Kutch : મુખ્ય સરકારી વકીલ DGP કલ્પેશ ગોસ્વામીના ડિફોલ્ટર પત્નીના જામીનદારની મિલ્કતને CBI એ વેચવા કાઢી, ભાગીદારીમાં બેકરી ખોલવા લોન લીધેલી

કલ્પેશ ગોસ્વામી કચ્છના મુખ્ય સરકારી વકીલ એટલે કે DGP હોવાની સાથે કેન્દ્ર સરકારના ખાસ કેસમાં પણ સરકાર વતી કેસ પણ લડે છે, તેમના પત્ની એ ભાગીદારીમાં ખોલેલી બેકરીની લોન ચૂકવવામાં નિષ્ફળ જતા CBI દ્વારા પ્રોપર્ટીના ઈ-હરાજી માટેની જાહેર નોટિસ આપી છે

Kutch : મુખ્ય સરકારી વકીલ DGP કલ્પેશ ગોસ્વામીના ડિફોલ્ટર પત્નીના જામીનદારની મિલ્કતને CBI એ વેચવા કાઢી, ભાગીદારીમાં બેકરી ખોલવા લોન લીધેલી

(એડવોકેટ કલ્પેશ ગોસ્વામી સત્તા પક્ષ ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે, પ્રસ્તુત તસવીરો તેમણે પોતાના X મીડિયા - ટવીટર ઉપર પોસ્ટ કરેલી છે. જેમાં તેઓ PM નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ ગુજરાતના રાજ્ય કક્ષાના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાથે જોઈ શકાય છે, Photo Credit : X @Kalpesh_kcg)

WND Network.Bhuj (Kutch) : છેલ્લા કેટલાય સમયથી સરકારી તેમજ ખાનગી બેન્ક દ્વારા આપવામાં આવેલી કરોડો રૂપિયાની લોન પાછી ન આવવાને કારણે બેંકોનું એનપીએ (નોન પરફોર્મિંગ એસેટ્સ) અબજો રૂપિયાને ક્રોસ કરી ગયું છે. જેમાં સત્તા પક્ષ ભાજપ અને મોદી સરકાર સામે વિપક્ષ આક્ષેપ કરી રહયો છે કે, તેમના માનીતાઓની લોન માફ કરવામાં આવી રહી છે. પરંતુ હકીકતમાં એવું નથી. ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા જાણીતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ કચ્છના મુખ્ય સરકારી વકીલ DGP કલ્પેશ ગોસ્વામી છે. કલ્પેશ ગોસ્વામી કચ્છના મુખ્ય સરકારી વકીલ એટલે કે DGP હોવાની સાથે કેન્દ્ર સરકારના ખાસ કેસમાં પણ સરકાર વતી કેસ પણ લડે છે, તેમ છતાં તેમના પત્ની એ પાર્ટનર શીપમાં ખોલેલી બેકરીની લોન ચૂકવવામાં નિષ્ફળ જતા CBI દ્વારા પ્રોપર્ટીના ઈ-હરાજી માટેની કાર્યવાહી કરવામાં આવી છે.  

CBI દ્વારા આ અંગેની એક જાહેર નોટિસ કચ્છના અખબારમાં આપવામાં આવી છે. આ અગાઉ પણ બે વર્ષ પહેલા આવી કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ પ્રોપર્ટી વેચાઈ નથી રહી એટલે ફરીથી નોટિસ આપવી પડી છે. અગાઉ તા. 06/08/2022ના રોજ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ કોઈએ આ પ્રોપર્ટી ન ખરીદી હોવાથી હવે તેની કિમંત ઘટાડીને વધુ એક વખત જાહેરાત આપવામાં આવી છે. આ વખતે પ્રોપર્ટીની કિમંત 39 લાખથી ઘટાડીને 25 લાખ કરી દેવામાં આવી છે. સાવ સસ્તા ભાવે પ્રોપર્ટીની હરરાજી કરવા છતાં કોઈ તેને લેવા તૈયાર નથી તે વાત ચર્ચાનો વિષય બની છે. 

એક રિપોર્ટ પ્રમાણે, હાલમાં બેંકો દ્વારા અપાયેલી 10 લાખ કરોડની જુદી જુદી લોન ચાલી રહી છે. જેમાં 42,700 કરોડ એટલે કે 5.55 ટકા લોન NPA (નોન પરફોર્મિંગ એસેટ્સ) થઈ ગઈ છે. કચ્છમાં પણ આવી ડિફોલ્ટ લોનનો આંકડો અબજો રૂપિયાને પાર કરી ગયો છે. અને એટલે જ, પ્રાદેશિક કક્ષાએથી બેન્કના સિનિયર અધિકારીઓ આવી ડિફોલ્ટ લોનની પ્રોપર્ટીની હરરાજી કરીને લોનની રકમ વસૂલી રહ્યા છે. અને એટલે દરરોજ કચ્છના અખબારોમાં બેન્ક દ્વારા પાના ભરીને મિલ્કતો વેચવા અંગેની જાહેરાતો આપવામાં આવી રહી છે.

પ્રોપર્ટી માટે કલેક્ટરની મંજૂરી લેવામાં આવતી હોય છે : NPA થયેલી મિલકત વેચવા માટે બેન્ક દ્વારા SARFAESI એક્ટની સેક્શન 14 પ્રમાણે ડિફોલ્ટરની પ્રોપર્ટી અટેચ કરવા માટે કલેક્ટર એટલે કે, જિલ્લા મેજિસ્ટ્રેટની સહાય-મંજૂરી લેવી પડતી હોય છે. જેમાં આમ તો બેન્કને મોટાભાગે મંજૂરી મળી જ જતી હોય છે. પરંતુ કચ્છની CBI (સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા)ને એક પ્રોપર્ટીમાં કચ્છ કલેક્ટર કચેરી દ્વારા મંજૂરી મળવામાં વિલંબ થવાને પગલે ભૂતકાળમાં બે વખત અખબારમાં જાહેરાત આપવી પડી હતી. કચ્છના DGP એટલે કે મુખ્ય સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામીની પત્ની વર્ષાબેન અને તેમના એક મહિલા પાર્ટનર નિર્મલાબેન પ્રવીણભાઈ ભુડિયાએ સાથે મળીને ભુજ પાસેના માધાપરમાં મેસર્સ ૐ બેકર્સ નામની બેકરી શરુ કરી હતી. જેના માટે તેમણે કચ્છના સુખપર ગામની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી રૂ.40,31,700ની લોન લીધી હતી. આ લોનની રકમ ન ચુકવાને લીધે તેમની લોન ડિફોલ્ટ થઈ હતી. અને બેન્ક દ્વારા તેની હરરાજી કરીને વેચવાની પ્રક્રિયાના ભાગરૂપે કચ્છ કલેક્ટર પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ મંજૂરી મળવામાં વિલંબ થવાને કારણે CBI દ્વારા આ જ મિલકત માટે જે તે સમયે ફરીથી જાહેર ખબર પ્રસિદ્ધ કરવી પડી હતી. તે વખતે કચ્છના કલેક્ટર તરીકે IAS પ્રવીણા ડી.કે. હતા. તેઓ સરકારના પ્રીતિપાત્ર અધિકારી હોવાને કારણે ગુજરાત સરકાર અસામાન્ય સંજોગોમાં ટ્રાન્સફર કર્યા પછી એકાદ મહિનામાં જ ફરીથી કચ્છના કલેક્ટર તરીકે નિયુક્ત કાર્ય હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગર અને હમણાં અમદાવાદના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. 

પ્રતિભાશાળી અને અણી શુદ્ધ પ્રામાણિક એડવોકેટ કલ્પેશ ગોસ્વામીએ વગનો ઉપયોગ ન જ કર્યો ! : સામાન્ય રીતે જયારે કોઈપણ વ્યક્તિ વગદાર હોય અને સત્તા પક્ષના ટોચના નેતાઓ સાથે ઘરોબો હોય ત્યારે કોઈપણ રીતે આવી જાહેર પ્રક્રિયામાં ભરાઈ જવાને બદલે તેમની વગ અને ઓણખાણનો ઉપયોગ કરીને બચવાનો પ્રયાસ કરે છે. પરંતુ યુવાન વયે કચ્છના મુખ્ય સરકારી વકીલ તરીકે લાંબા સમયથી કામગીરી બજાવી રહેલા વકીલ કલ્પેશ ગોસ્વામીએ તેમની વગ કે ઓણખાણનો ઉપયોગ કર્યો નથી તે CBIની જાહેર નોટિસથી જ સ્પષ્ટ થઈ જાય છે. એડવોકેટ ગોસ્વામી કચ્છના DGP હોવા ઉપરાંત સ્પેશ્યિલ પ્રોસિક્યુટર પણ છે. તેઓ કસ્ટમ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI), CID ક્રાઇમ, ACB અને ગુજસીટોક મામલાઓમાં પણ સરકાર વતી કોર્ટમાં પેરવી કરે છે તેવું તેમણે તેમના X મીડિયા ઉપરના એકાઉન્ટમાં લખેલું છે. સત્તાપક્ષ ભાજપમાં પણ તેમનો ખાસ્સો એવો દબદબો છે. ભાગ્યે જ એવું બન્યું હશે કે, ભાજપના કોઈ મોટા નેતા કચ્છમાં આવ્યા હોય અને તેમની ઓફિસે તેમને મળવા ન ગયા હોય. 

DGP કલ્પેશ ગોસ્વામી દ્વારા તો વિધાનસભાની છેલ્લી ચૂંટણી દરમિયાન ભાજપ તરફથી ટિકિટ પણ માંગી હતી. જેને પગલે ભુજના એક RTI કાર્યકર્તાએ આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત હતી. ચીફ જસ્ટિસ સહિત કચ્છના જિલ્લા જજ ઉપરાંત ગુજરાત સરકારના કાયદા વિભાગના સચિવ તેમજ કચ્છ કલેકટરને પાર્ટી બનાવી કરવામાં આવેલી રજુઆતમાં કચ્છનાં મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીને તાત્કાલિક બરતરફ કરવાની માંગ સાથે સરકારી દ્વારા તેમને ચૂકવવામાં આવેલા નાણાંની વસુલાત કરવાની માંગણી કરવામાં આવી છે.

છેલ્લે છેલ્લે તો તેમણે ગુજરાત સરકાર દ્વારા નવી ઉભી કરવામાં આવેલી કાયદા વિભાગની ડિરેકટોરેટ ઓફ પ્રોસિક્યુશનની પોસ્ટ માટે પણ એપ્લાય કર્યું હતું. પરંતુ ખબર નહીં ગુજરાતની ભાજપની સરકારે કચ્છમાંથી હોનહાર વકીલ કલ્પેશ ગોસ્વામીને બદલે કેમ અન્યને પસંદ કર્યા હતા.