બે વર્ષથી ફરાર કપડવંજ-ખેડાના ઘરફોડ ચોરીના આરોપીને અરવલ્લી પોલીસના પેરોલ ફર્લો સ્કોડ દ્વારા ઝડપી લેવાયો
અરવલ્લીના પેરોલ ફર્લો સ્કોડ દ્વારા આરોપીને ઝડપી મોડાસા રૂરલ પોલીસને સોંપ્યો
WND Network.Modasa : ગુન્હો આચરીને ફરાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના સંદર્ભે અરવલ્લી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી એક કામગીરી અંતર્ગત છેલ્લા બે વર્ષથી નાસતો ફરતા ઘરફોડ ચોરીના એક આરોપીને અરવલ્લી પોલીસના પેરોલ ફર્લો સ્કોડ દ્વારા બાતમીને આધારે દબોચી લેવામાં આવ્યો હતો. કપડવંજ ખેડાની રંગીલા પોળમાં રહેતો આ આરોપી મોડાસા ગ્રામ્ય વિસ્તાર પોલીસના એરિયામાં આવ્યો હોવાની બાતમીને આધારે તેને ગુરુવારે અરવલ્લી પોલીસના પેરોલ ફર્લો સ્કોડની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેને મોડાસા રૂરલ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતો.
અરવલ્લી પોલીસના પેરોલ ફર્લો સ્કોડની સત્તાવાર યાદી મુજબ તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર કાંતીભાઈને બુધવારે એવી બાતમી મળી હતી કે, લાંબા સમયથી ભાગેડુ એવો કપડવંજ-ખેડામાં રહેતો ઘરફોડ ચોરીનો આરોપી જગદીશ હસમુખભાઈ સોની રૂરલ પોલીસના એરિયામાં આવ્યો છે. એટલે તરત જ તેમની ટીમના વડા PSI બી.કે.ભુનાતર, હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર અને શક્તિકુમાર કાલિદાસ, મહિલા હેડ કોન્સ્ટેબલ હર્ષાબેન રાહુલકુમાર તેમજ મહિલા કોન્સ્ટેબલ નીતાબેન જવાનભાઈ તથા અજમેલજી સોનાજીએ તેને આરોપીને ઝડપી લીધો હતો. પોલીસના સકંજામાં આવી ગયેલા ઘરફોડ ચોરીના આરોપી જગદીશ સોની મોડાસા રૂરલ પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપી દેવામાં આવ્યો હતો. આરોપી સામે વર્ષ 2021માં મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને અરવલ્લી જિલ્લાના એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જિલ્લાની પરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI ) બી.કે.ભુનાતર અને તેમની ટીમ છેલ્લા એક વર્ષમાં 182 આરોપીને ઝડપી ચુકી છે. અને આવા ભાગેડુ આરોપીઓને પકડી લેવાની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.