Kutch : ભુપેન્દ્ર દાદા, અમને પણ મળવા આવો ને, એ બહાને અમને સ્કૂલ મળશે, CM પટેલની રાહ જોઈ રહેલા કચ્છ મુન્દ્રાના મહેશનગરના બસ્સોથી વધુ વિદ્યાર્થી, જુઓ વિડીયો

'દાદા'નો બાળકો-વિદ્યાર્થી પ્રત્યેનો આવો પ્રેમ જોઈને હાલ તો કચ્છ મુન્દ્રાના મહેશનગરની શાળાના 267 છાત્રોને પણ આશા જાગી છે કે, દાદા તેમને મળવા આવશે અને તેમની સ્કૂલ બનાવવાનું સપનું સાકાર થશે

WND Network.Gandhinagar, Mundra (Kutch) : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક ઉદાહરણ આજે તેમની મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન જોવા મળ્યું હતું. જયાં તેમને જોઈને બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. 'દાદા'ના હુલામણા નામથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની દાનત અને ઇચ્છશક્તિ અંગે એક ટકો પણ શંકા નથી. પરંતુ 'દાદા' આવી જ રીતે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ફરે તો છાત્રોની જિંદગી સુધરી જાય તેમ છે. આવું એટલા માટે કહેવું પડે છે કે, તાજેતરમાં જ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છની મુલાકાતે આવ્યા હતા. પરંતુ કદાચ તેમને ખબર ન હતી કે, કચ્છના મુન્દ્રા તાલુકાના બસ્સોથી વધુ ભૂલકાઓની સ્કૂલ તૂટી ગઈ હોવાને કારણે તેમના માટે નવી શાળાની માંગણી કરી રહ્યા છે. કચ્છના મુન્દ્રા ખાતે ચાર વર્ષ અગાઉ મહેશનગર સ્થિત પ્રાથમિક શાળા ની ઇમારત જર્જરિત થતાં તોડી પાડવામાં આવ્યા બાદ ફરી શાળા નું નવનિર્માણ ન થતાં અનેક છાત્રોના ભાવિ પર પ્રશ્નાર્થ સર્જાયા હતા. અને આ બાળકો તેમના માટે શાળાની માંગણી કરી રહ્યા છે. 

આજે બન્યું એવું કે, જયારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા, તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું. 'દાદા'એ  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. 

એટલું જ નહિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ બાળકો વચ્ચે બેસીને તસવીર પડાવી હતી તેમજ વડીલ વાત્સલ્ય ભાવથી બાળકો સાથે સંવાદ કરીને તેમના અભ્યાસ, વર્ગ ખંડ, શાળાની સુવિધાઓ અને માતા-પિતા તથા પરિવાર અંગે પૃચ્છા પણ કરી હતી. આવું તેમનું માહિતી ખાતું કહી રહ્યું છે. આ બાળકોના ચહેરા પર પણ રાજ્યના મુખ્યપ્રધાનને મળવાનો આનંદ છલકાતો જોવા મળ્યો હતો અને  મુખ્યમંત્રીની આ સહજતા તથા શિશુ પ્રેમ જોઈને ગ્રામજનોએ પણ આનંદ સહ આશ્ચર્ય અનુભવ્યું હતું. મુખ્યમંત્રીનો બાળકો-વિદ્યાર્થી પ્રત્યેનો આવો આંખો પ્રેમ અને લાગણી જોઈને હાલ તો મુન્દ્રા ના મહેશનગર સ્થિત પ્રાથમિક શાળાના 267 છાત્રોને પણ આશા જાગી છે છે કે, દાદા એક વખત તેમને મળવા આવશે અને તેમની નવી સ્કૂલ બનાવવાનું સપનું સાકાર થશે.