કચ્છ : સરહદી જિલ્લામાં 460 IAS મહેમાન બનીને આવ્યા, જાણો શા માટે આવ્યા છે આટલી મોટી સંખ્યામાં સનદી અધિકારીઓ...

મસૂરીમાં તાલીમ લઇ રહેલા IAS ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત કચ્છનું પરિભ્રમણ કરશે

કચ્છ : સરહદી જિલ્લામાં 460 IAS મહેમાન બનીને આવ્યા, જાણો શા માટે આવ્યા છે આટલી મોટી સંખ્યામાં સનદી અધિકારીઓ...

WND Network.Bhuj (Kutch) :- ગુજરાતના સૌથી મોટા અને સરહદી જિલ્લા એવા કચ્છમાં આજે 460 આઈએએસ અધિકારી આવ્યા છે. તેઓ અહીં ત્રણ દિવસ કચ્છનું પરિભ્રમણ કરશે. મસૂરી ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ચાલુ વર્ષે તાલીમ લઇ રહેલા યુવા સનદી અધિકારીઓનો કાફલો બે ગ્રુપમાં કચ્છની ત્રણ દિવસની મુલાકાતે આવ્યો છે. તેઓ સફેદ રણથી માંડીને ઈન્ડો-પાક બોર્ડર ઉપરાંત જુદા જુદા સ્થળની મુલાકાત કરશે. થોડા વર્ષ પહેલા કચ્છમાં યોજાયેલી પોલીસની DG મીટ પછી આટલી મોટી સંખ્યામાં બીજી વખત આ રીતે ઉચ્ચ અધિકારીઓનો કાફલો કચ્છ આવ્યો છે. 

આટલી મોટી સંખ્યામાં અધિકારીઓ કચ્છમાં આવી રહ્યા હોવાને પગલે વહીવટી તંત્ર તેમજ પોલીસ દ્વારા તેમની સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભુજના રેલવે સ્ટેશનથી લઈને તેઓ જયાં પણ જવાના છે - રોકાવાના છે ત્યાં પોલીસને ગોઠવી દેવામાં આવી છે. પ્રોબેશનરી IAS ઓફિસરનો આ કાફલો ત્રણ દિવસ દરમિયાન ધોરડો ટેન્ટ સિટીમાં રાત્રી રોકાણ કરવા ઉપરાંત ખાવડા, બોર્ડર એરિયા વગેરે જેવા સ્થળે જઈને કચ્છ ટુરિઝમ તેમજ ડિફેન્સને લગતી જાણકારી મેળવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. 

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) દ્વારા દર વર્ષે લેવામાં આવતી સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને મસૂરી ખાતે તાલીમ આપવામાં આવતી હોય છે. જેમાં શરૂઆતમાં ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત IASમાં કેડરમાં પસંદગી પામેલા ઉપરાંત IPS, IFS સહીત ગ્રુપ A તેમજ Bમાં સિલેક્ટ થયેલા તાલીમી અધિકારીઓને ટ્રેનિંગના ભાગરૂપે ભારતના જુદા જુદા ભાગોમાં પરિભ્રમણ કરવા લઇ જવામાં આવતા હોય છે. આ પ્રક્રિયાના ભાગરૂપે જ યુવા પ્રોબેશનરી સિવિલ સર્વન્ટનું આ ગ્રુપ કચ્છમાં આવ્યું છે.