Pakistani Hindu Spy : ગુજરાત ATSએ તારાપુરથી હિન્દૂ પાકિસ્તાની જાસૂસને ઝડપી લીધો, આર્મી પબ્લિક સ્કૂલનો અધિકારી બનીને ઇન્ડિયન ફોર્સીસની માહિતી પાકિસ્તાન મોકલતો હતો...
પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટીવ (PIO) દ્વારા ટ્રેઈન આ જાસૂસ આર્મી અને એરફોર્સ ઇન્ટેલિજન્સના રડારમાં આવી જતા ઓપરેશન કરવામાં આવેલું
WND Network.Bhuj (Kutch) : ગુજરાતમાં ભારતીય સુરક્ષા દળોને લગતી ખુફિયા માહિતી સામે પાર પાકિસ્તાની ઇન્ટલિજન્સ એજન્સીને મોકલી રહેલા હિન્દૂ પાકિસ્તાની જાસૂસને ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. તારાપુરમાં પોતાની સાસરીથી જાસૂસી તંત્ર ચલાવી રહેલા મૂળ પાકિસ્તાની હિન્દૂ જાસુસની હરકતો ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સની ઇન્ટેલિજન્સ બ્રાન્ચની રડારમાં આવી જતા ગુજરાતના ATSની મદદથી આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આર્મી પબ્લિક સ્કૂલનો નકલી અધિકારી બનીને સેનાના કર્મચારીઓ અને અધિકારીઓના મોબાઈલ મોબાઈલમાં ફી ફરવા અંગેનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહીને આ પાકિસ્તાની જાસૂસ ભારતીય સુરક્ષા દળના લોકોની મુવમેન્ટ અને ખુફિયા જાણકારી પાકિસ્તાન મોકલી રહ્યો હતો.
ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, લાભશંકર મહેશ્વરી નામનો આ મૂળ પાકિસ્તાની નાગરિક તેની પત્નીને સારવાર માટે 1999માં ગુજરાતમાં તેની સાસરી તારાપુર આવ્યો હતો. ત્યારબાદ તે અહીં સેટલ થઇ ગયો હતો અને વર્ષ 2006માં તેણે ભારતીય નાગરિકતા પણ મેળવી લીધી હતી. ત્યાર પછી જયારે તે વર્ષ 2022માં પાકિસ્તાનમાં તેના માતા-પિતાને મળવા માટે પાકિસ્તાન ગયો હતો ત્યારે તે દોઢ મહિના દરમિયાન પાકિસ્તાની ખુફિયા એજન્સીના સંપર્કમાં આવ્યો હતો. અને પાકિસ્તાન માટે ભારતમાં જાસૂસી કરવાના કાવતરામાં સામેલ થયો હતો.
તારાપુર રહીને આ હિન્દૂ પાકિસ્તાની જાસૂસ લાભશંકર મહેશ્વરીએ ભારતીય મોબાઈલ નંબર પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીને આપ્યો હતો. અને તેમાં વોટ્સએપ ડાઉનલોડ કરીને તે ભારતીય ડિફેન્સને લગતી સેન્સેટિવ ઇન્ફોર્મેશન સામે પાર મોકલી રહ્યો હતો. ગુજરાત ATS દ્વારા તેને ઝડપી લઈને તેનો મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા બાદ ફોરેન્સિક તપાસમાં આ ઘટસ્ફોટ થયો હતો. આજે સાંજ સુધીમાં ગુજરાત ATS દ્વારા આ અંગે સત્તાવાર માહિતીઓ આપવામાં આવે તેવી સંભાવના છે.