ચૂંટણી કમિશનરની નિમણુંક અને પંચની 'સિલેકટેડ' સક્રિયતાથી ઈલેક્શન કમિશનની શાખ સામે સવાલ...
સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર કહેવાતા પંચના કમિશનરની પોસ્ટિંગમાં કેન્દ્ર સરકારની ઝડપ સહિતની કાર્યવાહીની ઝાટકણી કાઢી
WND Network.New Delhi : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ચાલુ પ્રક્રિયા દરમિયાન અને જયારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી કમિશનરને લઈને કેસ ચાલી રહ્યો છે તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણી કમિશનરની પોસ્ટીંગે વિવાદ ઉભો કર્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા કરવામાં આવેલા વેધક સવાલને પગલે ફરી એક વખત 'કહેવાતા' સ્વાયત્ત ભારતીય ચૂંટણી પંચની શાખ-પ્રતિષ્ઠા સામે સવાલો ઉભા થયા છે. માત્ર ચૂંટણી કમિશનરની પોસ્ટિંગ જ નહીં પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પંચની 'સિલેક્ટેડ' સક્રિયતાને લઈને વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યા છે. અને તેમાં કોર્ટ દ્વારા પંચની અમુક સિલેક્ટેડ નીતિ-રીતિ, ખાસ કરીને નોન બીજેપી પક્ષની સામે કરવામાં આવતી કાર્યવાહી સામે આકરી ટીકા કરવામાં આવી રહી છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં એક સાથે ચૂંટણી જાહેર ન કરવાના મામલામાં પણ ભારતીય ચૂંટણી પંચની કથિત પક્ષપાતી કાર્યવાહી સામે કોંગ્રેસ દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા.
સ્વૈચ્છીક નિવૃત્તિ લીધાના બીજા જ દિવસે અરુણ ગોયલ નામના સનદી અધિકારીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવાની કેન્દ્ર સરકારની હરકતને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. અને કેન્દ્રને તેમની નિયુક્તિ અંગેની ફાઈલ મંગાવીને ચૂંટણી કમિશનરની પોસ્ટીંગની પ્રક્રિયા જણાવવા માટેનો હુકમ પણ કર્યો છે. આ ઘટના એવા સમયે બની છે જયારે ઈલેક્શન કમિશનની અમુક ચોક્કસ કિસ્સાઓમાં કરવામાં આવેલી ઝડપી કાર્યવાહી અંગેના કેસ ચાલી રહ્યા છે. જેને પગલે સ્વાયત્ત માનવામાં આવતા ચૂંટણી પંચની તટસ્થ કામગીરી સામે શંક થાય તે સ્વાભાવિક છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશની એક વિધાનસભા બેઠકના મામલામાં સુપ્રીમ કોર્ટમાં પંચની કાર્યવાહી સામે તીખી ટિપ્પણી કરવામાં આવી હતી. અને પૂછવામાં આવ્યું હતું કે, શું ચૂંટણી પંચ આવા તમામ કેસોમાં આટલું જ સક્રિય હોય છે ?
તાજેતરમાં જયારે ઉત્તરપદેશની સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાનની ધારાસભ્ય લાયકાત અંગેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે યુપીની ભાજપની સરકાર અને કેન્દ્રીય ચૂંટણી પંચને આકરા સવાલ કર્યા હતા. યુપી સરકારને આઝમને ધારાસભ્ય તરીકે ગેરલાયક કરવામાં આવેલી સક્રિયતા અને ચૂંટણી પંચને પણ તાબડતોડ પેટા ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવી હરકત સામે સુપ્રીમે કોર્ટે આકરું વલણ દાખવ્યું હતું. ખુદ ચીફ જસ્ટિસ ચંદ્રચુડે ટિપ્પણી કરી હતી કે, શું ચૂંટણી પંચ તમામ કેસમાં આટલું સક્રિય હોય છે ? અને ત્યારબાદ કોર્ટે યુપીની રામપુર સદરની બેઠક પેટા ચૂંટણી પ્રક્રિયા ઉપર રોક લગાવી દીધી હતી. ગુજરાતમાં પણ પાછળ વર્ષોમાં જે રીતે ચૂંટણી પંચ સિલેક્ટિવ કેસમાં સક્રિય રહ્યું છે તેને લઈને તેની શાખ ઉપર પ્રશ્નો ઉભા થાય તે સ્વાભાવિક છે.
વર્ષ 2017ની દ્વારકા બેઠક પર થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પબુભા માણેકને 73431 મત મળ્યા હતા, તેની સામે કોંગ્રેસના ઉમેદવારને 67692 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પર 5739 મતોથી હાર થઇ હતી. 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એ સમયે પબુભા સામે કૉંગ્રેસના ધારાસભ્ય મેરામણ આહિર હતા, જેમની પબુભા સામે હાર થઈ હતી. એપ્રિલ 2019માં ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2017માં દ્વારકા બેઠક પર થયેલી વિધાનસભાની ચૂંટણીને રદ કરી દીધી હતી. 2019માં આહિરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી કે પબુભા માણેકનું ઉમેદવારીપત્રક અધૂરું અને ક્ષતિયુક્ત હતું. જેથી આ ચૂંટણીને રદ કરવામાં આવે અને તેમને ન ચૂંટાયેલા જાહેર કરવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે દ્વારકા બેઠક પરની ચૂંટણીને રદ કરી દીધી હતી, પરંતુ આહિરને ચૂંટાયેલા જાહેર કર્યા ન હતા.
એ વખતે ગુજરાત હાઈકોર્ટમાં પબુભા માણેકની લીગલ ટીમે રજૂઆત કરી હતી કે તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપવામાં આવે અને ત્યાં સુધી ચુકાદાનો અમલ મોકૂફ રાખવામા આવે. જોકે, હાઈકોર્ટે ચુકાદો મોકૂફ રાખવાની વાતને નકારી કાઢી તેમને 'ગેરલાયક' ઠેરવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી કોઈ ચુકાદો ના આપે ત્યાં સુધી માણેક ગેરલાયક ઠરેલા ગણાશે. આમ, સુપ્રીમ કોર્ટે પબુભા માણેકને ગેરલાયક ઠેરવતા ચુકાદા સામે સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો.
આમ જયાં એક તરફ ભાજપના ધારાસભ્ય કે પક્ષની વાત આવે ત્યારે ભારતીય ચુંટણી પંચ પૂરતો સમય અને તક આપે છે જયારે નોન બીજેપી પાર્ટીની વાત આવે ત્યારે ઝડપી કાર્યવાહી કરતુ હોય છે. જે યુપીની રામપુર બેઠક તાજેતરમાં જોવા મળ્યું અને મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો.
ચૂંટણી પંચ તટસ્થ ન હોય તો શું થાય ? :- દેશમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય તેવા આશયથી ભારતીય ચૂંટણી પંચને સ્વાયત્ત રાખવામાં આવ્યું છે. જેનું કામ દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાનું છે. અને એટલે જ જયારે ચૂંટણીની તારીખો જાહેર થાય ત્યારથી સમગ્ર વહીવટ ચૂંટણી પંચની દેખરેખ તેમજ સૂચના મુજબ કરવામાં આવે છે. જેમાં કોઈ રાજકીય પક્ષની દખલ હોતી નથી. ભુતકાળમાં ટી.એન.શેષન અને જે.એમ.લિંગદોહ જેવા ચૂંટણી કમિશ્નરે ભારતના નેતાઓને ચૂંટણી પંચની તાકાત અને હેસિયતથી બરાબર વાકેફ કરાવ્યા હતા. જો ચૂંટણી કમિશનર કોઈ રાજકીય પક્ષની રહેમ દૃષ્ટિથી પોસ્ટિંગ પામ્યા હોય તો સ્વાભાવિક છે કે તે તટષ્ટ કામગીરી ન કરી શકે. અને એટલે જ સુપ્રીમ કોર્ટે હાલમાં નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણુંકને લઈને કેન્દ્ર સરકારને સવાલો કર્યા છે. જેમાં સરકારે એવો જવાબ આપ્યો છે કે, સિનિયોરિટીને આધારે ચૂંટણી કમિશનરની નિમણુંક કરવામાં આવી છે. પરંતુ વીઆરએસ લીધાના બીજા જ દિવસે પોસ્ટિંગ કરવાના મામલે પ્રશાંત ભૂષણ નામના સિનિયર એડવોકેટ દ્વારા કેન્દ્રની મોદી સરકારની નિયત સામે સવાલો કર્યા છે. કારણ કે ભવિષ્યમાં આ વ્યક્તિ અથવા તો તેમનામાંથી જ કોઈ એક મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કામગીરી કરતો હશે. અને તેવા સંજોગોમાં એ રાજકીય પક્ષના પ્રભાવથી કેમ અળગો રહી શકે તે એક મોટો પ્રશ્ન છે.
ચૂંટણી કમિશનરને જસ્ટિસ જેવું રક્ષણ મળેલું છે, સરકાર મનફાવે ત્યારે દૂર ન કરી શકે :- સ્વતંત્ર અને મુક્ત-ન્યાયી ચૂંટણી પ્રક્રિયા કરતા ચૂંટણી કમિશ્રરને હેરાન કે દબાવમાં ન આવે અટવા દૂર કરવામાં ન આવે તે માટે ભારતીય બંધારણમાં પંચને કોર્ટની જેમ સ્વાયત્ત રાખવામાં આવ્યું છે. સરકાર મનફાવે ત્યારે તેમને દૂર ન કરી શકે. તેમને દૂર કરવા માટે સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવો પડે એટલે કે ઇમ્પીચમેન્ટ પ્રોસેસ કરવી પડે. આમ બંધારણે રાજકીય પક્ષને મનમાની કરતા રોકવા પંચને સ્વતંત્ર અસ્તિત્વ આપ્યું છે. પરંતુ જજની જેમ કમિશનરને નિયુક્ત કરવા માટે કોલેજિયમ જેવી વ્યવસ્થા નથી. એટલે કેન્દ્રમાં જેમની સરકાર હોય તે તેમના માનીતા સનદી અધિકારીને કમિશનર બનાવી દે તેવી સ્થિતિ હોય છે. અને એટલે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા આ વખતે કમિશનરની નિયુક્તિ અંગે ફાઈલ તેમજ પ્રક્રિયા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને પગલે આગામી દિવસોમાં નિયુક્તિમાં સરકારની કેટલી હદે દખલ હશે તે પણ સ્પષ્ટ થઈ જશે.