કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ધંધૂકાના ઝાંઝરકા ગામથી ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરાવી, પણ ભાજપ લોકોને એકઠા ન કરી શક્યું...

35 હજારની મેદની સામે આવ્યા માત્ર 6થી 7 હજાર માણસો, મંડપની નાની સાઈઝ પણ કરી નાખી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ધંધૂકાના ઝાંઝરકા ગામથી ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરાવી, પણ ભાજપ લોકોને એકઠા ન કરી શક્યું...

WND Network.Ahmedabad :- કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ગુરુવારે અમદાવાદ જિલ્લાના ધંધૂકાના ઝાંઝરકા ગામના સંત સવૈયાનાથથી ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરાવી હતી. આ યાત્રા અમદાવાદના ઝાંઝરકાથી સોમનાથ સુધી 9 જિલ્લામાં જશે. 24 વિધાનસભા બેઠકમાં પસાર થઇ 8 દિવસમાં કુલ 1070 કિમીનો પ્રવાસ કરશે. જો કે ભાજપની આ યાત્રાને અપેક્ષા કરતા નબળો પ્રતિસાદ મળી રહ્યો હોવાના અહેવાલ છે. કારણ કે, આ યાત્રામાં 35 હજારની મેદની સામે  માત્ર 6થી 7 હજાર માણસો આવ્યા હતા. યાત્રાથીઓ થાકી સત્તામાં આવેલી આવેલી ભાજપ પાર્ટીની યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.

અમદાવાદના ઝાંઝરકાથી સોમનાથ સુધી 9 જિલ્લામાં પસાર થનારી આ યાત્રામાં ભાજપ દ્વારા 24 વિધાનસભા બેઠકમાં થઈને 8 દિવસમાં કુલ 1070 કિમીનો પ્રવાસ કરવાનું ટાર્ગેટ રાખવામાં આવેલું છે. જેમાં ભાજપ દ્વારા 35 હજાર માણસોને યાત્રામાં લાવવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. જેમાં  ભાજપની ગુજરાત સરકારે કરેલાં કામો લોકોને બતાવાનું નક્કી કરવામાં આવેલું છે. અને આ યાત્રામાં લોકોને લાવવાની જવાબદારી ભાજપના બાબુભાઈ જેબલકાને સોંપવામાં આવી હતી. પરંતુ લોકોની સંખ્યા ખુબ નાની હોવાને કારણે ખુદ અમિત શાહ સહિતના ભાજપના ટોચના નેતાના ચહેરા ઉપર નારાજગી સ્પષ્ટ જોવા મળી હતી. અમદાવાદ જિલ્લા સહીત બોટાદ, સુરેન્દ્રનગરના 3 જિલ્લામાંથી 35 હજાર લોકોને લાવવાના હતા. ખાસ કરીને ધંધુકા અને લીંબડી વિધાનસભા વિસ્તારથી સૌથી વધારે લાવવાના હતા. જે લાવી શકાયા ન હતા. યાત્રામાં હાજર કુલ 6થી 7 હજાર માણસો જોવા મળ્યા હતા. જેમાં મહંત દ્વારા 3 હજાર માણસો લાવવામાં આવ્યા હતા. અનુસૂચિત જાતિના મહંત દ્વારા 3 હજાર દલિત લોકોને આખા ગુજરાતથી બોલાવાયા હતા. યાત્રામાં જનમેદની ભેગી કરવાની સંપૂર્ણ જવાબદારી રાષ્ટ્રિય કિસાન મોરચાના બાબુભાઈ જેબલિયા ઉપરાંત ગુજરાત બક્ષિપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગરની હતી. ભાજપની આ ગૌરવ યાત્રાને ઝાંઝરકાથી સોમનાથ સુધી પહોંચાડવાની જવાબદારી પણ આ બન્નેની છે. જેમાં બન્ને નિષ્ફળ રહ્યાં છે.

સમગ્ર કાર્યક્રમમાં અનુમાન પ્રમાણે પબ્લિક જોવા ન મળવાને કારણે અમિત શાહ નારાજ થયા હતા. જેને કારણે અમિત શાહ દ્વારા જયારે સભાને સંબોધિત કરવામાં આવી ત્યારે તેઓ નિરાશ દેખાતા હતા. તેમનું ભાષણ પણ ફિક્કુ હતું. ચાલુ સભાએ લોકો ચાલતાં થઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉપરાંત કાર્યક્રમની જગ્યાએ પાણીની પણ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો અકળાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 20 વરસમાં જનતાના કામોનું વર્ણન કરવા માટે ગૌરવ યાત્રાને નામે વર્ષ 2002, 2017 અને 2022 એમ ત્રણ વખત યાત્રા કરવામાં આવી હતી. જેમાં સૌથી ઓછો પ્રતિસાદ આ વખતે જોવા મળી રહ્યો છે. 

યાત્રાની જવાબદારી ગોરધન ઝડફિયાની :- ગુજરાતમાં આવી 5 યાત્રા 142 વિધાનસભા બેઠક ઉપર કરવામાં આવશે. આ તમામ 5 યાત્રાના ઈન્ચાર્જ તરીકે ગોરધન ઝડફિયા છે. આ એ જ ઝડફિયા છે જેમણે પોતાની પાસે મોદી સરકારનો એક રિપોર્ટ હોવાનો દાવો કર્યો હતો. જે હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થયેલો છે. ભાજપની આ યાત્રા 12 ઓક્ટોબરે જે.પી. નડ્ડાએ દ્વારકાથી પોરબંદરની યાત્રા શરૂ કરી હતી. જે  21 વિધાનસભા વિસ્તારમાં ફરવાની છે. આ દરમિયાન 22 જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ યાત્રા સાત દિવસમાં કુલ 876 કિલોમીટર પ્રવાસ કરવાની છે.