Surat Lok Sabha Seat Unopposed : સુરતમાં ચંદીગઢ વાળી કરવા વાળા ગુજરાત સરકારના 'અનિલ મસીહ' કોણ ? શું ચાર મહિના પહેલાથી જ સુરતની બેઠક માટેનું પ્લાનિંગ થઈ ગયું હતું ?

લોકસભાની સુરતની બેઠકને ચૂંટણી લડયા વિના જ અંકે કરવાનો મામલો ચંદીગઢ મેયરની ઘટનાની જેમ દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવે તેવી સંભાવના

Surat Lok Sabha Seat Unopposed : સુરતમાં ચંદીગઢ વાળી કરવા વાળા ગુજરાત સરકારના 'અનિલ મસીહ' કોણ ? શું ચાર મહિના પહેલાથી જ સુરતની બેઠક માટેનું પ્લાનિંગ થઈ ગયું હતું ?

WND Network.Surat : લોકસભાની ચૂંટણી પહેલા જ સુરતની બેઠક માટે જે નાટક ભજવાયું તે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ આખામાં ચર્ચાનો વિષય બન્યું છે. સરકારી મશીનરી કે અધિકારીઓની મદદ વિના આટલું મોટું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવું શક્ય જ નથી. સૂત્રોનું માનીએ તો સુરતના આ હાઈ વોલ્ટેજ નાટકની પટકથા એક-બે દિવસ પહેલા નહીં પરંતુ ચાર મહિના પહેલા, ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાથી લખવાનું શરુ થઈ ગયું હતું. યોગાનુયોગ કહો કે ગમે તે પરંતુ બરાબર ચાર મહિના પછી નાટકની પટકથા મુજબ જ નાટક ભજવાઈ પણ જાય છે. ચૂંટણી થાય એ પહેલા જ ગુજરાતમાંથી ભાજપ એક બેઠક બિન હરીફ બનાવીને મેળવી લે છે. સમગ્ર ઘટનાક્રમ અંગે ભાજપથી માંડીને કોંગ્રેસ, કલેક્ટર સહિતના અધિકારીઓ, નેતાઓ અને પોલીસની કામગીરી ઉપર બધા ફોકસ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક ચહેરો કેમેરાની આંખોમાં જોવા મળે છે. જો કે સુરતની ઘટનામાં ચંદીગઢના 'અનિલ મસીહ' જેવા આ અંગેના કોઈ સાંયોગિક પુરાવા હજુ સુધી બહાર નથી આવ્યા પરંતુ જે રીતે સમગ્ર ઘટના ક્રમને હવે જોવામાં આવી રહ્યો છે તેને લઈને ખુદ ભાજપના સૂત્રો જ આ પ્રકારનો દાવો કરી રહ્યા છે. 

સુરત લોકસભા બેઠકની ઘટનાને ખુબ જ નજીકથી જોઈ રહેલા ગાંધીનગર સચિવાલય અને સુરત કલેક્ટોરેટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, આખા ઓપરેશનની શરૂઆત 22મી ડિસેમ્બર, 2023થી થાય છે. સુરત લોકસભા સીટ બિન હરીફ જાહેર થાય છે તેના બરાબર ચાર મહિના પહેલા ગુજરાત સરકાર દ્વારા ચૂંટણી સંબંધી બદલીઓ કરવામાં આવે છે. જેમાં GAS કેડરના સિલેક્શન / સિનિયર સ્કેલના 110 અધિકારીને બદલવામાં આવે છે. પ્રથમ નજરે ચૂંટણી લક્ષી અને સામાન્ય લાગતા ટ્રાન્સફરના આ હુકમમાં કેટલાક નામોને લઈને જે તે સમયે પણ સરકારી અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ હતી. કારણ કે બદલીના આ હુકમ કેટલાક ઓફિસર્સ એવા પણ હતા જે ગુજરાતની ભાજપ સરકારના મંત્રીઓના અંગત સચિવ એટલે પર્સનલ સેક્રેટરી  (PS) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. બીજી વખત સત્તામાં આવ્યા બાદ મંત્રીઓના PS બન્યા ને હજુ જોઈએ તેટલો સમય પણ નહોતો થયો છતાં તેમને બદલી નાખીને ફિલ્ડમાં એટલે કે જિલ્લા કક્ષાએ મુકવામાં આવે છે. આવા પાંચેક નામમાં સુરતમાંથી ધારાસભ્ય બનેલા રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના અંગત સચિવ GAS કેડરના ઓફિસર વિજય રબારીનું પણ નામ ટ્રાન્સફર ઓર્ડરમાં હતું. હર્ષ સંઘવી સુરતની મજુર બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને તેમને લોકસભાની ટિકિટ માટે પસંદ કરવામાં આવે તેવી સંભાવના દૂર દૂર સુધી નહોતી. અધિક કલેક્ટર કક્ષાના અધિકારી વિજય રબારીને સુરત જેવા મહત્વપૂર્ણ જિલ્લામાં કલેક્ટર પછીની નંબર ટુ રેસીડેન્સીયલ એડિશનલ કલેક્ટરની પોસ્ટ ઉપર નિયુક્ત કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગરથી સુરત સુધી તેમના પોસ્ટીંગને લઈને ચર્ચાઓ થાય છે. પરંતુ ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે લોકસભાની બેઠક માટે ખેલ પડી જશે અને ભાજપને ચૂંટણી લડયા વિના જ ગુજરાતની 26 સીટમાંથી એક બેઠક બિન હરીફ મળી જશે. 

પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા વિજય રબારી મામલતદાર બનીને વહીવટી સેવામાં આવ્યા હતા : પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા વિજય રબારી મામલતદાર બનીને વહીવટી સેવામાં આવ્યા હતા : દેખાવે અને ઉંમરમાં પણ યંગ એવા વિજય રબારી નામના આ યુવા ઓફિસરની કરિયર પણ રસપ્રદ છે. પહેલાથી જ હોનહાર એવા વિજય રબારીએ તેમની કરિયર પોલીસ ડિપાર્ટમેન્ટમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે શરુ કરી હતી. ત્યારબાદ તેઓ GPSCની કલાસ વન - ટુ ની વહીવટી સેવાની પરીક્ષા પાસ કરે છે. વહીવટી સેવામાં તેમની એન્ટ્રી મામલતદાર તરીકે થાય છે. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર અને પછી સિનિયર સ્કેલમાં પ્રમોશન મેળવીને અધિક કલેક્ટર સુધી પહોંચે છે. દરમિયાન ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના અંગત સચિવ તરીકે વિજય રબારીને ડેપ્યુટેશન ઉપર નિયુક્ત કરવામાં આવે છે. હાલ તેઓ સુરતમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. પોલીસમાં સબ ઇન્સ્પેક્ટરથી લઈને વહીવટમાં અધિક કલેક્ટર સુધીની પોસ્ટ ઉપર નોકરી કરી હોવાને કારણે કાયદો વ્યવસ્થા ઉપરાંત એડમિનિસ્ટ્રેશન ઉપરની તેમની આગવી પકડને કારણે જ તેમને ગૃહ મંત્રીના PS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાનું સિનિયર ઓફિસર્સ માની રહ્યા છે. 

ચૂંટણી દરમિયાન અધિક કલેક્ટરનો રોલ મહત્વપૂર્ણ હોય છે : ચૂંટણી દરમિયાન અધિક કલેક્ટરનો રોલ મહત્વપૂર્ણ હોય છે : ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આમ જોવા જઈએ તો અધિક કલેક્ટરને કોઈ સીધી જવાબદારી સોંપવામાં આવતી નથી. પરંતુ જિલ્લા મથકે નિવાસી અધિકારી તરીકે તેમની પોસ્ટ ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. જિલ્લામાં કલેક્ટર ચૂંટણી અધિકારી એટલે કે રિટર્નિંગ ઓફિસર (RO) તરીકે ફરજ બજાવતા હોય ત્યારે એડીશનલ કલેક્ટરે તેમને મદદ કરવાની હોય છે. કેટલાક જિલ્લામાં તો RACને ચૂંટણી સ્ટાફ નિયુક્તિ કરવાની સાથે વેબ કાસ્ટિંગ સુધીની જવાબદારી સોંપવામાં આવતી હોય છે.  

ચંદીગઢના અનિલ મસીહ નામના ઓફિસર કેમ ચર્ચામાં આવ્યા હતા ? : ચંડીગઢમાં 30મી જાન્યુઆરી, 2024ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણી અધિકારી તરીકે અનિલ મસીહ નામના અધિકારીએ બેલેટ પેપરમાં ઓન કેમરા ચેંડા કરીને ભાજપના મેયર તરીકે ઉમેદવારને વિજેતા જાહેર કાર્ય હતા. ત્યારબાદ મામલો ચંદીગઢ હાઇકોર્ટ અને પછી દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા અનિલ મસીહને કોર્ટમાં બોલાવીને ફટકાર લગાવવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ ચંદીગઢ મેયરની વરણીને જ કેન્સલ કરીને ફરીથી મેયર ચૂંટવાનો આદેશ કર્યો હતો. સુરતની ઘટનાને લઈને ગોદી મીડિયાને બાદ કરતા કેટલાક માધ્યમો દ્વારા ચંદીગઢની ઘટના સાથે સરખાવવામાં આવી રહી છે. વહીવટી તંત્રની કામગીરી શંકાના દાયરામાં છે ત્યારે સુરત બેઠકનો મામલો પણ સુપ્રિમ કોર્ટમાં જાય તેવી પુરી સંભાવના છે.