કચ્છ : માંડવીનાં PI સહીત આઠ પોલીસવાળા સામે ટોર્ચરની કોર્ટમાં ફરિયાદ,જાણો શું છે સમગ્ર કેસ...

કેસ રફેદફે કરવાની પોલીસની આજીજી કરતી ઓડિયો કલીપ પણ વાયરલ થઈ

કચ્છ : માંડવીનાં PI સહીત આઠ પોલીસવાળા સામે ટોર્ચરની કોર્ટમાં ફરિયાદ,જાણો શું છે સમગ્ર કેસ...

WND Network.Bhuj (Kutch) : માંડવીના એક કહેવાતા  બુટલેગરને પકડ્યા પછી પોલીસે તેને મારવાનો મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. જેમાં માંડવી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહીત આઠ પોલીસ કર્મચારી સામે માર મારીને યુવાનની પત્ની પાસેથી પચાસ હજાર માંગવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગઈ છઠ્ઠી જાન્યુઆરીએ  કચ્છનાં જિલ્લા મથક ભુજ ખાતે આવેલી જી.કે.જનરલ હોસ્પિટલમાં માંડવીના રાકેશ પલણ નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં છ પોલીસ કર્મચારીઓએ માર મારવાનો આક્ષેપ કર્યો હતો. હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવાને પગલે યુવાને માંડવી કોર્ટમાં ફરિયાદ કરી છે. માત્ર એટલું જ નહીં પરંતુ, માંડવી પોલીસના એક કહેવાતા વહીવટદાર પોલીસ કર્મચારીનો ઓડિયો પણ વાયરલ થયો છે. જેમાં તે આખો કેસ રફેદફે કરી દેવા માટે યુવાનને રીતસરનો આજીજી કરતો સાંભળી શકાય છે. જેને પગલે સમગ્ર મામલોપોલીસ બેડામાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.  

માંડવીના યુવાન રાકેશ પલણે ગાંધીધામના સિનિયર એડવોકેટ દિલીપ જોશી દ્વારા અધિક ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટની માંડવી કોર્ટમાં મંગળવારે ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં માંડવીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.ચૌહાણ સહીત આઠ પોલીસ કર્મચારી સામે યુવાનને મારવા ઉપરાંત તેની પત્ની પાસેથી 50 હજાર રૂપિયા માંગવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માંડવીના સાંજીપડી વિસ્તારમાં રહેતા રાકેશ પલણ દ્વારા પોલીસ ઉપર એવો આરોપ કરવામાં આવ્યો છે કે, પોલીસે તેને પોલીસના બેલ્ટથી અલગ અલગ રીતે પોલીસની સ્ટાઈલમાં માર માર્યો હતો. જેને લીધે તેના પગમાં તથા કાનમાં ઈજાઓ પહોંચી છે. પ્રોહિબિશનના એક કેસમાં રિમાન્ડ ન લેવા તેમજ જામીન મળી જાય તે માટે યુવાનની પત્ની પાસે પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.ચૌહાણને નામે 50 હજારની માંગણી કરવામાં આવી હતી. જેમાં છેવટે માંડવી પોલીસના હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈએ પાંચ હજાર લઈને યુવાનને જામીન ઉપર છોડ્યો હતો. ત્યારબાદ યુવાનની તબિયત ખરાબ થઈ જતા તેણે પહેલા માંડવીમાં અને ત્યાર પછી ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવાને પગલે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

જેમની સામે કોર્ટ ફરિયાદ કરવામાં આવી છે તેમાં, માંડવી પોલીસ સ્ટેશનના બકલ નંબર 2621વાળા ભાર્ગવ નાગજી ચૌધરી, હેડ કોન્ટેબલ લીલાભાઇ દેસાઈ, પોલીસ કર્મચારી ભગીરથસિંહ, હેડ કોન્ટેબલ પ્રવીણ એસ. પરમાર, માંડવી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.જે.ચૌહાણ તથા માંડવી પોલીસના ત્રણ અજાણ્યા કર્મચારીઓના નામ સામેલ છે. 

'તારો તમામ ખર્ચો આપી દઈશું, તું ખાલી ફરિયાદ પછી લઈ લે'  ઘટના બાદ કેસને પતાવી દેવા માટે માંડવી પોલીસના હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેસાઈ નામના કર્મચારીએ યુવાનને ફોન કર્યો હતો. અને આ વાતચીતની ઓડિયો કલીપ વાયરલ થઈને છેક એસપી સુધી પહોંચી છે. જેમાં હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેસાઈ સતત યુવાનને આજીજી કરતા સંભળાય છે. સારવારથી માંડીને પોલીસે પકડેલી એક્ટિવા તથા મોબાઈલ ફોન આપી દેવાની વાત પણ પોલીસ કરે છે. સામે યુવાન તેને જે રીતે ત્રાસ આપવામાં આવ્યો તે અંગે વાત કરે છે. એટલે પોલીસ તેને ભવિષ્યમાં પણ હેરાન નહીં કરવાની વાત કરીને કેસ પૂરો કરવા માટે અરજી આપવા માટે દબાણ કરે છે. ઓડિયો ક્લિપમાં જેમનો અવાજ હોવાનો આરોપ કોર્ટ ફરિયાદમાં કરાયો છે તેવા હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેસાઈનો 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ સતત નો રીપ્લાય રહ્યા હતા. 

SPથી કોન્સ્ટેબલ સુધી તમામ ચૂપ :- કોર્ટમાં થયેલી ફરિયાદ તથા વાયરલ થયેલી ઓડિયો કલીપ અંગે પોલીસનો પક્ષ જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા તમામ સંબધિત પોલીસ અધિકારી તથા કર્મચારીઓનો સતત સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ પશ્ચિમ કચ્છના SP સૌરભસીંગથી માંડીને માંડવીના આક્ષેપિત પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.ચૌહાણ તથા પોલીસ કર્મચારીઓ નિરુત્તર રહ્યા હતા. જેમની યુવાન સાથેની આજીજી કરતી ઓડિયો કલીપ વાયરલ થયેલી છે અને જેમની સામે યુવાને ગંભીર આરોપ કર્યા છે તેવા માંડવી પોલીસના હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેસાઈએ પણ કોલ રિસીવ કર્યો ન હતો. કોલ નો રીપ્લાય થતા સંબંધિત પોલીસ અધિકારી તથા કર્મચારીને SMS તથા વોટ્સએપ મેસેજ કરવા છતાં પોલીસે આ મામલે કંઈપણ કહેવાને બદલે મૂંગા રહેવાનું પસંદ કર્યું હતું.