કચ્છ ભાજપમાં ભડકો, રાપર ભાજપના ઉમેદવારને માંડવી બેઠક માટે કરવો પડ્યો જાહેર ખુલાસો, જાણો શું છે સમગ્ર મામલો...
પ્રદેશ ભાજપે સ્થિતિ વણસે તે પહેલા જ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્પષ્ટતા કરાવવી પડી
WND Network.Bhuj (Kutch) : ગુજરાત વિધાનસભા માટેની ચૂંટણીને લઈને લગભગ તમામ રાજકીય પક્ષમાં ખેંચતાણ ચાલુ થઈ ગઈ છે. જેમાં સત્તા પક્ષ ભાજપને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છમાં ભાજપમાં અત્યાર સુધી જે આંતરિક ખેંચતાણની વાત અંદર ખાને ચર્ચાઈ રહી હતી તે હવે ખુલીને બહાર આવી છે. માંડવીના હાલના ચાલુ ધારાસભ્ય અને ભાજપ દ્વારા જેમની રાપરમાં ટિકિટ આપવામાં આવી છે તેવા વિરેન્દ્રસિંહ જાડેજાએ ગુરુવારે જાહેર ખુલાસો કરતા કચ્છ ભાજપની આ ખટપટ બહાર આવી હતી. જાડેજાએ કરેલા જાહેર ખુલાસા પ્રમાણે તેમના ફોટા અને પોસ્ટને આધારે કરવામાં આવેલી સોસીયલ મીડિયાની હકીકતમાં તેમનો ક્યાંય પણ હાથ નથી.
રાપર વિધાનસભા બેઠકના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ ગુરુવારે એવી સ્પષ્ટતા કરવી પડી હતી કે, સોસીયલ મીડિયામાં ક્ષત્રિય સમાજને અપીલ કરતી ખોટી પોસ્ટ ફરી રહી છે. જેના ઉપર ધ્યાન ન આપીને સૌએ માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર અનિરુદ્ધભાઈ દવેને વિજયી બનાવવાના છે. તેમની આ જાહેર અપીલને પગલે ખબર પડી કે, કચ્છ ભાજપમાં ડખા ચાલી રહ્યા છે. જાડેજા હાલ માંડવીના વર્તમાન ધારાસભ્ય છે અને તેમને માંડવી સહીત અબડાસા, ભુજ અને રાપરમાં તેમની દાવેદારી કરી હતી. અને ત્યારબાદ ભાજપે તેમને માંડવીને બદલે રાપરમાં ટિકિટ આપી હતી. અને ત્યારથી કચ્છ ભાજપમાં અંદરખાને ચાલી રહેલા વિખવાદની ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી.
કઈ પોસ્ટને પગલે જાડેજાને ખુલાસો કરવો પડ્યો ? :- પોતાને નામે ફરતી થયેલી પોસ્ટને પગલે જયારે વિરેન્દ્રસિંહ જાડેજાએ જાહેર ખુલાસો કર્યો ત્યારે કચ્છના રાજકારણમાં સોંપો પડી ગયો હતો. અને સૌ એકબીજાને પૂછતાં હતા કે, બાપુને નામે શું પોસ્ટ કરવામાં આવી છે ? આ અંગે વિરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરતા જાહેર ખુલાસો તેમના દ્વારા જ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, મુન્દ્રા ક્ષત્રિય સમાજના નામે કરવામાં આવેલી એક પોસ્ટમાં તેમનો, પી.એમ.જાડેજા અને માંડવી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાનો ફોટો મૂકીને ક્ષત્રિય સમાજના ત્રણેય ઉમેદવારને જીતાડવાની અપીલ કરવામાં આવી હતી. અને આ અંગે તેમને પૂછવામાં કે પરમિશન લેવામાં આવી ન હતી. તેઓ ભાજપના ઉમેદવાર અને કર્મઠ કાર્યકર છે તેવામાં ભાજપમાં તેમના અંગે શંકા-કુશંકા થાય તે પહેલા તેમને આ જાહેર ખુલાસો કરવો પડ્યો હતો. મુન્દ્રા ક્ષત્રિય સમાજના દિલાવરસિંહજી દ્વારા પણ અંગે ખુલાસો કરવામાં આવ્યો હોવાનું વિરેન્દ્રસિંહ જાડેજાએ અંતમાં જણાવ્યું હતું.
કચ્છ ભાજપના આંતરિક વિખવાદ પાછળ મૂળ કારણ શું છે ? આ સમગ્ર વિવાદ પાછળ કયાંક ને કયાંક વિરેન્દ્રસિંહ જાડેજા પોતે જ છે. માંડવી સહીત ભુજ, અબડાસા અને રાપરમાં એક સાથે બધી જગ્યાએ દાવેદારી કરવાને પગલે તેમને ગમે તે ભોગે ટિકિટ જોઈએ છે તે વાત તેમણે ભાજપ મોવડી મંડળ સુધી પહોંચાડી દીધી હતી. વિરેન્દ્રસિંહ જાડેજાને નારાજ કરવાનું ભાજપને પોષાય તેમ ન હતું. કારણ કે તેને લીધે માત્ર માંડવી જ નહીં પરંતુ અબડાસા સહીત રાપર બેઠક ઉપર અસર થાય તેમ હતું. એટલે સૂત્રોનું માનીએ તો ભાજપે તેમને રાપરની ટિકિટ સામે માંડવી અને અબડાસામાં ભાજપને જીત અપવાવાનું વચન મેળવ્યું હતું. અને આ સ્થિતમાં જો ક્ષત્રિય સમાજને નામે તેમના અંગે કોઈ પોસ્ટ વાયરલ થાય તો માંડવીમાં ભાજપને પરાજય તો ન મળે પણ મુશ્કેલી જરૂર પડે તેમ હતું. આથી આવા સંજોગોમાં ભાજપ સહેજ પણ રિસ્ક લેવા માંગતો ન હોવાને કારણે જાડેજા દ્વારા આ પ્રકારની સ્પષ્ટા કરાવવી પડી હતી.