સોરી બોસ, પણ દુનિયાની કોઈ ઇન્ટેલિજન્સ એજન્સી આવું નબળું સિક્રેટ મિશન પ્લાન ન કરે, જાણો શું છે આતંકી પન્નુને મારવાની નિષ્ફળ કહાની...
નિખિલ ગુપ્તાને ગુજરાત પોલીસની એજન્સી દ્વારા પન્નુના હત્યાને બદલે ડ્રગ કેસમાંથી રાહત આપવાની વાત કેટલી હદે સાચી છે ? R&AW સહિતની ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીનું નાક કાપવામાં USને શું રસ છે ?
WND Network.Bhuj : ઘણી વખત ફિલ્મોમાં આવતી કાલ્પનિક સ્ટોરી રિયલમાં જોવા મળે ત્યારે આપણ ને એમ થાય કે, શું ખરેખર આવું થતું હશે, આવું થઇ શકે ? થોડા વર્ષો પહેલા બોલીવુડમાં D - Day નામની એક હિન્દી મુવી આવી હતી. જેમાં પાકિસ્તાનમાં છુપાઈને રહેતા ભારતના નંબર વન દુશ્મન દાઉદને કચ્છના રણમાંથી ભારતમાં લાવવાની વાત હતી. જેમાં ભારત સરકારના વડા પ્રધાન બધા સાથેની મિટિંગમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિન્ગ એટલે કે રૉ ના ડિરેક્ટરને પાકિસ્તાનની ધરતી ઉપર કોઈપણ પ્રકારના કોવર્ટ ઓપરેશનની સાફ ના પડી દે છે. પરંતુ મિટિંગ બાદ બહાર નીકળતી વખતે આડકતરી રીતે કહે છે કે, સરકાર ન કરી શકે પરંતુ તમે તો કરી શકો ને ? અને પછી આખી મુવીમાં કેવી રીતે સિક્રેટ મિશન પાર પાડવામાં આવે છે તેની વાત આવે છે. એક તબક્કે મુવીમાં પાકિસ્તાન સરકાર ભારત ઉપર તેના એજન્ટો દ્વારા ગરબડ કરવામાં આવી હોવાની વાત આવે છે પણ દરેક હિન્દી ફિલ્મોમાં થાય છે તેમ અહીં પણ દર્શોકોને ગમે તેવો એન્ડ બતાવીને દાઉદનો રોલ નિભાવી રહેલા રિશી કપૂરને કચ્છની બોર્ડરથી ભારત લાવી તેને મારી નાખવામાં આવે છે. હિન્દી ફિલ્મનો આ આખો સીન તમારી સમક્ષ મુકવા પાછળનો આશય છેલ્લા બે દિવસથી ભારતીય મીડિયામાં ચાલી રહેલી અમેરિકામાં રહેતા ખાલીસ્તાની સમર્થક આતંકી પન્નુની હત્યાની નિષ્ફળ સ્ટોરી સમજાવવાનો છે. અહીં ફર્ક માત્ર એટલો છે કે, આતંકી પન્નુ હજુ જીવે છે અને અમેરિકા પાસે એ તમામ પુરાવા આવી ગયા છે જેમાં તેની હત્યાની સોપારી આપવા પાછળ ઇન્ડિયન ઇનેટલીજન્સ એજન્સીના એક ઓફિસરની ભૂમિકાના પુરાવા છે. ભારત તરફથી ભલે સત્તાવાર રીતે આ મામલે તપાસની વાત કરવામાં આવી રહી છે પરંતુ સત્ય એ છે કે, જેઓ પોતાને જેમ્સ બોન્ડ તરીકે મીડિયામાં ચીતરાવે છે તેમનું સિક્રેટ મિશન હવે સિક્રેટ નથી રહ્યું. આખી દુનિયા સમક્ષ ભારત સાથે સંબંધો ખુબ સરસ હોવાનું કહેતા અમેરિકાએ ભારતને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે. અને આ માટે માત્ર ને માત્ર ઇન્ડિયન ઇન્ટેલિજન્સ સિસ્ટમ જવાબદાર છે. જેને છેક સુધી એ ખબર ન પડી કે જે આતંકી પન્નુ માટે તેઓ નિખિલ ગુપ્તાને સોપારી આપવા માટે તૈયાર કર્યો હતો એ મૂર્ખ નિખિલ ગુપ્તાએ આ કામ અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીના એક અંડર કવર એજન્ટને સોંપ્યું હતું. અને ત્યાર પછી શું થયું તે વાત છેલ્લા બે દિવસથી મીડિયામાં આવી રહી છે.
ઇન્ટેલિજન્સ સિસ્ટમ એટલે કે એજન્સીમાં કોઈપણ વાત ત્યાં સુધી જ સિક્રેટ હોય અથવા તો કહી શકાય જયાં સુધી બે સિવાય કોઈ ત્રીજાને કે અન્યને તેની ખબર ન પડે. પરંતુ અમેરિકા અને કેનેડા, બંને દેશની સિટિઝનશીપ ધરાવતા ગુરવંત પન્નુને કેનેડામાં જેમ હરદીપ નિજ્જરને પતાવી દેવામાં આવ્યો તેમ પુરો કરવા માટે જયારે 'ઓપરેશન' હાથ ધરવામાં આવ્યું ત્યારે તેની ખબર અમેરિકા અને કેનેડાને પડી જાય છે. અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ સહીત ઓસ્ટ્રેલિયા સહિતના દેશોનું 'ફાઈવ આઈઝ - Five Eyes' નામનું ઇન્ટેલિજન્સ શેર કરતુ એક ગ્રુપ છે. જેમાં કેનેડામાં નિજ્જર હત્યા અને ત્યારબાદ પન્નુ માટેની સોપારી અંગેનું ઇનપુટ આવી ગયું હતું. જેને પગલે અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અને ફેડરેલ બ્યુરો ઓફ ઇન્ટેલિજન્સ સહીત નાર્કોટિક્સ ક્ષેત્રે કામ કરતી ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એજન્સી એલર્ટ થઇ જાય છે. કારણ કે, ભારતમાં ડ્રગ્સ અને હથિયારોના બે નંબરી ધંધામાં સંડોવાયેલો મૂળ ગુજરાતનો અને તે વખતે અમેરિકામાં રહેલો નિખિલ ગુપ્તા નામનો આરોપી અમેરિકામાં ડ્રગ્સના ધંધા સાથે સંડોવાયેલા એક શાર્પ શુટરનો કોન્ટેક્ટ કરે છે. જે હકીકતમાં કોઈ શાર્પ શૂટર નહીં પરંતુ અમેરિકાની ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીનો UC કોડનેમ વાળો એક અંડર કવર એજન્ટ હતો. નિખિલ ગુપ્તા નામના મૂર્ખ ડ્રગ્સના આરોપી સાથે શરુ થયેલી આ મુલાકાત ભારતને કેટલી હદે શરમજનક સ્થિતમાં મૂકી દેશે તે વખતે કોઈને કલ્પના પણ ન હતી.
મે - 2023માં CC1 નામના ભારતીય ઓફિસરે નિખિલનો સંપર્ક કર્યો અને ત્રીસમી જૂનના દિવસે તે પકડાઈ ગયો : ચાલુ વર્ષના મે મહિનાથી શરુ થયેલી સિક્રેટ ઓપરેશનની આ સ્ટોરી ત્રીસમી જૂનના રોજ નિખિલ જયારે ચેક નામના દેશમાં અમેરિકાના ઇશારે પકડાઈ જાય છે ત્યારે તેનો પર્દાફાશ થાય છે. અલબત્ત આ સમગ્ર બાબતથી ભારતને અમેરિકા અને કેનેડા દ્વારા સતાવાર રીતે અલગ અલગ ચેનલથી વાકેફ કરવામાં આવ્યું હોવાનો પણ આંતરરાષ્ટ્રીય મીડિયામાં દાવા થઇ રહ્યા છે. ભારતમાં CRPFમાં ફરજ બજાવી ચુકેલો અને તે વખતે ઇન્ડિયન ઇન્ટેલિજન્સ સિસ્ટમમાં સિનિયર ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરી રહેલા એક ભારતીય અધિકારીએ ગુજરાતના નિખિલ ગુપ્તાનો અમેરિકામાં સંપર્ક કરીને પન્નુની હત્યાની સોપારી અંગે રાજી કરે છે. આ માટે તે નિખિલને એવો ભરોસો આપે છે કે, ગુજરાત પોલીસ તેને નાર્કોટીક્સનાં કેસમાં હવે કોલ નહીં કરે. પન્નુની હત્યાની સોપારી માટે સવા કરોડ રૂપિયા આપવાની પણ વાત કરે છે. એટલે નિખિલ પન્નુની હત્યા માટે એક શાર્પ શૂટર શોધે છે. નિખિલ પોતે એક ડ્રગ્સ માફિયા હતો એટલે સ્વભાવિક છે કે તેની નજર અને પહોંચ પણ તેના ફિલ્ડના એટલે કે, નાર્કોટીક્સનાં ધંધા સાથે સંકળાયેલા લોકો સુધી જ હોય. બસ અહીંથી જ શરૂઆત થાય છે સિક્રેટ મિશનના લીક થવાની. કારણ કે નિખિલે અમેરિકામાં જે UC (આ નામ અમેરિકાએ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં લખ્યું છે) નામના શાર્પ શૂટરને આપ્યું હતું તે ખરેખર તો અમેરિકાની ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીનો એજન્ટ હતો. એટલે વાત અમેરિકાની ઇન્ટેલિજન્સ સિસ્ટમમાં જાય છે. હવે આ સમગ્ર પ્રકરણમાં ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એજન્સી ઉપરાંત જેમ ભારતમાં રૉ એજન્સી છે તેવી અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી(CIA ) અને ફેડરેલ બ્યુરો ઓફ ઇન્ટેલિન્જસ (FBI) આવે છે.
સૌથી શરમજનક કહી શકાય તેવા આ ઘટનાક્રમમાં અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓ આવી ગઈ હોવા છતાં મૂર્ખ નિખિલ ગુપ્તા ઉપરાંત ભારતમાં રહેલા CC1 કોડનેમ વાળા સરકારી અધિકારી કે કોઈપણ ઇન્ડિયન એજન્સીને તેની સહેજપણ ખબર નથી પડતી. મે - જૂનના આ દરમિયાન કેનેડામાં હરદીપસિંહ નિજ્જર નામના ખાલીસ્તાની સમર્થક આતંકીની હત્યા થઇ જાય છે. અમેરિકા તો પહેલાથી જાણતું હતું. એટલે આ વાત કેનેડા સુધી જાય છે. અને એટલે જ કેનેડાના વડાપ્રધાન તેમની પાર્લિયામેન્ટમાં ઉભા રહીને ભારત ઉપર તેમના નાગરિકને મારવા પાછળ ભૂમિકા હોવાનો આરોપ મૂકે છે. તેમ છતાં ભારતનું નબળું ડિપ્લોમેટિક નેટવર્ક કહો કે ઇન્ટેલિજન્સ નિષ્ફળતા, સમજી જ ન શક્યા કે કોઈ દેશનો વડાપ્રધાન જાહેરમાં આવો આરોપ કેમ મૂકે શકે ? મીડિયામાં ચાલી રહેલી ચર્ચા મુજબ કેનેડાના વડાપ્રધાને આતંકી નિજ્જરની હત્યા સંબંધે નિવેદન આપતા પહેલા અમેરિકાને ભરોસામાં લીધું હતું. અને અમેરિકા પણ ત્યારબાદ કેનેડાને તપાસમાં સહયોગ આપવા માટે ભારતને દબાણ પણ કરે છે.
આટલું બધું બ્લન્ડર થવા છતાં નિખિલ ગુપ્તાને CC1 કોડનેમ વાળા સરકારી અધિકારી દ્વારા પન્નુને મારવા માટે ઓડિયો કોલ, ટેક્સ્ટ મેસેજ કરવામાં આવે છે. અમેરિકાની કોર્ટમાં ફાઈલ થયેલી ચાર્જશીટ મુજબ, 19મી જૂનના દિવસે નિખિલ ગુપ્તા ફરીથી ભારતમાંથી મળેલી સૂચના મુજબ અમેરિકાના શાર્પ શૂટર UCને ઓડિયો કોલ કરે છે. (હદ કહેવાય ને ?, ભારતમાં પણ હવે સામાન્ય લોકો સિક્રસી તેમજ પ્રાયવસી માટે વૉટ્સએપ કોલ કરે છે ત્યારે આ મૂર્ખ ઓડિયો કોલ કરે છે). જે રેકોર્ડ થતો હોય છે. આ કોલમા તે નિજજરની હત્યા અને ત્યારબાદના ટાર્ગેટના વિષે કહે છે અને કામ પતાવી દેવા માટે આગ્રહ કરે છે. 29 જૂન પહેલા ગઈ કોઈપણ સંજોગોમાં પન્નુને પતાવી દેવા માટે કહેવામાં આવે છે. દરમિયાન આ ઓપરેશનમાં વધુ એક વ્યક્તિ આવે છે જેના મારફતે શાર્પ શૂટર UCને પંદર હજાર યુએસ ડોલર એડવાન્સ સ્વરૂપે આપવામાં આવે છે. એક પછી એક તમામ પૂરાવાઓ હાથ લાગી જતા છેવટે નિખિલ ગુપ્તને અમેરિકાને ઈશારે ચેક દેશમાં પ્રાગ શહેરમાંથી ત્રીસમી જૂનના રોજ પકડી લેવામાં આવે છે. અને તેને અમેરિકાને સોંપી દેવામાં આવે છે. અને જયાં તે અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી સમક્ષ સમગ્ર વાત કબુલી લે છે. માત્ર એટલે જ નહીં પરંતુ નિખિલ પાસેથી મોબાઈલ ફોન સહિતના ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ પણ જપ્ત કર લેવામાં આવે છે. જેમાં તમામ ઓડિયો કોલ, સ્ક્રીન શોટ, ટેક્સ્ટ મેસેજ, ફોટા હોય છે. અને આ બધા પુરાવાને લઈને અમેરિકા કોર્ટમાં તેના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા ચાર્જશીટ ફાઈલ કરે છે. અને સાથે એક સીલ કરેલું કવર પણ જમા કરાવે છે. જેમાં ભારતના CC1 સરકારી ઓફિસર ઉપરાંત અન્ય બે વ્યક્તિની પણ માહિતી હોવાનો ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે.
'ફિનિશ હીમ, ડોન્ટ વેસ્ટ ટાઈમ' - પણ ઇન્ડિયન ડેલિગેશન અમેરિકામાં હોય ત્યારે ન કરતા : યોગાનુયોગ કહો કે ગમે તે, પણ જયારે અમેરિકામાં પન્નુની હત્યાની સોપારીને લઈને આખું ઓપરેશન ચાલુ રહ્યું હતું ત્યારે આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. ત્રીજી જૂનના દિવસે નિખિલ ગુપ્તા શાર્પ શુટર UCને ઓડિયો કોલ કરીને કહે છે કે,'ફિનિશ હીમ, ડોન્ટ વેસ્ટ ટાઈમ'. પરંતુ આ કામ ત્યારે ન કરતા જયારે ભારત સરકારનું પ્રતિનિધિ મંડળ અમેરિકાના પ્રવાસે આવ્યું હોય. પીએમ મોદી ઇન્ડિયન ડેલિગેશન સાથે 21થી 23 જૂન-2023 દરમિયાન અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયા હતા.
ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં ભારતના NSA અજિત ડોવાલને અમેરિકાથી કોણ અને શા માટે મળવા આવ્યું હતું ? : વિદેશીના અખબાર ફાયનાન્શીયલ ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયેલા ન્યૂઝ પ્રમાણે ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં ભારતના જેમ્સ બોન્ડ તરીકે જાણીતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર - નેશનલ સિક્યોરિટી એડવાઈઝર NSA અજિત ડોવાલને મળવા માટે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર - નેશનલ સિક્યોરિટી એડવાઈઝર NSA અને અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ડિરેક્ટર મળવા આવ્યા હતા. અને તેમની આ મુલાકાત દરમિયાન પન્નુના આ નિષ્ફળ સિક્રેટ ઓપરેશન અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને તે માટેના પુરાવા પણ આપ્યા હતા. પરંતુ ત્યારે ભારતને કદાચ એમ લાગતું હતું કે, મિત્ર રાષ્ટ્ર અમેરિકાને સમજાવી લેવામાં આવશે. પરંતુ ક્યાં ખબર હતી કે લુચ્ચા શિયાળ જેવું આ અમેરિકા આખી દુનિયામાં ભારતની આ રીતે બદનામી કરશે. પન્નૂના આ નિષ્ફળ ઓપરેશને માત્ર ઇન્ટેલિજન્સ લેવલે જ નહીં પરંતુ ડિપ્લોમેટિક લેવલે પણ એક શરમજનક ઘટના કહી શકાય એમ છે. એવું નથી કે, કોંગ્રેસના સમયગાળા દરમિયાન આવા બ્લન્ડર નહોતા થયા. પણ આ રીતે દુનિયા સમક્ષ ખુલ્લા નહોતા પડયા.
ભારતમાં G-20 દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિનું મીડિયા બ્રીફ એટલે અટકાવી દેવામાં આવ્યું હતું ? : પન્નુના પ્રકરણ બાદ હવે જેટલા મોં એટલી વાત જેવો તાલ સર્જાયો છે. એક તરફ જયાં ભારતીય ગુપ્તચર સંસ્થાઓની જેટલી નિષ્ફળતા હતી તેના કરતા પણ રાજદ્વારી કક્ષાએ ભારતની બદનામી થઇ રહી છે. છેલ્લા બે દિવસથી મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં આયોજિત કરવામાં આવેલા ભવ્ય G-20ના કાર્યક્રમ દરમિયાન અંતિમ દિવસોમાં જયારે G-20 ગ્રુપમાં સામેલ દેશના હેડ દિલ્હી આવ્યા હતા ત્યારે અમેરિકાથી તેના પ્રેસિડેન્ટ જો બાઈડન પણ સામેલ હતા. પ્રેસિડેન્ટ જો બાઈડન દિલ્હીમાં પ્રેસ કોન્ફ્રેંસ કરવા માંગતા હતા. પરંતુ ભારત સરકાર દ્વારા તેની મંજૂરી મળી ન હતી. આ વાત તેમને ભારતથી ગયા પછી જાહેરમાં કબુલી પણ હતી. મીડિયામાં તો ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો હતો કે, અમેરિકન રાષ્ટ્રપતિના કાફલામાં રહેલા એક ફોટોગ્રાફરને કારમાં પુરી દેવામાં આવ્યો હતો. જે હોય તે પરંતુ જયારે અમેરિકાની કોર્ટમાં પડેલું પેલુ સીલબંધ કવર ખુલશે ત્યારે ભારતમાં રહેલા કેટલાય જેમ્સ બોન્ડના નામ સહીત ડિપ્લોમેટિક લેવલે પણ નામ ખુલે તેવું માનવામાં આવી રહ્યું છે. જેની ભારતમાં ચર્ચા પણ નહીં થાય. પરંતુ વિદેશના મીડિયાને કેવી રીતે કોન્ટ્રોલ કરશો ?
ગુજરાતના DGPનો નિખિલ ગુપ્તાને મામલે સાફ ઇન્કાર, તો ગુજરાતના એ DCP કોણ ? : બે દિવસથી ચર્ચામાં આવેલા મામલામાં ગુજરાત પોલીસના એક DCP રેન્કના પોલીસ અધિકારીની પણ વાત ચર્ચાઈ રહી છે. કારણ કે, અમેરિકાની કોર્ટમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ મૂળ ગુજરાતનો નિખિલ ગુપ્તા ભારતમાં ડ્રગ્સ અને હથિયારોના બે નંબરના ધંધામાં સામેલ છે. અને તેને ગુજરાત પોલીસથી કોલ પણ આવી રહ્યા હતા. ગુજરાત પોલીસના ચુંગાલમાંથી બચવાની લાલચ પણ નિખિલને હતી. અંગ્રેજી મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાતના DGP વિકાશ સહાય દ્વારા નિખિલ ગુપ્તા સામે કોઈ કેસ પ્રાથમિક તબક્કે ન હોવાનું જણાવ્યું છે. તેમની વાત સાચી છે. કારણ કે, નિખિલ સામે કોઈ ગુજરાતમાં કોઈ ગુન્હો નોંધાયો નથી. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના દરિયા કાંઠેથી જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે તેમાં કયાંક તેના તાર જોડાયેલા હોય શકે છે. અને એટલે જ તેને ગુજરાત પોલીસ તરફથી કોલ આવતા હતા. ગુજરાત કેડરમાંથી હાલમાં કેન્દ્રના ડેપ્યુટેશન ઉપર ઘણા IPS ઓફિસર છે. જેઓ ભૂતકાળમાં ગુજરાત પોલીસની એજન્સીમાં મહત્વની કામગીરી સંભાળી ચુક્યા છે. જેમાંથી કેટલાક તો રૉ માં પણ ફરજ બજાવી રહ્યા છે.
ભારતના સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે બધુ કરાય પણ પકડાઈ ન જવાય : કોઈપણ દેશ પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે સિક્રેટ મિશન કે કોવર્ટ ઓપરેશન ચલાવે એમાં સહેજ પણ ખોટું નથી. પછી એમાં પાકિસ્તાન હોય કે જગત જમાદાર બની બેઠેલું અમેરિકા હોય કે આપનો દેશ ભારત હોય. પરંતુ આવા કામ કરતી વખતે પ્રોફેશનલ એપ્રોચ અને સ્માર્ટનેશ પણ જરૂરી છે. ઇન્ટેલિજન્સ એજન્સીની દુનિયામાં તમે જેટલા દુનિયાની નજરથી અજાણ્યા રહો અને પકડાઈ ન જાવ તે તેનો મૂળ સિદ્ધાંત છે. અને એમાં પણ જયારે દેશને દુનિયાની સમક્ષ શરમજનક હાલતમાં મુકાઈ જવું પડે એ તો બિલકુલ ન ચલાવી લેવાય. જયારે આપણને મીડિયા ભારતના જેમ્સ બોન્ડ કહીને બોલાવતું હોય ત્યારે તો બિલકુલ નહીં...
ભારતમાં ઇન્ટેલિન્જસ એજન્સીમાં ખટરાગ હોય ત્યારે વૈશ્વિક લેવલે તો રિસ્ક લેવાય જ નહીં : અમેરિકા સાથે ભારતના કહેવાતા બહુ સારા સંબંધ હોવા છતાં જે રીતે અમેરિકાએ ભારતને દુનિયા સમક્ષ રજુ કર્યું છે તેમાંથી બોધ લેવાની જરૂર છે. જો કે આમ જોવા જઈએ તો ભારતમાં ઇન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચેની હુંસાતુંસી અને ખટરાગ પણ કાંઈ ઓછો નથી. જો દેશમાં જ પોતાની એજન્સીઓ વચ્ચે આટલો ખટરાગ હોય તો વૈશ્વિક લેવલે તો ફૂંકી ફૂંકીને પગ મુકવા જેવી નોબત છે. ભારત હાલમાં તમે ક્ષેત્રે દુનિયામાં હરણફાળ ભરી રહ્યું છે તેમાં ઇન્ટેલિજન્સ પણ બાકાત નથી. એટલે સ્વાભાવિક છે કે, અમેરિકા જેવા દેશ રાહ જોઈને બેઠા હોય કે કયારે ભારતના જેમ્સ બોન્ડ ભુલ કરે અને તેમને ખુલ્લા પડી દઈએ.