Breaking : સુરતની જેમ કચ્છમાં પણ આમ આદમી પાર્ટીના એક ઉમેદવારને ઉઠાવી લેવાયો, જાણો કઈ સીટ માટે ચાલી રહી છે ખેંચતાણ...

પટેલ સમાજના અગ્રણીઓ સાથે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષે મિટિંગ કરી

Breaking : સુરતની જેમ કચ્છમાં પણ આમ આદમી પાર્ટીના એક ઉમેદવારને ઉઠાવી લેવાયો, જાણો કઈ સીટ માટે ચાલી રહી છે ખેંચતાણ...

WND Network.Nakhtrana (Kutch) : કચ્છમાં પ્રથમ તબક્કા દરમિયાન યોજાનાર મતદાનને હવે ગણતરીના દિવસો રહ્યા છે તેવામાં અબડાસા બેઠકના આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવારને બેસાડી દેવાનું એક ગુપ્ત ઓપરેશન રવિવારે હાથ ધરવામાં આવ્યું હતું. જેને પગલે આપ ના ઉમેદવાર વસંત ખેતાણી ભેદી રીતે ગાયબ થઈ હતા અને તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. આ સમગ્ર ઓપરેશન પાછળ કચ્છના પૂર્વ કલેક્ટર રહી ચૂકેલા આઈએએસ અધિકારી એવા ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્રનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અબડાસા બેઠકમાં ત્રણ તાલુકા આવે છે. અને તેમાં પાટીદાર સમુદાયની વસ્તી ત્રીસેક હજારની છે. 

રવિવાર બપોરથી જ આપના ઉમેદવાર વસંત ખેતાણી સંપર્ક વિહોણા થઈ જવાને પગલે સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની હતી. 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા વસંત ખેતાણીનો સંપર્ક કરવામાં આવતા તેમનો મોબાઈલ ફોન બંધ આવ્યો હતો. ખેતાણીને અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના દીકરા અર્જુનસિંહ જાડેજા દ્વારા નખત્રણાના ઉમા ભવન ખાતે લઇ જવામાં આવ્યા હોવાની વાત પણ બહાર આવી હતી. આ અંગે પી.એમ.જાડેજાનો સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન કાપીને વાત કરવાનું ટાળ્યું હતું. બીજી બાજુ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈશુદાન ગઢવી સહીત આપ ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પણ ફોન રિસીવ કર્યો ન હતો. કચ્છ ભાજપના કાર્યકારી અધ્યક્ષ વલમજી હુંબલનો સંપર્ક કરવામાં આવતા તેઓ આ વાતથી અજાણ હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે, તેમની પાર્ટી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ હાલ નખત્રણા મિટિંગમાં છે. 

આ અંગે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ સનદી અધિકારી મહેન્દ્ર પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે મિટિંગ થઈ હોવાની વાત સ્વીકારીને જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના લોકો વસંતભાઈને સમજાવી રહ્યા હતા. અને તેઓ સમાજના આગેવાન તરીકે ત્યાં જઈ ચઢયા હતા. તેમની નખત્રણાની મુલાકાત અગાઉથી નક્કી જ હતી. વસંતભાઈને તેમના ગામ અને સમાજના લોકો સમજાવી રહ્યા છે એટલે કદાચ ભાજપના સમર્થનમાં ટેકો જાહેર કરે તેવી શક્યતા છે. 

મોદીને કચ્છની મુલાકાત પહેલા ભાજપની 'ગિફ્ટ' :- આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં જાહેર સભા માટે આવી રહ્યા છે. ત્યારે કચ્છ ભાજપ તરફથી આપ ના ઉમેદવારની વિકેટ ખેરવીને ગિફ્ટ કરવામાં આવે તેવું રાજકીય જાણકારો માની રહ્યા છે.