અદાણી માટેનો 'પ્રેમ' આજનો નથી, વર્ષો પહેલા મુન્દ્રાના વોટર ફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેકટનો 200 કરોડનો દંડ ભાજપની NDAએ સરકારે માફ કરેલો...
કોંગ્રેસની તત્કાલીન UPA સરકારના પર્યાવરણ મંત્રાલયે અદાણી દંડ ફટકારેલો
WND Network.Bhuj (Kutch) : હિન્ડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી જૂથ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. અને એવા આક્ષેપ થઈ રહ્યા છે કે, મોદી અને ભાજપને અદાણી ગ્રુપ પ્રત્યે સોફ્ટ કોર્નર છે. અને એટલે સંસદમાં આટલા હંગામા પછી પણ વિપક્ષની જોઈન્ટ પાર્લિયામેન્ટ કમિટી (જેપીસી)ની માંગને નજર અંદાજ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે. કેન્દ્રીય બજેટ સત્રના રાષ્ટ્રપતિના અભિભાષણના જવાબમાં આજે લોકસભામાં બોલતા વડાપ્રધાન મોદીએ 2જી સ્કૅમથી માંડીને 2004થી 2014માં થયેલા એકેએક કૌભાંડને યાદ કર્યા પરંતુ અદાણી ગ્રુપને કારણે શેરબજારથી માંડીને રાજકીય ગલિયારામાં જે ચર્ચાઓ થઈ રહી છે તેને સંદભૅ એક શબ્દ બોલ્યા નથી. એવું નથી કે મોદી અથવા તો ભાજપનો અદાણી પ્રત્યેનો આ અહોભાવ - પ્રેમ આજકાલનો છે. વર્ષો પહેલા કચ્છમાં જયારે મુન્દ્રા ખાતેના અદાણી ગ્રુપના એક પ્રોજેક્ટ સંદર્ભે કેન્દ્રની કોંગ્રેસની યુપીએ સરકાર દ્વારા બસ્સો કરોડનો માતબર દંડ ફટકારવામાં આવ્યો હતો. જેને ત્યાર પછીની ભાજપની એનડીએ સરકારે ફેરવી નાખીને કરોડો રૂપિયાનો દંડ માફ કરી દીધો હતો.
વર્ષ 2013માં કોંગ્રેસ રચિત UPA સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે અદાણી દ્વારા મુન્દ્રામાં નિર્માણ કરવામાં વોટર ફ્રન્ટ ડેવલોપમેન્ટથી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તેવા દાવા સાથે નિયમોનો ભંગ બદલ અદાણી ગ્રુપને 200 કરોડનો માતબર કહી શકાય તેવો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ અથવા તો પ્રકલ્પ નિર્માણમાં થયેલા ખર્ચનો એક ટકો, એ બેમાંથી જે ઓછી રકમ હોય તે કેન્દ્ર સરકારમાં ભરી જવાનો આદેશ પણ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તે દરિમયાન વર્ષ 2015ના સપ્ટેમ્બરમાં કેન્દ્રમાં ભાજપની NDA સરકારનું ગઠન થાય છે. અને પછી મંત્રાલયના દંડના નિર્ણયને ફેરવી નાખવામાં આવે છે. અને એ સમયથી જ ભાજપ નું અદાણી જૂથ પ્રત્યેનુ સોફટ કોર્નરવાળુ વલણ ધીરેધીરે સપાટીએ આવતું જણાયું હતું.
અગાઉની સરકારે ફટકારેલા 200 કરોડ જેટલી મસમોટી રકમના દંડ બાબતે UPA સરકારની એન્વાયર્નમેન્ટ મીનિસ્ટ્રીએ યુ-ટર્ન લેતાં જણાવ્યું કે,કાયદાકીય રીતે આવો દંડ ફકારી શકાય નહીં. ખરેખર પર્યાવરણને નુક્સાન થયું છે કે કેમ તેની તપાસ માટે તે સમયે એક સમિતિ રચાઇ અને નુક્સાન જણાશે તો તે મુજબની રકમ કંપની પાસે વસૂલવામા આવશે તેવો નિર્ણય લેવાયો હતો. સમિતિના અભ્યાસ પરથી પોર્ટ નિર્માણમાં નિયમોનું ઉલ્લંધન અને પર્યાવરણને નુકશાન પહોંચાડાઇ હોવાનું એક વર્ષ બાદ જણાવાયું હતું. આ તકે પણ મંત્રાલય જાણે કૂણુ વલણ અપનાવતું હોય તેમ જણાવ્યુ હતું કે, હજુ પૂરતો અભ્યાસ થયો નથી. તપાસ લંબાતી ગઇ અને અંતે અદાણીને ફટકારાયેલો દંડ ભાજપ પ્રેરિત NDA સરકારે પાછો ખેંચ્યો અથવા તો માફ કરી દીધો એમ કહી શકાય.
દરમિયાન એક ખાનગી વેબ સાઇટ એજન્સીએ દાવો કરતાં જણાવ્યું હતું કે, એન્વાયર્નમેન્ટ મીનીસ્ટ્રીના અધિકારીઓએ તપાસ સમિતિના અંતિમ તારણની રાહ જોયા વિના જ અદાણીએ પોર્ટ નિર્માણમાં કોઇજ નિયમભંગ થયો નથી તેવો રિપોર્ટ સરકારને સુપ્રત કર્યો હતો જ્યારે વાસ્તવિકતા અલગ જ છે.