Kutch : સંયોગ કે પ્રયોગ ? મંત્રીઓની મુલાકાત પહેલા જ કચ્છ પોલીસે ચાર દિવસ જૂની ધાર્મિક ઘટનામાં ફરિયાદ નોંધી, કોમી તણાવની ઘટના વચ્ચે કચ્છમાં બન્યા છે બે મહત્વપૂર્ણ બનાવ, જાણો શું છે સમગ્ર મામલો
એક તરફ ભેદી તાવમાં 17ના મોત બાદ બે મંત્રીઓની કચ્છ મુલાકાત અને મોખા ટોલનાકે 'નો રોડ - નો ટોલ ટેક્સ'ના આંદોલન વચ્ચે અચાનક કચ્છ પોલીસને જડોદર ગામની ચાર દિવસ જૂની કોમી તણાવની ઘટનામાં ફરિયાદ કરવાનું સૂઝ્યું !
(ઉપરોક્ત તસવીરમાં ઉપરની પ્રથમ બે તસવીર જડોદરા ગામમાં લોકોની લાગણી દુભાય તે રીતે ઝંડા લગાવીને મૂર્તિને ખંડિત કરવામાં આવી તે જોઈ શકાય છે. નીચેની ડાબી તરફની તસવીર મોખા ટોલ નાકે એકઠા થયેલા લોકોની છે. જયારે તેની બાજુની તસવીરમાં 17 લોકોના ભેદી મોત બાદ કચ્છમાં મંગળવારથી ડેરા તંબુ તાણીને બેઠેલા ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રીની છે)
WND Network.Bhuj (Kutch) : ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં સમગ્ર દેશનું ધ્યાન ખેંચાઈ તેવી ત્રણ મહત્વપૂર્ણ ઘટના બની છે. જેમાં સૌથી મોટી કહી શકાય તેવી ઘટનામાં છેલ્લા એક સ્પતાહમાં કચ્છના લખપત તાલુકામાં ભેદી તાવ-બીમારીને પગલે 17 સ્ત્રી-પુરુષ સહીત બાળકોએ જીવ ગુમાવ્યા છે. જેને પગલે ગુજરાત સરકારના બે મંત્રી અને અધિકારોનો કાફલો ગઈકાલ મંગળવારથી કચ્છમાં આવી ગયો છે. બીજી ઘટના મુન્દ્રા પાસેના મોખા નામના ટોલનાકે એકઠા થયેલા લોકો ખરાબ રસ્તાઓને લઈને નો રોડ - નો ટોલ ટેક્સના સ્લોગન સાથે દેખાવો કરી રહ્યા છે. અને ત્રીજી સંવેદનશીલ કોમી ઘટનામાં પોલીસે ઘટનાના ચાર દિવસ પછી આજે વહેલી સવારે ચાર વાગે દાખલ કરેલી પોલીસ ફરિયાદ છે. આમ જોવા જઈએ તો ત્રણેય ઘટનાને કચ્છ ક્નેક્શકન સિવાય એકબીજા સાથે કોઈ જ લેવા દેવા નથી. પરંતુ જે રીતે કચ્છની પોલીસે ચાર દિવસ પહેલાની ઘટનામાં રાજ્ય સરકારના મંત્રીઓની 17 લોકોના મોત પછીની સમીક્ષા મુલાકાતને ટાણે લોકોને સૌથી વધુ અસર કરતી ધાર્મિક લાગણીની ઘટનામાં ફરિયાદ દાખલ કરવાની ચેષ્ટાને એક માત્ર સંયોગ સમજવું કે પ્રયોગ તે સમજી શકાતું નથી.
છેલ્લા ત્રણેક દાયકાથી ગુજરાત સહીત સમગ્ર દેશમાં લોકોના જીવ અને મૂળભૂત પાયાની સમસ્યાઓને બદલે લોકો ધાર્મિક બાબતોને વધુ મહત્વ આપતા થયા છે. એટલે ધાર્મિક લાગણી દુભાવાની વાત આવે તો લોકો તરત સેન્સિટિવ બની જાય છે. રાજનેતાઓ લોકોની આ દુખતી નસ બખૂબી જાણે છે. કચ્છના નખત્રણા તાલુકાના જડોદર ગામે સાતમી તારીખથી લઈને ત્રણ દિવસ દરમિયાન જે પણ બન્યું એ કોઈ કાળે ન ચલાવી લેવાય તેવી ઘટના છે. પોલીસે તરત જ તેમાં એક્શનમાં આવીને કાર્યવાહી કરવાની જરુરુ હતી.
જડોદર ગામના પૂજારી મહેશગીરીજી ગોસ્વામીએ 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે સમગ્ર ઘટના અંગે જે પણ કહ્યું તે અક્ષરઃશ આ મુજબ છે. પૂજારી ગોસ્વામીએ ઘટનાની શરૂઆત સાતમી સપ્ટેમ્બર શનિવારે બની હોવાનું જણાવ્યું હતું. જેમાં ગામના જ કેટલાક લોકોએ ગામના નાકાએ હિન્દૂ ધર્મના ઘ્વજની ઉપર લીલા રંગના ઝંડા લગાવી દીધા હતા. આ ઘટના પછી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે આવી બાબતોને વધુ મહત્વ ન આપવું જોઈએ તેમ સમજાવીને ઝંડા ઉતારી લેવાની કાર્યવાહી કરી હતી.
ગામના સૌ ધર્મના લોકો પણ એકબીજા સાથે ચર્ચા કરીને બીજા દિવસે આઠમી સપ્ટેમ્બર, રવિવારે ગામમાં આવેલા હાજી સાલે પીરની પેડીમાં એકઠા થાય છે. ભવિષ્યમાં ફરીથી આવી ઘટના ન બને તેવું પરસ્પર સમજાવવામાં આવે છે. ત્યારબાદ નવમી સપ્ટેમ્બર, સોમવારે ( રિપીટ, યાદ રાખો,ગુજરાત સરકારના મંત્રીઓની કચ્છ મુલાકાતના બરાબર એક દિવસ પહેલા) ગામમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ માટે રાખવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિને કેટલાક સગીર વયના લોકો ખંડિત કરે છે. ફરીથી પોલીસને જાણ કરવામાં આવે છે. ફરીથી પોલીસ ગામના લોકોને સમજાવે છે અને આ વખતે તો ખંડિત મૂર્તિને રીપેર કરવાનીને પ્રસાદી માટે રૂપિયા પણ આપે છે.
પૂજારી મહેશગીરીજી ગોસ્વામીએ એમ પણ ઉમેર્યું કે, પોલીસે પહેલા કોઈ કાર્યવાહી ન કરી પરંતુ કોઈ રઘુવીરસિંહ જાડેજા નામના વ્યક્તિ તેમજ ઉપરથી દબાણ આવ્યું હોય તે રીતે અચાનક સોમવારે તેમને નખત્રણા પોલીસ સ્ટેશને બોલાવીને ફરિયાદ દાખલ કરવાનું કહે છે. અને ત્યાર બાદ જે થયું તેનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ.
જડોદર ગામની ઘટના અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અશોક મકવાણાએ 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા જણાવ્યું કે, ધાર્મિક લાગણી દુભાય અને કોમી તણાવ વધે તેવી ઘટના પોલીસને ગઈકાલે એટલે કે, મંગળવારે સાંજે ધ્યાનમાં આવી હતી. એટલે પૂરતી તપાસ કર્યા બાદ ત્રણ સગીર વયના અને ચાર પુખ્ત લોકોને પોલીસે પકડી લીધા છે. તેમની વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા સહીત કાવતરું ઘડવા સહિતના ગુન્હા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણાએ ઉમેર્યું હતું.
અમે તમને ફરીથી યાદ અપાવી દઈએ કે, પોલીસે બુધવારે વહેલી સવારે ફરિયાદ દાખલ કરી હતી. જેના ગણતરીના કલાકો બાદ ભુજમાં મંત્રીઓ 17 વ્યક્તિના ભેદી રોગમાં થયેલા મોત અંગે તંત્ર સાથે ચર્ચા કરીને મીડિયાના સવાલોને જવાબ આપવાના હતા.
'વેબ ન્યૂઝ દુનિયા' ફરીથી ભારપૂર્વક સ્પષ્ટતા કરે છે કે, આવી કોઈપણ પ્રકારની ધાર્મિક લાગણી દુભાય તેવી ઘટનાને કોઈ કાળે ન ચલાવી લેવાય. પ્રશ્ન ફક્ત 17 લોકોના મોત બાદ સમીક્ષાએ આવેલા મંત્રીઓ જયારે કચ્છમાં રાતે હાજર હતા ત્યારે નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદને લઈને થઈ રહ્યા છે કે, શું આ માત્ર એક સંયોગ છે કે પ્રયોગ ?
બીજી બાજુ ત્રીજી એક ઘટના કચ્છના મુન્દ્રા તાલુકામાં આવેલા મોખા ટોલનાકે બને છે. જેમાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સ સાથે સંકળાયેલા લોકો ખરાબ માર્ગોને લઈને દેખાવ કરી રહ્યા હતા. જેમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને બેનર સાથે 'નો રોડ - નો ટોલ ટેક્સ' ના નારા પણ લગાવ્યા હતા. જેમાં જિલ્લાના તમામ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયશન સાથે જોડાયા હતા. સમગ્ર કચ્છના ટ્રક એસોસિએશન ટેન્કર એસોસિયેશન તેમજ ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓએ પણ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. જો આગામી ટૂંક સમયમાં જો ન્યાય નહીં મળે તો સમગ્ર કચ્છમાં ચક્કા જામના દ્રશ્ય પણ જોવા મળી શકે છે. આ અંગે સરકાર, સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને થોડા દિવસ પહેલા જ પહેલી સપ્ટેમ્બરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છતાં કોઈ કાર્યવાહી ન થવાને પગલે લોકોએ ધીરજ ગુમાવી હતી અને ટોલનાકે દેખાવો કર્યા હતા.
આમ જોવા જઈએ તો કચ્છના આ ત્રણેય સમાચાર પોતપોતાનું આગવું મહત્વ ધરાવે છે. દેશના સાચા નાગરિક તરીકે હવે તમારે નક્કી કરવાનું છે કે, કયા ન્યૂઝ કે ઘટનાને મહત્વ આપવું જોઈએ !
લોકો અને પોલીસે રાજનેતાઓથી સતર્ક રહેવાની જરૂર છે, પછી કોઈ બચાવવા નહીં આવે : યોગાનુયોગ કહો કે ગમે તે પરંતુ સુરતની ઘટના બાદ ગુજરાત પોલીસ દળમાં પોતાની આખી જિંદગી ગુજારી ચૂકેલા એક નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરની સોશિયલ મીડિયાની પોસ્ટ પણ પોલીસ બેડા સહીત રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. જેમાં રિટાયર્ડ પીઆઇ પી.જી.સરવૈયા ઘરોમાંથી લોકોને બહાર કાઢીને બેરહેમી મારવાની ઘટના અંગે ટિપ્પણી કરી છે કે, કોઈ નેતા બચાવવા નહીં આવે. પોલીસ રાજનેતાઓના ઈશારે કામ કરીને પાછળથી કેવી રીતે કોર્ટમાં ફસાઈ જાય છે તે માટે ખંભાત પોલીસની કાર્યવાહી દાખલારૂપ છે. માટે સૌ કોઈએ કાયદાની હદમાં રહીને લાગણીઓ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે.