Breaking: કચ્છના ચકચારી હનીટ્રેપની કેસની આરોપી યુવતી સુરતથી ઝડપાઈ

મહિલા ધારાસભ્યની સમાધાનની ફોર્મ્યુલા ભાંગી પડ્યા પછીની મહત્વૂર્ણ ઘટના

Breaking: કચ્છના ચકચારી હનીટ્રેપની કેસની આરોપી યુવતી સુરતથી ઝડપાઈ

WND Network.Bhuj (Kutch) :- ભુજના ચકચારી હનીટ્રેપ કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. કેસમાં મહત્વનું સ્થાન ધરાવતી યુવતીને પોલીસે દબોચી લીધી છે. સુરતથી આ યુવતીને પકડીને પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ ભુજ લાવી રહી છે. જેને પગલે આગામી દિવસોમાં આ કેસમાં વધુ નવા ખુલાસા થાય તેવી સંભાવના છે. અલબત્ત પોલીસે આ અંગે કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા હનીટ્રેપ કેસમાં જે યુવતીનું નામ હતું તેને ટ્રેસ કરવાનુ ચાલુ હતું ત્યાં પોલીસને ખબર પડી કે તે સુરતમાં છે. એટલે પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ સુરત પહોંચી ગઈ હતી. અને ત્યાંથી યુવતીને ઉઠાવી લીધી હતી. 

કચ્છ લડાયક મંચ સંસ્થાના નામે જિલ્લાના અનેક મુદાઓમાં અવાર-નવાર મસમોટી જાહેરાતો આપનારા રમેશ જોશી સહીત જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી જ્યંતી ડુમર ઉપરાંત કચ્છ-ભુજના નામી લોકોને દસ કરોડના હનીટ્રેપ કેસમાં પોલીસે ફીટ કરી દીધા છે. 

કચ્છના આદિપુર ખાતે રહેતા હનીટ્રેપ કેસના ફરિયાદી એવા ખાવડા ફાયનાન્સના અનંત ચમનલાલ ઠક્કર એક યુવતી સાથેના વિડિયોને લીધે ફસાઈ ગયા હતા. જેમાં કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવતા કંટાળીને તેમણે પોલીસમાં જવાનું નક્કી કર્યું હતું. જેને પગલે પોલીસે આ ઘટનામાં ફરિયાદ દાખલ કરી હતી.

દસ કરોડની હનીટ્રેપનો મામલો :-  વડોદરામાં રહેતી આશા નામની યુવતીએ વોટ્સએપ ઉપર મેસેજ કરીને ફરિયાદી અનંત ચમનલાલ ઠક્કરને તેની મોહજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ તેઓ હોટેલમાં મળ્યા હતા. અને તે વખતે ચોરી છુપીથી યુવતીએ વિડીયો ઉતાર્યો હતો. અને એ વીડિયોને આધારે યુવતીએ અનંત ચમનલાલ ઠક્કરને બ્લેકમેલ કરવાનું શરુ કર્યું હતું. અનંત ઠક્કરે શરૂઆતમાં તો થોડા રૂપિયા આપી પણ દીધા હતા. પરંતુ વધુ રૂપિયા પડાવવાની લાલચમાં તેણે આ કેસના આરોપીઓ એવા ભુજના ઉષા ડેવલોપર્સના વિનય રેલોન ઉર્ફે લાલો, ભચાઉના વકીલ હરેશ કાંઠેચા , જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી જયંતિ ઠક્કર ડુમરાવાળો, અંજારના મનીષ મેહતા, મુંબઈમાં રહેતા કચ્છ લડાયક મંચના 'સમાજસેવી' રમેશ જોશી, તેમના ભાઈ શંભુ જોશી તેમજ ખુશાલ ઉર્ફે લાલાએ મળીને ખાવડા ફાયનાન્સના અનંત ઠક્કર પાસેથી શરૂઆતમાં ત્રણ કરોડ અને પછીથી દસ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

ધારાસભ્યની મધ્યસ્થી પણ કામ ન આવી :-  હનીટ્રેપ કેસમાં કચ્છના એક જ સમાજના જાણીતા લોકો ફરિયાદી અને આરોપી છે. જે પગલે ભુજના ધારાસભ્ય ડોકટર નીમાબેન આચાર્યએ થોડા દિવસ પહેલા ભુજના સર્કિટ હાઉસમાં બંને પક્ષની મિટિંગ કરીને સમાધાનનો પ્રયાસ કર્યો હતો. જેમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. જેને પગલે આરોપી લાલાની કઝીન બહેન અને ભૂજના જાણીતા ડોકટરની પત્નીએ ધારાસભ્ય નીમાબેનને બધાની હાજરીમાં આકરી ભાષામાં ટપાર્યા હતા. આમ આખા મામલામાં સમાધાનનો રસ્તો ન નીકળવાને પગલે પોલીસ પણ હવે સક્રિય દેખાય છે.

અન્ય આરોપીઓ કેમ પકડતા નથી ? :-  હનીટ્રેપના કેસમાં અત્યાર સુધી ભૂજના કુખ્યાત બિલ્ડર લાલા સિવાય કોઈ પકડાયું નથી. આજે આરોપી યુવતી હાથમાં આવી છે. હજુ હાઈ પ્રોફાઈલ આરોપીઓ પોલીસની પહોંચ બહાર છે. ત્યારે ભુજના એસપી સૌરભસિંગે એવો દાવો કર્યો હતો કે, પોલીસ ટીમ બનાવીને આરોપીની મૂવમેન્ટ ઉપર નજર રાખી રહી છે. 

પોલીસ ઢીલી નથી અને કોઈથી ડરતી પણ નથી :-  કચ્છના ચકચારી એવા આ હનીટ્રેપ મામલામાં પોલીસની કાર્યવાહી અંગે મીડિયામાં ખાસ્સી એવી ચર્ચા થઈ હતી. જે અંગે ભુજના એસપી સૌરભસિંગે જણાવ્યું હતું કે, પોલીસે નિયમ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ ઢીલી કે ડરેલી નથી તેવો દાવો પણ ભુજ એસપી સિંગે કર્યો હતો. ફરિયાદી તન્ના ત્રણ મહિનાથી પોલીસના ચક્કર કાપતો હતો. જેમાં પહેલા તેણે પોતાનું નામ ન આવે તેમ ફરિયાદ કરવાનો આગ્રહ કર્યો હતો. જે કાયદાકીય જોગવાઈ પ્રમાણે શક્ય ન હતું. છેવટે નિયમ લાંબા સમય પછી તન્ના ફરિયાદ કરવા માટે રાજી થયો હોવાનું એસપી સૌરભસિંગે અંતમાં ઉમેર્યું હતું.