જાણો, કચ્છની કઈ સંસ્થા થકી મહાઠગ સંજય શેરપુરીયા તત્કાલીન CM નરેન્દ્ર મોદી વખતે ગાંધીનગરમાં CMO સુધી પહોંચ્યો હતો..?

સંજયના લિસ્ટમાં J&Kના રાજ્યપાલ મનોજ સિન્હા સહીત ગુજરાતના નિવૃત્ત IAS-IPS અને ડિફેન્સના ટોચના ઓફિસર્સના નામ...

જાણો, કચ્છની કઈ સંસ્થા થકી મહાઠગ સંજય શેરપુરીયા તત્કાલીન CM નરેન્દ્ર મોદી વખતે ગાંધીનગરમાં CMO સુધી પહોંચ્યો હતો..?

WND Network.Gandhidham (Kutch)  : જેના નામનાં એક સમયે દિલ્હી દરબારમાં સિક્કા પડતા હતા તેવા સંજય શેરપુરિયાને યુપી પોલીસ દ્વારા ઝડપી લીધા બાદ એક પછી એક અવનવી અને ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. જેમાં, ખાસ કરીને સંજયના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એરપોર્ટ ઉપર આંખોમાં આંખો નાખી હાથમાં ગુલદસ્તો લઈને આવકારતા ફોટાથી તો લોકોની આંખો પહોળી થઇ ગઈ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ઓળખતા હશે ? કોણે સંજયની મુલાકાત કરાવી હશે ? અને આવા પ્રશ્નો થાય તે સ્વાભાવિક પણ છે. જાહેર જીવનમાં રહેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈને તો હજારો નહિ પણ લાખો-કરોડો ઓળખતા હોય તેવામાં સંજય કયાંથી તેમની નજીક પહોંચી ગયો હશે ? 

સંજયની ધરપકડ પછી  જો તેની કદાચ સૌથી વધુ ચર્ચા થતી હશે તો તે ગુજરાતના કચ્છ જિલ્લાનું શહેર ગાંધીધામ છે. કારણ કે, અહીંથી જ તેણે દિલ્હી દરબારનો રોડમેપ તૈયાર કર્યો હતો. અને ગાંધીધામમાં જ તેનાથી પીડિત અથવા તો છેતરાયેલા લોકોની સંખ્યા મોટી છે. સૂત્રોનું માનીએ તો, વર્ષો પહેલા સંજય રાય શેરપુરીયાએ એક સામાન્ય વ્યક્તિ તરીકે તેના જીવનની શરૂઆત ગાંધીધામનાં ચાવલા ચોકની પાસે આવેલી હોટેલ મરીનાથી કરી હતી. અહીં તેને હોટેલના મલિક એવા આદિપુરના રહેવાસી માણેક ઉર્ફે પપ્પી ચેલાણીનો વિશ્વાસ સંપાદિત કરીને તેમની દીકરી સાથે લગ્ન કરી લીધા હતા. જેને પગલે તેની પાસે પપ્પી ચેલાણીના સીધી લીટીના વારસદાર તરીકે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન (SRC)ની BBZ-S-14ની કરોડો રૂપિયાની સંપત્તિ હાથ લાગી હતી. જેને સંજયે બેંકમાં ગીરવે મૂકીને ડિફોલ્ટર બની ગયો હતો. જેને બેન્ક દ્વારા પાછળથી હસ્તગત કરી લેવામાં આવી હતી. 

સંજયે ગાંધીધામમાં રહીને કંપની બનાવીને પોતે એક મોટો ઉદ્યોગપતિ છે તેવો પ્રચાર પ્રસાર કર્યો હતો (જેમ કિરણ પટેલે કાશ્મીરમાં PMO હોવાનો પ્રચાર કર્યો હતો તેમ). ગાંધીધામની સેવાભાવી સંસ્થાઓના વિવિધ ફંક્શનમાં સંજય અવાર-નવાર સ્ટેજ ઉપર પણ જોવા મળતો હતો. દરમિયાન તેની ગાંધીધામમાં આવેલી આર્ય સમાજ નામની જાણીતી સંસ્થામાં એન્ટ્રી થાય છે. અહીં સંજય રાય આર્ય સમાજ સંસ્થાનાં વાછોનિધિ આચાર્ય નામના વ્યક્તિની નજીક પહોંચે છે. આ એ જ આર્ય સમાજ નામની સંસ્થા છે, જેમાં ગુજરાતના હાલના રાજ્યપાલ સહિતના ગુજરાત સરકારના જાણીતા લોકો અવારનવાર આવતા હોય છે. એક કાર્યક્રમ દરમિયાન આર્યસમાજમાં ગુજરાતના તત્કાલીન ગવર્નર અને ભાજપના વરિષ્ઠ નેતા એવા કૈલાશપતિ મિશ્ર આવે છે. અને સંજયની કૈલાશપતિ મિશ્ર સાથેની તે મુલાકાત તેને ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી લઇ જવામાં નિમિત્ત બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. અલબત્ત તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંજયની વન ટુ વન મુલાકાત થઈ હતી કે કેમ તે અંગે રહસ્ય છે. સંજયની આર્યસમાજ સાથેની મુલાકાતો અંગે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા આર્ય સમાજના વાછોનિધિ આચાર્યનો સંપર્ક કરીને સંજય અંગે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. 

વાછોનિધિ આચાર્યના જણાવ્યા મુજબ તેઓ સંજયને ઓળખતા ન હતા. પરંતુ વર્ષો પહેલા જયારે ગુજરાતના તત્કાલીન ગવર્નર કૈલાશપતિ મિશ્ર જયારે એક કાર્યક્રમ અંતર્ગત ગાંધીધામમાં તેમની સંસ્થામાં આવ્યા હતા ત્યારે તેમની સાથે સંજય પણ હતો. કૈલાશપતિ મિશ્ર અને સંજય એકબીજાને પહેલાથી ઓળખતા હતા એટલે સંજય તે વખતે આર્યસમાજના કાર્યક્રમમાં આવ્યો હોવાનું પણ અંતમાં તેમણે ઉમેર્યું હતું. 

J&Kના ઉપ-રાજ્યપાલ સહીત ગુજરાતના IAS-IPS અને મંત્રીઓના નામ પણ ખુલ્યા :- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સંજયની એક સિક્રેટ ડાયરી યુપી પોલીસના હાથમાં આવી છે. જેમાં કોડવર્ડમાં લખવામાં આવેલું છે. જેમાં ગુજરાતના IAS-IPS અને મંત્રીઓના નામ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. 'ધ વાયર' નામના એક હિન્દી ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ, સંજય રાય શેરપુરીયાએ મનોજ સિંહાને 25 લાખ રૂપિયાની લોન આપી હતી. અને આ વાત મનોજ સિંહાએ તેમના ચૂંટણી વખતના એક એફિડેવિટમાં કરેલી છે. દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી માનવામાં આવતા (અને સૌથી વધુ ચૂંટણી ફંડ મેળવતી) ભાજપના નેતાને સંજય પાસેથી 25 લાખની લોન કેમ કેવી પડી તેનો ખુલાસો હજુ સુધી ઉપ રાજ્યપાલ મનોજ સિંહાએ કર્યો નથી. 

અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ' દ્વારા પણ થોડા દિવસ પહેલા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ગુજરાતના IAS-IPS સાથેના સંજયના સંબંધો અંગે ખુલાસા કરવામાં આવ્યા હતા. 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ પ્રમાણે, યુપી પોલીસની સંજય રાય શેરપુરીયા સામે દાખલ કરવામાં આવેલી FIRમાં યુથ રૂરલ એન્ટરપ્રેન્યોર ફાઉન્ડેશન (YREF) નામની સાથે સંજયનું કનેક્શન છે. અને આ YREFના સલાહકાર બોર્ડમાં ગુજરાતના 1978 બેચના IAS  એસ.કે. નંદા ઉપરાંત રીટાયર્ડ IPS અરુણ કુમાર (એ.કે.) શર્માના નામ ઉપરાંત ઇન્ડિયન નેવીના રીટાયર્ડ વાઇસ એડમિરલ સુનિલ આનંદ, ઇન્ડિયન એરફોર્સના નિવૃત્ત એર કોમોડોર મ્રીગેન્દ્ર સિંહ સહીત તાજેતરમાં રિટાયર્ડ થયેલા યુપી કેડરના IASના નામ છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટમાં IAS  એસ.કે. નંદાએ કબુલ્યું પણ છે કે, તેઓ સંજયને કચ્છના એક ઉદ્યોગપતિ તરીકે વાયબ્રન્ટ ગુજરાતના એક કાર્યક્રમ વખતે મળ્યા હતા. પરંતુ તેમનું નામ YREFના સલાહકાર બોર્ડમાં કેવી રીતે આવ્યું તે ખબર નથી. જયારે રિટાયર્ડ IPS એ.કે.શર્માએ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના કોલ કે મેસેજનો કોઈ જવાબ આપ્યો ન હતો. 

કચ્છના રાજકારણીઓના નામ પણ ખુલ્યા :- દિલ્હીના રાજકીય ગલિયારામાં મોટું નામ બની ચૂકેલા સંજય રાય સાથે કચ્છના રાજકારણીઓના નામ પણ સામે આવ્યા છે. જેમાં ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય વાસણભાઇ આહીરનું નામ પણ આવે છે. સૂત્રોનું માનીએ ગાંધીધામની સંસ્થા આર્યસમાજને લીધે વાસણ આહીર મહાઠગ સંજયના સંપર્કમાં આવ્યા હતા. 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા વાસનભાઈનો સંપર્ક કરીને સંજય અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ મળી શક્યા ન હતા. અન્ય એક રાજ્કારણીમાં કચ્છના સંસદ વિનોદ ચાવડાનું પણ નામ આવ્યું છે. તેઓ દિલ્હીમાં આવેલા સંજય રાયના ઇન્ક્યુબેટર સેન્ટરમાં જતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, MP વિનોદ ચાવડા જાહેરમાં ખુલાસો કરી ચુક્યા છે કે, સંજય રાય શેરપુરીયા સાથે તેમના કોઈ વિશેષ સંબંધ નથી. ફક્ત એક વખત વાસણભાઇ આહીર સાથે સંજયની મુલાકાત થઈ હતી. સંસદ ચાવડાએ એવું પણ કહ્યું છે કે, તેમના રાજકીય હરીફો દ્વારા તેમને નુકશાન પહોંચાડવાના ઇરાદે આવું કરી રહ્યા છે.