીન પણ ગુમાવી દીધી છે.  

વિશ્વ ભ્રમણ બાદ ભારત આવીને વડાપ્રધાન મોદી લાલ આંખ કરશે :- ભલભલા ચમરબંધીઓને ન છોડનારા આપણા વિશ્વગુરુ વડાપ્રધાન હાલમાં વિશ્વ ભ્રમણે છે. તેવામાં ચીનના વિવાદને લઈને તેઓ સ્વદેશ પાછા આવે તેની રાહ જોવામાં આવી રહી છે. તેઓ જેવા ભારતની ધરતી ઉપર પગ મુકશે કે તરત જ ચીનાઓને તેમની આ હરકત બદલ આકરો જવાબ આપવામાં આવશે તેવું જાણકારો માની રહ્યા છે. દેશના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાને નુકશાન કરે તેવા કોઈ દેશને ન સાંખી લેનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન સામે  લાલ આંખ કરશે.